અધૂરી ઈચ્છા
અધૂરી ઈચ્છા


"તારા વિના શામ મને..." સાંભળતા જ નલિનીના પગની સાથે હૈયું પણ હિલોળા લેતું. નલિની સારી રીતે જાણે છે કે પોતે હવે ક્યારેય ગરબા રમવા જઈ શકે એમ નથી છતાં કોણ જાણે કેમ રાસ સાંભળીને તેનું મન "કાન્હા" ઘેલું થઈ જતું.
બહેનપણી સંગ રાસ રમવા જતી ત્યારે તેની નજર કાન્હાને શોધતી, જાણે કોઈએ પાણીમાં પથ્થરો નાંખ્યો હોય ને વમળો ઉમટે એમ એનાં મનમાં અનેક તરંગો ઉઠતાં, ભાવવેશ થઈને કહેતી, "હે ! કાન્હા, તું ક્યાં છે? તું મારી સાથે રાસ-લીલા રમવા આવ..."
"આ શું ?" નલિનીની આંખો અંજાઈ ગઈ.. તેને આંખ પર હાથ મૂકી દીધો ને આંખો ચોળીને જોયું તો મુકુટધારી કૃષ્ણ-કન્હૈયો તેની સામે ઊભો છે.
"આમ, શું જુએ છે ગોપી ?"
"કા...ન્હા ! ક..ન્હૈ..યા ! કૃ...ષ્ણ! તું, તમે ??" બાવરી થયેલી નલિનીને તેની આંખો પર વિશ્વાસ જ નહોતો બેસતો.
"હા ગોપી, તે મને જ બોલાવ્યો ને ? ચાલ ને, આપણે રાસ રમીએ..." કૃષ્ણની મધુર વાણી સાંભળીને નલિની જાણે કાન્હામય બની ગઈ. નલિની આખી રાત કૃષ્ણ સંગે રાસ રમી. સવાર પડતાં જ સાથે રમતો કૃષ્ણ ક્યાંય દેખાયો નહિ. "કાન્હા, કાન્હા" કહેતી જાય ને દોડતી જાય, ત્યાં તો મિલને ઢંઢોળી.
નલિની સફાળી જાગી ગઈ. નલિની સમજી ગઈ કે આજે કૃષ્ણ એ ફરી એનાં મનનો મનોરથ પૂર્ણ કર્યો છે. તેને સામે રહેલી કૃષ્ણની છબીને બે હાથ જોડીને નમન કર્યું ને બોલી, "તું કદી મારી કોઈ ઈચ્છા અધૂરી રહેવાં જ નથી દેતો."
"જય શ્રી કૃષ્ણ" કહેતાં મિલને વ્હીલચેર નલીની તરફ ખસેડી.