અધુરા તેાય પુરા
અધુરા તેાય પુરા
" મમ્મી તમને આ રૂમ ગમશે. અહીં સાંજનો સૂર્યાસ્ત ખૂબ સરસ દેખાય છે અને મમ્મી આ દરિયાનાં ઉછળતાં મોજાં જોવાની પણ તમને ખૂબ મજા આવશે. આ બીજો રૂમ છે એમાં ઊગતો સૂર્ય દેખાશે પણ દરિયો નહીં દેખાય.છતાં પણ તમારી પસંદ-તમને જે યોગ્ય લાગે એ રૂમમાં તમે રહો"
પૂનમ વિચારતી હતી કે જિંદગીમાં પહેલીવાર એની પસંદગી કોઈ પૂછી રહ્યું છે. બાકી જિંદગીમાં એણે કયાં કોઈ ચીજ પસંદ કરી હતી કે કોઈએ એની પસંદગી પૂછી હતી ? પૂનમનેે થયું કે એ સૂર્યાસ્ત જોતી રહે કારણ હવે એની જિંદગીનો સૂર્યાસ્ત જ છે ને ? અને દરિયાના ખારા પાણી જેવી એની જિંદગીમાં હંમેશ ખારાશ જ રહી છે "મીઠું ને રોટલો" ખાવાની ઉપમા ભલે આપવામાં આવતી હોય પરંતુ વધુ પડતું મીઠું પણ શરીર માટે નકામું છે."
"મમ્મી, તમે જવાબ ના આપ્યો કે તમને ક્યો રૂમ ગમશે ?
"બેટા,મને સૂર્યાસ્ત અને દરિયો જોવો ગમશે" પૂનમે પોતાની પસંદગી રજૂ કરી. કદાચ જિંદગીમાં પહેલી જ વાર. એને તો સાથે સાથે એવું કહેવાની પણ ઈચ્છા થઈ કે,"બેટા સૂર્યાસ્ત અને અફાટ દરિયાના પાણી સાથે જ મારી જિંદગી જોડાયેલી છે ." પણ એ ચૂપચાપ પોતાની પસંદગીના રૂમમાં જતી રહી. બધી જ સગવડથી સુસજ્જ થયેલો રૂમ. એને ગમ્યો હતો અને એની પુત્રવધૂ તો "ઈન્ટિરીયર ડેકોરેશન" નો અભ્યાસ કરી ચૂકી હતી. એની ઘર સજાવટમાં તો ખામી ક્યાંથી હોય !
પૂનમે કદાચ પ્રથમવાર જ આટલું સુંદર ઘર જોયું હતું.બાકી એનું ઘર, એની દુનિયા એટલે ચાર દિવાલો વચ્ચે કેદ એની દુનિયા.
પૂનમને ગણિત અને વિજ્ઞાનના વિષયો ખૂબ ગમતાં. એની ઈચ્છા પણ ખરી કે એ ભણીગણીને ડૉક્ટર બને.એના S.S.C. માં ખૂબ સારા ટકા આવેલા.પરંતુ એની પસંદગી પૂછવાને બદલે એના પિતા એની ફી આર્ટ્સ કોલેજમાં ભરી આવ્યા. ત્યારે પણ ક્યાં એની પસંદગી પૂછવામાં આવી હતી ? પરંતુ હીરો ગમે ત્યાં ઝળકે જ. ગુજરાતી વિષય સાથે એ બી.એ. થઈ અને એ પણ ગોલ્ડમેડલ મેળવીને. એનું કારણ એટલું જ કે એ જે ક્ષેત્રમાં હોય ત્યાં એને ઉત્તમ બનવાનું જ હોય. હજી માંડ માંડ રિઝલ્ટ આવ્યું હતું અને બીજા જ અઠવાડિયે એના પિતાએ કહી દીધું "અહીં નજીકમાં જ આપણી નાતનું કુટુંબ છે. માેટુ કુટુંબ છે જેથી બધાને એકબીજાની હૂંફ રહેશે. કુટુંબ ઘણું જ ખાનદાન છે. ઘરના મોટા દીકરા જોડે તારૂં માંગુ નાંખ્યું હતું એ લોકોએ તને જોઈ છે અને તારા માટે હા કહી દીધી છે. આવતા મહિને તારા લગ્ન ગોઠવી દીધા છે ."
પૂનમ સ્તબ્ધ બની ગઈ. આવુ કંઈ રીતે બને ? અરે, એકવાર.....માત્ર એકવાર તો મને પૂછવું હતું કે તારી ઈચ્છા શું છે ....?
