અધૂરા વિવાહનું દર્દ
અધૂરા વિવાહનું દર્દ
લાડકોડમાં ઉછેરેલ દીકરીનાં વિવાહ માટે અનેક છોકરા જોયાં પછી તેની પસંદગીનાં મુરતિયા સાથે પરણાવાં આબરૂદાર શેઠ શાંતિલાલ ખુબ થનગની રહ્યાં હતાં.
માતા હસુમતિનાં આનંદનો પાર ન હતો દરેક મહેમાનને યાદ કરીને તેડાવ્યા હતાં. પણ દીકરી તો કોઈ જ ફિકર વગર મસ્તીમાં જ રહેતી હતી. ભોળી નટખટ દીકરી પ્રત્યે માતાપિતા અઢળક વહાલ વરસાવતાં હતાં.
લગ્નનાં દિવસે લાખોનાં ખર્ચે જોરદાર સજાવટ સાથે આવેલ મહેમાનો ભેળાં શેઠ જાનની રાહ જોતાં હતાં.
એટલામાં દીકરી સ્વરા દોડતી આવીને પિતાનાં હાથમાં એક કવર મૂકીને બોલી,
"સોરી પાપા સમય નથી મારી પાસે એટલે તમે ખોલીને વાંચી લેજો."
શેઠે વ્હાલથી માથું હલાવીને કવર ખોલીને ચશ્મા ચડાવીને વાંચ્યું,
"મારો જૂનો રીસાયેલો બોયફ્રેન્ડ લગ્ન માટે માની ગયો છે એટલે દોડતી જાઉ છું. ફરી પાછો તેનો વિચાર ફરી ન જાય એટલે. સોરી તમને ખર્ચ કરાવવાં બદલ. વિવાહ અધૂરા મૂકીને હું જઈ રહી છું."
એટલામાં માતા આવીને બોલ્યાં,
"અરે સ્વરા તો ક્યાંક ભાગી ગઈ. તેણે બીજો છોકરો શોધી લીધો."
શેઠનાં માથે જાણે વીજળી તૂટી પડી. એ એટલું જ બોલી શક્યાં, "બેકદર દીકરી " અને લથડી પડ્યાં.
માતાપિતાના દીકરીના વિવાહનાં અરમાન અધૂરા જ રહી ગયા.
