STORYMIRROR

nayana Shah

Tragedy

4  

nayana Shah

Tragedy

અછૂત

અછૂત

7 mins
315

તુલ્યાની આંખોમાં આંસુ આવી ગયા. શું આ એ જ ઓફિસ છે કે જે હું છોડીને ગઈ હતી ! જાણે કે બધા બદલાઈ ગયા હતાં. બપોરે એ ડબ્બો લઈને બહેનપણીઓ પાસે ગઈ તો બધા વારાફરતી પોતપોતાના ડબ્બા લઈને જતાં રહ્યાં. અત્યાર સુધી આ જ બહેનપણીઓ એને મુકીને કયારેય નાસ્તો કરતી ન હતી એ જ બહેનપણીઓ આજે એના પ્રત્યે વિચિત્ર વર્તન કરી રહી હતી. જો કે એને પ્રયત્ન તો કરવાનું મન થયું કે એ બધાને બૂમ પાડીને બોલાવે. પણ એ લોકો એ તો એને જોઈ જ હતી. હવે એને વાસ્તવિકતા સ્વીકારવી જ રહી. ઓફિસની બહેનપણીઓ તો પારકી હતી જયારે પોતાનું લોહી પણ જયાં પોતાનું ના થયું તો પારકા તો પારકા જ હોય ને !

ઘણી વાર તો એને વિચાર આવતો કે એ આત્મહત્યા કરી કાઢે. પરંતુ એવું કંઈ કરવાથી એની નિર્દોષતા તો સાબિત ના થાય ને ? પોતે નિર્દોષ હોવા છતાં શા માટે લોકોની દ્રષ્ટિએ દોષિત થઈ ને મરવું ? થોડા સમય પહેલાં જ આ બધાનો પ્રેમ જોઈ કેટલી ખુશ થતી હતી ! બધા મેડમ... મેડમ... કરી એની આસપાસ ફરતાં હતાં. પરંતુ સરખે સરખી સહેલીઓને તો એ ઓફિસમાં કહેતી, "મને માત્ર તુલ્યા જ કહો. કારણ એમાં આત્મીયતા નો ભાવ હોય છે"તેથી તો બધા કહેતાં, " તમે તો આખા ડિપાર્ટમેન્ટના વડા કહેવાઓ. અમે તમને કઈ રીતે નામથી બોલાવી શકીએ ? હા, અમે તમને તુલ્યાબેન કહીશું. એ તો બધા પર આંધળો વિશ્વાસ મુકતી હતી. ઓફિસમાં હાથ નીચે કામ કરનાર પ્રત્યે પણ એ ખુબ જ પ્રેમાળ વર્તન રાખતી. કયારેય એને કોઈ જોડે બોસપણુ કર્યું ન હતું. પરંતુ એને કયાં ખબર હતી કે"વિશ્વાસે વહાણ તરે"એ પહેલાં કહેવાતું. હવેના જમાનામાં તો"વિશ્વાસે વહાણ ડૂબે. " કહેવાય છે કે ,"જેને કમળો થયો હોય એને બધું પીળું જ દેખાય " પણ એને તો પોતે જેટલી ભોળી હતી એવી જ દુનિયા ભોળી છે એવું માનતી હતી. પરંતુ એ ભૂલી ગઈ હતી કે સગા ભાઈઓ કે સગી બહેનોના સ્વભાવમાં પણ આભજમીનનો ફેર હોય છે. પશુઓમાં પણ આપણે કહીએ કે, "બિચારી ગરીબ ગાય જેવી છે" પરંતુ ગાય માં પણ મારકણી ગાય હોય જ છે. એને શા માટે બધા ને પોતાના જેવા ગણ્યા ? છેલ્લા થોડા મહિનાઓમાં તો એને વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી.

એક દિવસ એ ઓફિસ પહોંચી ત્યારે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમે આવી જાવ. એ પહોંચી એ સાથે જ ચાર પાંચ જણાં એ એની ઉલટ તપાસ લેવા માંડી. "તમે દસ લાખનો ગોટાળો કર્યો છે. અમારી પાસે ચોક્કસ માહિતી છે. તમને એરેસ્ટ કરવામાં આવે છે. " તુલ્યા સ્તબ્ધ બની ગઈ આજે એની ઈમાનદારી પર જનોઈવઢ ઘા થયો હતો. એને ધાર્યું હોત તો એ ગોટાળા કરી શકત. પરંતુ કોઈએ આપેલી સામાન્ય બોલપેન પણ એને સ્વીકારી નથી. દિવાળી વખતે કેટલાય એને ઘેર ભેટ સોગાદો આપવા આવતાં દરેકને એ ચા નાસ્તો કરાવતી અને ભેટનો અસ્વીકાર કરતી. એનો સિધ્ધાંત પણ એવો જ હતો કે, "હું લાંચ લઈશ નહીં અને કોઈ ને લાંચ લેવા નહીં દઉં" આ વાત બધાને ગમતી નહીં કારણ કે મોંઘવારીમાં ઈચ્છીત મોજશોખ પુરા થતાં ન હતાં. પરંતુ એના વિરુદ્ધ એના જ ખાતાના માણસોએ ષડયંત્ર ગોઠવ્યું હતું. રોકડ બેંકમાં જમા કરાવતાં જ નહીં. બેંકનો મારેલો સિક્કો બતાવી દેતાં.યોગાનુયોગ એની પાસે જે શેર હતાં એની કિંમત વધતાં એને વેચવાનું ચાલુ કર્યું. થોડું સોનું પણ પિયરથી આવેલું વેચ્યું હતું. મમ્મીએ મરતી વખતે કહેલું, મારી જે રોકડ ભેગી થઈ છે એ તુલ્યાને આપજો. એથી તો એના ખાતામાં ઘણી મોટી રકમ હતી. એને ઘણું કહ્યું પણ એની વાત માનવા કોઈ તૈયાર જ ન હતું. એને તો ઘણું કહ્યું એ નિર્દોષ છે. એની હાથ નીચેના માણસોએ ગોટાળો કર્યો છે. પરંતુ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે બધી જવાબદારી તો એની જ રહેતી. પછીના બે દિવસ એની જિંદગીના ખરાબ માં ખરાબ દિવસ ગયા કારણ કે એને આખી રાત ઉંઘવા દેવામાં આવતી ન હતી. સવાલ પૂછનાર દર ચાર કલાકે બદલાય. વારંવાર એકના એક સવાલ જ પૂછાય. એના આંસુ સામે જોવા તો કોણ નવરું હતું ? એની પાસે બળજબરીથી કબૂલાત કરાવી અને જામીન પણ ના આપ્યા. તાત્કાલિક દસ લાખ ભરવા પડ્યા. એ પણ બધા એના અત્યાર સુધી ભેગા કરેલા રોકડ તથા ફીક્સ ડીપોઝીટ ના પૈસા ભેગા કર્યા. પૈસા ભર્યા પછી પણ જામીન તો ના જ આપ્યા. જેલમાં ખુની અને ચોરોની સાથે રહેવાનું એના માટે અસહ્ય હતું. અત્યાર સુધી સંસ્કારી વાતાવરણમાં ઉછરેલી તુલ્યાથી વાતવાતમાં ગાળો બોલાતી એ વાતાવરણમાં જીવવું મુશ્કેલ બની ગયું હતું. અત્યાર સુધી ડનલોપના ગાદલામાં ડબલ બેડ પર સુવા ટેવાયેલી તુલ્યાને માટે એક પાતળી શેતરંજી અને પાતળી ચાદર મળતી. એ જોઈને જ એની આંખોમાં આંસુ આવી ગયા. આખી રાત મચ્છરોનો ત્રાસ તો હતો જ પરંતુ વારંવાર રાતનો પહેરેદાર સળિયા પર જોરથી લાકડી પછાડતો. લગભગ આખી રાત એ સૂઈ શકતી ન હતી. એ તો ઠીક પરંતુ જમવામાં પાણી વધારે અને શાક ઓછું તથા જાડી અને કાચી રોટલીઓ. જયારે એની દીકરી એને જેલમાં મળવા આવી ત્યારે એને કહેલું, "બેટા, મને અહીંનું જમવાનું ભાવતું નથી તું ઘેરથી ખાવાનું મળી શકે એવી પરવાનગી કોઈ વકીલ મારફતે મેળવી લે." મમ્મી એ બધું હું બહાર રહીને કરીશ. પણ હવેથી હું તને મળવા માટે આવી જગ્યાએ નહીં આવું. "તુલ્યાને કહેવાનું મન થયું કે ખરાબ સમય માં દીકરી માની ઢાલ બનીને અડીખમ ઊભી રહે. એના બદલે નિર્દોષ માને પણ તરછોડવા દીકરી તૈયાર થઈ ગઈ. દીકરી નું એના પ્રત્યે શુષ્ક વર્તન એ સમજી ગઈ હતી. પણ ફરિયાદ પણ કોને કરવી ? લગ્ન ના ૬ મહિના બાદ એની સાસુનું અવસાન થતાં જ એના પતિ એ કહ્યું, " મેં તો મારી મમ્મી ને ખુશ રાખવા જ તારી સાથે લગ્ન કરેલા. મને તું છૂટાછેડા આપી દે. મારે તો તારાથી છૂટકારો જ જોઈએ. ત્યારે તુલ્યા કેટલું કરગરી હતી કે, "હું આપણા બાળકની મા બનવાની છું. આવનાર બાળકનો શું વાંક ? " થોડીવાર માટે એનો પતિ ચૂપ રહ્યો અને તરત બોલ્યો, "તું બાળકનો નિકાલ કરી દે. તને એ મંજૂર ના હોય તો તું માગે એટલી રકમ બાળકના ભરણપોષણ માટે આપવા તૈયાર છું. હું કાયમ માટે આ દેશ છોડીને જતો જ રહેવાનો છું. કડવાશ રાખ્યા વગર રાજીખુશીથી છુટાછેડાના કાગળ પર સહી કરી દે. " જો કે તુલ્યા નોકરી કરતી હતી તેથી પૈસેટકે તો તકલીફ પડવાની જ ન હતી. છતાં પણ એના પતિએ એને ઘણી મોટી રકમ એવું કહીને આપી હતી કે "આ રકમ આવનાર બાળકના ભરણપોષણ તથા ભણતર માટે વાપરવી." ત્યારબાદ તુલ્યા કાયમ માટે પિયર આવી ગઈ. એ સામે એના માબાપ ને ખાસ વાંધો ન હતો. તુલ્યા એકની એક હતી. એના આવવાથી ઘરમાં વસતી લાગતી હતી. થોડા સમય બાદ ઢીંગલી જેવી પારસનો જન્મ થયો. તુલ્યાની નોકરી ચાલુ હતી. પૈસાની પણ ક્યાં ખોટ હતી ? દિવસો શાંતિથી પસાર થતાં હતાં. જેમ બધા દિવસો એક સમાન જતાં નથી તેમ તુલ્યાની જિંદગીમાં પણ ઉતારચઢાવ આવતો રહ્યો. એની માતાનું મૃત્યુ થયું. થોડા સમય બાદ એના પિતાનું મૃત્યુ થયું. હવે એને માત્ર પારસનો જ સહારો હતો. એની દુનિયા એટલે જ પારસ અને એની ઓફિસ. એકાએક જ એના પર ગોટાળો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. માનસિક રીતે એ પડી ભાંગી હતી. એની ઓફિસમાંથી પણ કોઇ મળવા આવતું ન હતું. દીકરી એકવાર મળવા આવી ત્યારે બિલકુલ લાગણી શૂન્ય વર્તન કરીને ગઈ હતી. એને તો હતું કે દીકરી આવી ને કેટલીયે લાગણી દર્શાવશે ! એના બદલે એ તો એટલે સુધી બોલી ને ગઈ કે, તારા