અધૂરપ
અધૂરપ
અલકા કંટાળી ગઈ હતી. બધા એને એક જ સવાલ પૂછતાં હતા, "કેટલા દિવસ રહેવા આવી છું ?" આમ તો આ પ્રશ્ન સામાન્ય હતો. પણ અલકાને પ્રશ્ન પૂછનાર દુશ્મન જેવા લાગતાં હતાં. કયારેકતો કહેવાનું મન પણ થતું કે એ કહી દે, "તમારે શું પંચાત ? મારા પપ્પાનું ઘર છે મને ફાવે એટલા દિવસ રહું" પણ એ કશો જવાબ આપતી નહિ.
એ જાણતી હતી કે એની બહેનપણી સૌમ્યા પણ સાસરેથી પાછી આવી છે. આમ તો એ શહેરના બીજા છેડે રહેતી હતી. પરંતુ અલકાએ નક્કી કરેલું કે આજે એ સૌમ્યાને ત્યાં જશે. સૌમ્યા પણ સાસરેથી પાછી આવી હતી અને એને જ અલકાને કહેલું, "હવે હું એ ઘરમાં પાછી જવાની નથી" સૌમ્યા, એક જ એવી વ્યક્તિ છે કે એનું દુઃખ સમજી શકે કારણ એને પણ એના સાસરે બહુજ દુઃખ હતું. અલકાએ નક્કી કર્યુ હતું કે ફોન કર્યા વગર જ એ સૌમ્યાને ત્યાં જશે. સૌમ્યા એને જોઈને કેટલી બધી ખુશ થશે ! અમારા બંનેના નસીબ જ ખરાબ છે કે અમને સારા સાસરીયાના મળ્યા. મારા પપ્પા તો કહેતાં હતાં કે, "પૈસાની પથારીમાં આળોટીશ. ગમે તેટલા પૈસા વાપરીશ તો પણ કોઈ હિસાબ માંગનાર નથી." પપ્પાની વાત તો સાચી હતી. પણ પૈસા વાપરવા માટે પણ જીવનસાથીનો સાથ જોઈએ. પણ એને સમય જ કયાં હતો ? અને સાથે આવે ત્યારે પણ એની સાથે શું વાત કરવાની ! આવી ખબર હોત તો લગ્નની હા પણ ના કહેત. એ કોલેજ જાય તો પણ કહે, "સમયસર પાછી આવી જજે. હવે મમ્મીથી બહુ કામ નથી થતું. એવું હોય તો કોલેજથી છુટીને ફોન કરજે. ડ્રાઈવર આવીને તને લઈ જશે. "
પોતે તો કોલેજના પગથિયાં પણ કયાં ચઢ્યો હતો ! એ તો અલકાને કહેતો હતો મારી ઈચ્છા ખૂબ જ ભણવાની હતી. પપ્પાનું અકાળે અવસાન થતાં ઘરની બધી જ જવાબદારી મારે માથે પડી. મારે મારા નાનાભાઈને ભણાવવાનો હતો. એની ઈચ્છા સી. એ. થવાની છે. ભણવામાં તો હોંશિયાર છે. પરંતુ મારે એના માથે કોઈ જવાબદારી નાંખવી ન હતી. ધંધો તો ખૂબ જ સારો ચાલતો હતો પરંતુ ઘરની વ્યક્તિ ધ્યાન ના આપે તો ધંધામાં નુકસાન થાય. પણ મારી ઈચ્છા હું તારામાં જોઉં છું. એક ભણેલીમાં સો શિક્ષકની ગરજ સારે. મારે કયાં તારી પાસે નોકરી કરાવવી છે. આપણા બાળકોને તું જ ભણાવજે, એમને સારા સંસ્કારી બનાવવાની જવાબદારી તારી. તું ખૂબ ભણીશ તો હું બાર ધોરણ પાસ થઈ ભણી ના શક્યો એ મારી અધૂરપ તારા દ્વારા પુરી થઈ જશે. એટલે તો મેં તારા પપ્પાને કહેલું, "લગ્ન બાદ પણ અલકા ભણવાનું ચાલુ રાખશે"
અલકાને આ બધી વાતોમાં બહુ રસ ન હતો. કોલેજમાં મજાક મશ્કરી કરતાં રહેવાનો પણ એક આનંદ હતો. એના પતિની વાતો તો સિનીયર સિટીઝન જેવી હતી. જેથી બંને વચ્ચેનું અંતર દિવસે દિવસે વધતું જ જતું હતું. અલકા તો એના ઘરની વાતો પણ કોલેજમાં કરતી. પરિણામ સ્વરૂપ બધા એની મશ્કરી કરતાં. એના મનમાં દ્રઢપણે એ વાત ઠસી ગઈ હતી કે એનો પતિ સાવ"બોચીયો" છે. ત્યારબાદ તો નાનીનાની વાતોને મોટું સ્વરૂપ આપીને લડાઈ ઝગડા કરવાનું ચાલુ કરી દીધું અને એક દિવસ એને પતિનું ઘર છોડી દીધું.
