અધૂરો સંગાથ
અધૂરો સંગાથ
આજથી ઓગણીસ વર્ષ પહેલાં તમે અહીં પહેલીવાર આવેલાં. ઓણણીસ વર્ષથી આ દિવસે અહીં આવવાનો સિલસિલો તમે જાળવી રાખ્યો છે સપના. ચાલીસી વટાવી ચૂકેલાં તમે બરાબર ઓગણીસ વર્ષ પહેલાં કવનને પહેલીવાર અહીં જ મળ્યા હતાં. કવન સાથેની પહેલી મુલાકાતની સાક્ષી છે આ હોટલ 'સંગાથ' એ જ ખૂણો, એ જ ટેબલ. કવનની શાયરી તમને સ્પર્શી ગયેલી અને તમે કવનની શાયરી બની ગયેલાં.
તું શાયર હૈ,મૈં તેરી શાયરી. કવન પણ તમને જીવનભરનાં સંગાથનો કૉલ આપી બેઠેલો. પછી તો એક દૂજે કે લિયે બનેલાં તમે બંને પંતગિયાની માફક ઉડવાં લાગેલા. તમારા માટે કવન સર્વસ્વ હતો તો કવનના દિલની રાણી તમેજ હતાં સપના. પણ દરેકના ભાગ્યમાં સપના પૂરાં થવાનું લખ્યું નથી હોતું. તમારી સાથે પણ કંઈ એવું જ બન્યું. તમારો કવન એક દિવસ રોડ અકસ્માતનો શિકાર બન્યો. સપના તમારાં સપનાઓ કડડભૂસ થઈ ગયાં.નિયતિને મંજૂર ન હતું એ થઈને રહ્યું. તમારા જીવનની એ ભયાનક ક્ષણ હતી. જેણે કવનને છીનવી લીધો. શાયરી રહી ગઈ શાયર ચાલ્યો ગયો.
એ આધાતમંથી બહાર આવવામાં તમને ખાસ્સો સમય લાગ્યો સપના. મા-બાપની એકની એક દીકરી હોવાના નાતે તમારે એમનું કહ્યું માનવું પડયું કવનને બદલે કથન તમારો જીવનભરનો સંગાથ બની ગયો. પ્રેમાળ કથને તમને ભરપૂર પ્રેમ કર્યો છે સપના તમે પણ એને અન્યાય નથી કર્યો પણ કવનની જગ્યા કથનને કયારે આપી શકયા નથી એ પણ હકીકત છે. કથનના પ્રેમ પ્રત્યે તમને આદર છે,કથન માટે તમને માન છે. પણ કવન તમારી જીંદગી હતો, છે, રહેશે.અને એટલેજ તો ઓગણીસ વર્ષથી આ જ દિવસે એ જ હોટલના એ જ ખૂણામાં એ જ ટેબલ પર તમે આવીને બેસો છો. કવનને મહેસુસ કરો છો. એને ઠપકો આપો છો જીવનભરના સંગાથનો કૉલ આપી કયાં ચાલ્યો ગયો તું ? સપના,એને તમને છોડીને કયાંય જવું નહોતું. નિયતિને કોણ રોકી શક્યું છે. ચાલો હવે ઊઠો, સાંજના બરાબર પાંચ થયા છે. કથન તમને લેવા આવી ગયો છે. તમારો જીવનભરનો સંગાથ એની સાથે લખાયેલો છે.