લગ્નબાદ તો એનો સંસાર જ જાણે બદલાઈ ગયો. ચાર દિયરો,બે ફોઈ સાસુઓ વચ્ચે એનો સમય જ જાણે પાંખો આવી હોય એમ પસાર થતો. ગુજરાતી સાહિત્ય સાથે તો જાણે એનો છેડો ફાટી ગયો હતો. અરે, દૈનિક પેપર વાંચવાનો પણ એની પાસે કયાં સમય હતો ! દિયરો,ફોઈઓ,સાસુ સસરાતથા કુંવારી નણંદો -બધાની જુદી જુદી માંગણીઓ. એના લગ્નના બેચાર મહિનાનમાં જ બંને ફોઈ સાસુએ ,"ઘર નાનું પડે છે " એવા બહાના હેઠળ જુદા થઈ ગયા. વારાફરતી બંને નણંદોના લગ્ન થઈ ગયા ત્યારે કામનો વધુને વધુ ભાર પૂનમ પર જ પડતો.
ત્યારબાદ તો સવાર સાંજનો સમય પાણી ભરવામાં જ જતો. તે ઉપરાંત ચાર જુવાન દિયરો,સાસુસસરા તથા દરરોજે મહેમાનોની અવરજવરમાં થપ્પી રોટલીઓ તથા રસોઈમાં સમય પસાર થતો જેથી કંઈ નવું વિચારવાનો પણ એની પાસે સમય જ કયાં હતો ? એવામાં એને એક પુત્ર તથા પુત્રી થયા.
બધી જ દેરાણીઓ નોકરી કરતી આવી. એ પણ નોકરી કરી પૈસા કમાઈ શકી હોત પણ જવાબદારીમાંથી એ ઊંચી જ કયાં આવી હતી ?
ત્યારબાદ તો નોકરી કરતી ત્રણેય દેરાણીયોએ પતિને સમજાવી બહારગામ નોકરી મેળવી લીધી ત્યારે પણ સાસુ પૂનમને કહેતાં," તું મોટી છું એટલે ઘરની જવાબદારી તારે જ ઉઠાવવાની".
જયારે અથાણાંની સિઝન હોય કે દિવાળી હોય,બધાય ઘરના અથાણાં તથા દિવાળીની મિઠાઈ તથા નાસ્તા બનાવવાની જવાબદારી એની જ રહેતી.
દિવાળીની રજાઓમાં દેરાણીઓ આવતી ત્યારે પૂનમ માટે ભારે સાડીઓનો ઢગલો થઈ જતો પણ કોઈ પૂછતું નહીં કે ભાભી તમને લાલ,લીલો કે પીળો કેવો રંગ ગમે છે ? કયારેક કોઈ દિયર બહારગામ જાય તો પૂનમ માટે સાડીઓ તો અચૂક લાવે.ત્યારે પૂનમને થતું કે અથાણાં,નાસ્તા કરવા બદલ મજૂરી રૂપે સાડીઓ મળે છે.હા,સાડીઓ જરૂર મોંઘી હોય છે પરંતુ એ સાડીઓ પહેરીને કયાં જવાની છે ? નોકરી કરતી દેરાણીઓ તો રોજ જુદી જુદી સાડીઓ પહેરતી હતી. જયારે એની પાસે તો કેટલીય સાડીઓ હતી કે જેની ગડી પણ ઉકેલી ન હતી.દરેક દિયરના લગ્ન વખતે એના માટે સોનાના દાગીના તૈયાર કરાવવામાં આવતાં તે પણ સાસુની પસંદના કે જે જોઈને એને વખાણ કરતાં કહેવું પડતું કે સુંદર અને કલાત્મક છે.
દીકરો દિવસે દિવસે મોટો થતો જતો હતો. પૂનમની ઘણી જ ઈચ્છા થતી કે એ એના દીકરાને ભણાવે પણ સંયુક્ત કુુંટુંબમાં જવાબદારી નીચે દબાયેલી પૂનમની ઈચ્છા પુરી થતી નહીં પણ એનો દીકરો એના જેટલો જ હોંશિયાર નીકળ્યો. કેમ્પસ ઈન્ટરવ્યુમાં એને મુંબઈ નોકરી મળી ગઈ. દીકરી પરણીને પરદેશ જતી રહી. સાસુસસરાનું પણ મૃત્યુ થઈ ગયું હતું. હવે તો થપ્પી રોટલીને બદલે માંડ દસેક રોટલી કરવી પડતી. પાણી પણ એક જ સમય ભરવું પડતું.
પતિને તો રમતગમતનો શોખ હતો એટલે એ સવાર સાંજ કલબમાં જતો. પૂનમ ઘરમાં એકલી પડી ગઈ હતી. કોઈ બહેનપણી જોડે પણ સંપર્ક રહ્યો ન હતો. પૂનમે એકાદ વખત પતિને કહ્યું પણ ખરુ કે મને ઘરમાં એકલા ગમતું નથી તમે કલબમાં જવાનું બંધ ના કરો ?
"પૂનમ ઘરમાં ટીવી છે, લેટેસ્ટ મોબાઈલ છે સમય કયાં જતો રહેશે કે તને ખબર પણ નહીં પડે."