જયારે એ પિયરમાં આવી ત્યારે એના મમ્મી પપ્પા એ કહ્યું હતું કે તું શાંતિથી અહીં રહેજે. હજી અમે જીવીએ છીએ.હવે તો તારો નાનો ભાઈ પણ સારૂ કમાય છે. તને અહીં કોઈ જાતનું દુઃખ પડવાનું નથી. બધી બહેનપણીઓ વાતો કરતી હોય તો થોડું વહેલું મોડુ પણ થાય. હજી તો એની સાસુ એકદમ તંદુરસ્ત છે. એના હાથે પગે મહેંદી મુકી છે કે મારી દિકરીની આવવાની રાહ જુએ. અલકાનો પતિ અલ્પેશ પણ એની માના જ ગુણગાન ગાયા કરે. જયારે મારી દિકરીને ખરીદી કરવા જવું હોય તો પૈસા આપીને છૂટો. સાથે ખરીદી કરવા પણ ના જાય. એને તો બસ એ ભલો અને એનો ધંધો ભલો. એવું જ હતું તો લગ્ન શા માટે કર્યુ ?
અલકા તૈયાર થઈ સૌમ્યાને ઘેર જવા નીકળી. પણ સૌમ્યાને ઘેર તાળું હતું. બાજુવાળા એ કહ્યું, "સવારના ઘેર નથી. કહેતાં હતાં કે દિકરાના લગ્નની ખરીદી કરવાની છે." અલકા પાછી ફરી ત્યારે એના સાસુ તથા એનો પતિ ઘેર બેઠેલા. અલકાને જોતાં જ બોલ્યા, "બેટા, અમે તને લેવા આવ્યા છીએ." અલકા ગુસ્સે થતાં બોલી, "પણ મારે એ ઘેર આવવું નથી. મારી જિંદગી શું ? તમારો દિકરો આખો વખત એના ધંધામાં રચ્યોપચ્યો રહે છે. એક રજામાં એમ થાય કે ફરવા જઈએ ત્યારે પણ એ દુકાનનો સામાન ખરીદવાનો ઓર્ડર આપવાનો હોય કે હિસાબ કિતાબ લખવા બેસી જાય. રાત્રે પણ આવીને એટલા થાકી જાય કે મારી સાથે વાત કરવાને બદલે નસકોરાં બોલાવતાં હોય. હું આ વર્ષે એમ. એ. થઈ જઈશ. તમારો દિકરો તો માંડ માંડ બારમું પાસ છે."
"બેટા, આ વાતની ચોખવટ તો લગ્ન પહેલાં જ થઈ ગઈ હતી. અમે કંઈ તમને અંધારામાં તો રાખ્યા ન હતા. બીજું કે ધંધામાં ધ્યાન રાખવામાં ના આવે તો વર્ષો જુનો ધંધો બંધ કરવાનો વખત આવે. મને કંઈ થાય કે હું બહારગામ જઉં તો તને ઘરની રસોઈની પધ્ધતિ ખબર હોવી જ જોઈએ."
ત્યાં જ અલકાના પપ્પા તાડુફ્યા, "પણ મારી દિકરી તમારે ત્યાં નહિ આવે. છૂટાછેડાના કાગળ વકીલ પાસે તૈયાર કરાવી દીધા છે. તમે અહીં આવ્યા તે સારૂ કર્યું. હવે આવ્યા જ છો તો આ કાગળો ઉપર સહી કરીને જાવ."
અલકા ખુશ હતી. એને તો કોલેજ જીવનની મજા માણવી હતી. આ સમાચાર સૌ પ્રથમ સૌમ્યાને આપવાનું વિચાર્યું. એને તો હતું કે હવે એ અને સૌમ્યા બહુજ વાતો કરશે. સારૂ થયું કે સૌમ્યા પણ સાસરેથી પાછી આવી ગઈ છે.અલકાએ જયારે સૌમ્યાને ફોન કર્યો ત્યારે સૌમ્યા એ કહ્યું, "હું મારા સાસરે છું અને આમ પણ હું તને મળવા આવી શકું એમ નથી. મારી તબિયત સારી નથી અને મારા સાસુ મને પથારીમાંથી ઉઠવા જ નથી દેતાં. અલકા મારા ઘરમાં બધા જ ખૂબ જ ખુશ છે. તું માસી બનવાની છું. મારા સાસુ મારી બહુજ સંભાળ લે છે." હજી તો વાત ચાલુ હતીને એના સાસુનો અવાજ સંભળાયો, "તારી બહેનપણીને જ અહીં બોલાવી લે."
અલકા સૌમ્યાને ત્યાં પહોંચી ત્યારે એને પૂછીને લીધું કે, "તું પિયરથી પાછી કેમ આવી ?"
"અલકા હું રિસાઈને આવી ત્યારે એકાદ દિવસ તો મમ્મી કંઈ બોલી નહિ. પરંતુ બીજા જ દિવસે મને કહી દીધું તારી સાસુ એ જ તારી મા છે. હું પણ તને ગુસ્સે થઈ લડું છું કયારેક તો ગુસ્સામાં તારી પર હાથ પણ ઉપાડ્યો છે ત્યારે તો તને કંઈ ખરાબ લાગતું ન હતું. એક વાત સમજી લે કે એ તને જે કંઈ કહે છે એ તારા સારા માટે કહે છે એ તને કહેશે પણ કોઈને કંઈ કહેવા દેશે નહિ. હવે એ જ તારૂ ઘર છે. સાસુની સલાહથી વાંકુ પાડી અહીં નહિ આવવાનું. તને મારઝુડ કરતાં નથી. પતિ તરફથી પણ કંઈ દુઃખ નથી. માટે તારે ત્યાં જ જવાનું છે. મારી મમ્મી મને અહીં મુકવા આવી ત્યારે મેં ગુસ્સામાં નક્કી કરેલું કે હું મમ્મીને ત્યાં નહિ જઉં. પણ જેમ જેમ દિવસો પસાર થતાં ગયા એમ મને લાગ્યું કે મારી મમ્મી સાચી હતી. મારો પણ વાંક હતો. બીજા અર્થમાં કહું તો કદાચ મારામાં છોકરમત પણ હતી. પણ આજે મને સમજાય છે કે આજ મારૂ ઘર છે. હું અહીં સુખી છું. મારૂ માને તો તું પણ છૂટાછેડાનો વિચાર પડતો મુકીને તારે ત્યાં જતી રહે. "પરંતુ અલકા કઈ રીતે કહે કે મેં તો છૂટાછેડા લઈ લીધા.
અલકા ઘેર આવી ત્યારે થોડી ઉદાસ હતી. એમાંય એના ફોઈ એના ઘેર આવીને બેઠા હતાં જે એના મમ્મીને કહી રહ્યા હતા કે તારે અલકાને સમજાવવી જોઈએ. તેં બહુ મોટી ભૂલ કરી છે. એક સંસ્કારી ઘરની છોકરી મારા ધ્યાનમાં હતી. હું આપણા આશુતોષ માટે પૂછવા ગઈ તો એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, "જે ઘરમાં પરણેલી દિકરી પાછી આવી હોય એ ઘરમાં મારી દિકરી ના આપું." અલકાને સૌમ્યાની વાત સાંભળીને થયું હતું કે કદાચ ખરેખર ઉતાવળ થઈ ગઈ કે શું ? પણ અલ્પેશ ધંધામાં જ રચ્યોપચ્યો રહેતો હતો એ તો ઠીક ઉપરથી કહેતો હતો તું ખુબ મહેનત કર. અત્યારે હરવાફરવાના દિવસો છે અને ભણવાની વાતો કરે છે.
જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ એને અલ્પેશ યાદ આવતો રહેતો હતો. નાનાભાઈના લગ્નની પણ જયાં વાત ચાલતી ત્યા અલકા સાસરેથી પાછી આવી એ કારણે જ વાત અટકી પડતી. આખરે એક છૂટાછેડાવાળા પ્રિયંક નામના છોકરાને પસંદ કરી એની સાથે લગ્ન તો ગોઠવી દીધા. પરંતુ લગ્ન બાદ પ્રિયંકે કહી દીધું કે, "મેં તારૂ ભણતર જોઈને જ તને પસંદ કરી છે. મેં કોલેજમાં તારી નોકરીની વાત કરી છે. ત્યાંના ટ્રસ્ટી આપણા સગા છે. ઈન્ટરવ્યુની જરૂર નથી. પહેલી તારીખથી તારી નોકરી ચાલુ થઇ જશે."
"પણ.. તમારે મારી ઈચ્છા તો પૂછવી હતી" જો અલકા મારા એકલાના પગારમાં ઘર ચાલી શકે એમ નથી. આ જમાનામાં બંને જણાએ કમાવવું જ પડે તો જ તમે સારી રીતે જીવી શકો. એટલે તો કહેવાય છે કે પતિ પત્ની એકબીજાના પૂરક છે. પતિ કે પત્નીમાં જે કંઈ અધૂરપ હોય તેને પૂર્ણ કરવાની હોય છે. અલકા અધૂરપનું પણ એક સૌંદર્ય હોય છે. લોકો બીજના ચાંદની પૂજા કરે છે. પૂર્ણતા જયાં આવે ત્યાં પ્રગતિ અટકી જાય. ઈચ્છાઓ અધૂરી હોય તો એને પૂર્ણ કરવા પ્રયત્ન થાય. અડધા ખીલેલાં ગુલાબનું સૌંદર્ય પણ આહલાદક હોય છે. લગ્નનો અર્થ જ એ છે કે બંનેમાં જે અધૂરપ છે એ એકબીજા મળીને પૂર્ણ કરવા પ્રયત્ન કરવો .જો કે અધૂરપ પણ આગવું મહત્વ ધરાવે છે. "
અલકાને લાગ્યું કે આ વાત એ થોડા સમય પહેલાં સમજી શકીએ હોત તો આજે એ અલ્પેશ સાથે સુખી હોત.
