અભિમાની રાજા.
અભિમાની રાજા.
એક નગરમાં એક સિદ્ધ સાધુ આવી ચડયો. તે અનેક રોગીઓ અને દરિદ્રોનો ઇલાજ જોતજોતામાં કરી આપતો અને તેમને તેમના આત્માથી અવગત કરાવતો. તેની સિદ્ધી ઠેરઠેર ફેલાઈ ગઈ. નગરના રાજાને થયું આપણા નગરમાં આવો સિદ્ધ સાધુ આવ્યો હોય અને તેને ન મળીએ તો કેમ ચાલે ? તે જઈ ચડયા સાધુની ઝૂંપડીએ, બહારથી દરવાજો ખખડાવ્યો. કહ્યું,
'હું આ નગરનો રાજા છું અને તમને મળવા આવ્યું છું.'
તેમનો અવાજ સાંભળીને પેલા સાધુએ કહ્યું, 'આજે હું વ્યસ્ત છું અઠવાડિયા પછી આવજો.'
આવું સાંભળીને રાજા વધારે પ્રભાવિત થયો, તેને થયું કે હું નગરનો રાજા છું, છતાં તેને મળવાનો સમય નથી, નક્કી તે અત્યંત સિદ્ધ હશે. અઠવાડિયા પછી આવ્યો ત્યારે પણ આ જ જવાબ મળ્યો, રાજાને ખોટું તો લાગ્યું, પણ થયું કે વાંધો નહીં આવતા અઠવાડિયે આવીશ. પાછો ફરતો હતો. ત્યારે એક દરિદ્ર દરવાજા આગળ આવી ઊભો, તેણે દરવાજો ખખડાવ્યો તો અંદરથી પુછાયું "કોણ ?" પેલો કહે, "'હું એ જ તો જાણવા આવ્યો છું મહારાજ.' અને તરત દરવાજો ખૂલી ગયો.
રાજાને આશ્ચર્ય થયું કે હું નગરપતિ હોવા છતાં મારી માટે દરવાજો ન ખૂલ્યો ને એક સામાન્ય ભિખારી જેવા માણસ માટે દરવાજો ખૂલ્યો. તેને તેનું અપમાન લાગ્યું. તે ભીખારી સાથે જ અંદર ગયો અને નમ્રતા સાથે પૂછયું, કે "સાધુજી આવું કેમ ?" સાધુએ ખૂબ વિવેકથી જવાબ આવ્યો કે "તમે મને મળવા આવ્યા ત્યારે તમારો રાજા હોવાનો અહમ લઈને આવ્યા હતા. તમારી સાથે તમારું અભિમાન પણ હતું."
રાજાને બધી વાત સમજાઈ ગઈ. ભરેલા પાત્રમાં પાણી ભરી શકાતું નથી.જો ભરેલા પાત્રને ભરવા પહેલાં તેને ખાલી કરવું પડે.