પૂનમ ને થતું કે એ વાત પણ કોની જોડે કરે ? દીકરાનો અઠવાડિયે એકવાર ફોન આવે તે પણ કેમ છે સારૂ છે. દેરાણીઓ નોકરી કરે એમનો પણ પંદર દિવસે એકવાર ફોન આવે બહેનપણીઓ પણ રહી ન હતી.
આ બધા કારણોસર એની જિંદગીમાં નિરાશા આવી ગઈ.એ કારણોસર એને લકવાનો હુમલો થઈ ગયો. બધા પૂનમની ખબર જોવા આવી ગયા પરંતુ દીકરાએ અને એની પત્ની એ કહી દીધું,"મમ્મી, હવે તમારે અહીં રહેવાનું નથી. અમારી સાથે મુંબઈ જ ચલો. ત્યાં સારામાં સારા ડોકટરને બતાવીશું.
તમે જલદી સાજા થઈ જશો." ધીરે ધીરે પૂનમને સારૂ તો થઈ ગયું. પરંતુ ડોકટર પાસે શારિરીક તકલીફની દવા હોય છે માનસિક તકલીફની નહીં. મુંબઈ આવવાથી એને સારુ લાગતું હતું. લગ્નબાદ પહેલીવાર એ મુંબઈ આવી હતી એટલું જ નહીં પરંતુ દરિયો પણ પહેલીવાર જોતી હતી. એને આ પરિવર્તન ગમ્યું હતું.
જો કે દીકરાની વહુ બહુ જ કહ્યાગરી હતી. એને સાસુ પ્રત્યે લાગણી હતી. તેથી જ કહ્યું" મમ્મી,તમે ફેસબુકમાં સભ્ય બની જાવ, કીટીપાર્ટીમાં જાવ, ટી.વી. જુઓ, તમે કંઈક પ્રવૃત્તિ કરો તમને સારું લાગશે.
પૂનમને કહેવાનું મન થયું કે નજીકમાં કોઈ પુસ્તકાલય હોય તો મને સભ્ય બનાવી દે.પરંતુ હવે તો આ ઉંમરે વાંચતી વખતે એની આંખો ખેંચાતી હતી. આંખમાં ઝામર હતું અને મોતિયો પણ ટૂંક સમયમાં ઉતરાવવો પડશે.
એક દિવસ પુનમની પુત્રવધૂએ પૂનમના રૂમમાં કોમ્પ્યુટર મુકી દીધું અને કહ્યું,"મમ્મી, આમાં તમને ઈચ્છા થાય તે વાંચો અને જુઓ. હું તમારા માટે આ લેટેસ્ટ મોબાઈલ પણ લઈ આવી છું.ગુગલ પર તમને બધી માહિતી મળશે."
"ત્યારે પૂનમે કહ્યું,"મને આમાનું કશુંય આવડતું નથી અને આ ઉંમરે આ બધું શીખવાની ઈચ્છા પણ નથી ."
એ રાત્રે એને ઊંઘ આવતી ન હતી તેથી તે ગેલેરીમાં ઉભી હતી. ત્યારે પુત્રવધૂનો અવાજ આવ્યો,"તમે તો કહેતાં હતાં કે તમારી મમ્મી ગોલ્ડમેડાલિસ્ટ છે.પણ મમ્મીને તો કશુંય આવડતું નથી. મેં શીખવાડવાનુું કહ્યું તો કહે કે,"મારે આ ઉંમરે કંઈ શીખવું નથી.ખરેખર,મમ્મી અભણ જેવું વર્તન કરે છે. જિંદગી તો આ બધી વસ્તુ વગર અધૂરી છે."
પૂનમને થયું કે દીકરાના રૂમનું બારણું ખખડાવીને ખોલાવે અને કહે,"આ ટેકનોલોજીથી હું જરૂર તારી દ્રષ્ટિએ અધૂરી હોઈશ પરંતુ સંયુક્ત કુટુંબમાં બધાના મન સાચવવા,બધાની જરૂરિયાત પર પૂરેપૂરું ધ્યાન આપવું,દરેકને પ્રેમ આપવો,એના પરિણામ સ્વરુપ બધા મને માન પણ આપે છે.જવાબદારી પૂરી કરવામાં હું નિષ્ફળ નથી ગઈ. કોલેજમાં મેળવેલ ગોલ્ડ મેડલ તો મેં,સંસારમાં રહીને બધાના દિલમાં રાજ કરીને ગોલ્ડ મેડલ જ મેળવ્યો છે. ભલે તું મને અધૂરી ગણે પણ હું પૂર્ણ છું. મારી જવાબદારી નિભાવવા સાથે આજે પણ હું ગોલ્ડમેડાલિસ્ટ છું. હું ભલે અધૂરી હોઈશ તો પણ પૂરી છું.