વિષે છાપાઓમાં સમાચાર વાંચી મારૂ તો જીવવું હરામ થઈ ગયું છે. હું ઘર છોડીને બીજા શહેરની કોલેજમાં જતી રહી છું. અને ત્યાં જ હોસ્ટેલમાં રહેવાની છું. બધુ નક્કી થઈ ગયું છે. તુલ્યા ને હવે આશાનું કોઈ કિરણ દેખાતું ન હતું. ત્યાં જ એક યુવતીનું આગમન થયું. તુલ્યા એને જોતાં જ ઓળખી ગઈ. જો કે એને એની આંખો પર વિશ્વાસ જ આવતો ન હતો. એ માન્યા હતી. એના પતિની બહેન. એની પાસે આવતાં જ બોલી, "અમેરિકાથી મારા ભાઈનો ફોન આવેલો કે નેટ પર એમણે છાપું વાંચ્યું એમાં તમારા વિષે વાંચ્યું અને મને ફોન કરીને કહ્યું, " માન્યા, તું તો હજી સુધી કોઈ કેસ હારી નથી માટે તારે તુલ્યાનો કેસ લડી એને નિર્દોષ સાબિત કરવાની છે. લોકો કે છાપાવાળા ગમે તે લખે પણ મને તુલ્યાના ૬ માસના અનુભવ પરથી વિશ્વાસ છે કે તુલ્યાને ફસાવવામાં આવી હોવી જોઈએ. હું તમને નિર્દોષ સાબિત કરીને જ રહીશ. ત્યારબાદ તો માન્યાના પ્રયત્નોથી તુલ્યાને જામીન તો મળી ગયા. પરંતુ ઘેર આવી ત્યારે આજુબાજુના પડોશીઓનો વ્યવહાર બદલાઈ ગયો હતો. જયાં એની દીકરી પણ એને છોડી ને જતી રહી હોય તો બીજાની તો શું અપેક્ષા રાખવાની ? એ વિચારતી કે જાણે કે એને કોરોના થયો છે અને એને હોમ કોરન્ટાઈન કરવામાં આવી છે કે શું ? એના કરતાં તો અહીંથી દૂર જતું રહેવું સારું. જેની સાથે માત્ર ૬ મહિના વિતાવ્યા એને વિશ્વાસ છે અને આટલા વર્ષો ઓફિસમાં જેની સાથે વિતાવ્યા એ લોકો, પડોશીઓ કે જે મને બાળપણથી જોતાં આવ્યા છે, મારૂ પોતાનું લોહી પણ મારી પર વિશ્વાસ નથી કરતું ? તુલ્યા જોડે લગભગ બધા એ સંબંધ તોડી કાઢ્યો હતો. હવે તુલ્યાનો એક જ આશરો હતો અને એ માન્યા. કોર્ટ માં લગભગ એક વર્ષ સુધી કેસ ચાલ્યો. જો કે જે દોષિત હતાં એને સજા મળી. તુલ્યા નિર્દોષ સાબિત થઈ. હવે એણે નક્કી કર્યુ કે મારી સાથે અછૂત જેવું વર્તન કરનાર જોડે એ લોકો જ અછૂત હોય એવું વર્તન કરીશ. નિવૃત્ત થઈ એના બીજા જ દિવસે એ હરદ્વાર જતી રહી. દીકરીને નામે એના પિતા તરફથી મળેલી રકમ અને એના લગ્ન માટે મુકેલી રકમ એના ખાતામાં જમા કરાવી ને દીકરીને ફોન કર્યો કે તેં તારી માને અછૂત ગણી તું મારાથી દૂરની દૂર જ રહી. હવે હું તારાથી કાયમને માટે દૂર જતી રહુ છું. મને શોધવાનો પ્રયત્ન ના કરતી. હું જેવી છું તેવી તારી મા છું માટે જ તારા ખાતામાં રૂપિયા જમા કરાવ્યા છે. તારા લગ્ન થાય ત્યારે મારા આશીર્વાદ હશે. પરંતુ હવે તમે બધા મારે મન અછૂત જ છો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy