'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

અડગતાથી આફત ભાગે

અડગતાથી આફત ભાગે

2 mins
435


ઈ.સ. ૧૯૩રમાં બોરસદ તાલુકામાં પ્લેગનું આગમન થઈ ગયું. શરૂઆતમાં પાંચનો ભોગ લીધો. ધીમે ધીમે તેણે પકડ મજબૂત બનાવી. તાલુકાનાં ર૮ ગામોમાં પ૮૯ માણસોનો ભોગ લીધો. રોગનો આવો ફેલાવો થયો છતાં સરકારે કોઈ પગલાં લીધાં નહિ.

આમ ખેડા જિલ્લામાં હાહાકાર મચી ગયો. માણસો બેબાકળા બની ગયા. શું કરવું એ ખબર પડતી નથી. ટપોટપ માણસો મરે છે. કયો ઉપાય કરવો ? શું કરવું ? કેમ જીવવું ? જઈને વાત કરી પોતાના તારણહારને. તારણહારે હકીકત જાણી અને ચોંકી ઊઠયા. લોકોને મોતના મુખમાંથી બચાવવાનો નિર્ણય લીધો. મુંબઈથી દાકતર ભાસ્કર પટેલને બોલાવ્યા. દાકતરે ગામોગામ ફરી માહિતી મેળવી. તારણહારે બધું જાણ્યા પછી પ્લેગ નામના રાક્ષસને દૂર કરવા કાર્યવાહી ચાલુ કરી દીધી. બોરસદની સત્યાગ્રહ છાવણીમાં દવાખાનું ખોલ્યું. સામાન્ય અસરવાળાને જે તે ગામમાં જ સારવાર અપાતી હતી, જ્યારે ગંભીર અસરવાળાને આ દવાખાનામાં લઈ આવી સારવાર કરાતી હતી.

સ્વયંસેવકો ગામેગામ જઈ કચરો દૂર કરી ગામોને સ્વચ્છ કરવા લાગ્યા, ગંદકી દૂર કરવા લાગ્યા. મરેલા ઉંદરોને ગામબહાર લઈ જઈ બાળી નાખતા. ગંદકીવાળી જગ્યાએ ઈલ્શન છાંટી ગંધકની ધૂણી કરવા લાગ્યા. આ રીતે પ્લેગની જીવાતનો નાશ કરવા લાગ્યા. તારણહારની મદદમાં દરબાર સાહેબ, શિવાભાઈ આશાભાઈ પટેલ, ભક્તિબા અને ભક્તિબાનાં પુત્રો અને પુત્રવધૂઓ પણ કામે લાગી ગયેલાં. બહેનો પણ પાછળ રહે તેમ નો'તી. સ્વયંસેવકો સાફસૂફી કરતા હોય ત્યારે બહેનો રસોઈ તૈયાર કરી લેતી. બોરસદમાં દવાઓ તૈયાર કરી ગામડે-ગામડે છાંટવામાં આવતી. જે ગામમાં દવા છાંટવાનું સાધન ન મળે ત્યાં સાવરણીથી પણ દવા છાંટતા. પ્લેગના રાક્ષસનો આવી રીતે નાશ કર્યો. લોકો બચી ગયા. તારણહાર અને સ્વયંસેવકોની કામગીરીમાંથી પ્રેરણા લઈ લોકો પણ કામગીરીમાં જોડાઈ ગયેલ. આજે તેઓની જીત થઈ હતી. રોગના રાક્ષસને હરાવી દીધો હતો. અડગ રહી મહેનત કરી તેનું આ ફળ હતું. આજે મોટી આફત દૂર થઈ ચૂકી હતી. બધા પોતાના તારણહાર સરદાર વલ્લભાઈ પટેલ અને તેમના સાથીદારોની જય બોલાવતા હતા.

મુસીબતનો સામનો કરવાથી મુસીબત દૂર થાય છે. આપણું કામ આપણે સૌ કરવા લાગીએ તો કોઈ મુસીબત આવે જ નહિ. સરકારની વાટ જોવાને બદલે આપણે જ કામ કરવા લાગી જઈએ તો કામ સફળ થઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics