રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ
વિશ્વ પરમાણુ યુધ્ધની ઘાતમાંથી માંડ બચ્યું, ગાંધીજીથી માંડી દલાઈ લામાની અહિંસાની અપીલ સામે વિશ્વના દેશોનું જાણે અસહકારનું આંદોલન !
વિશ્વમાં ભાવિ યુદ્ધ માટેના મોરચા મંડાતા જાય છે ત્યારે કોઈ એક દેશ અહિંસામાં શ્રધ્ધા રાખીને ટકી ન શકે.
રશિયાએ યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો લઈ લીધો છે. રશિયા દ્વારા કરાયેલા બોમ્બ ધડાકાને લીધે આવા પ્લાન્ટના સંકુલમાં જ આગ ફાટી નીકળી હતી પણ માનવ જગતના સદનસીબે પ્લાન્ટમાંથી પરમાણુનું વિસર્જન ન થયું. જો કે, થોડા દિવસો પહેલા રશિયાના સરંક્ષણ મંત્રીએ પુતિન વતી વિશ્વને ખુલ્લી જ ધમકી આપી હતી કે, ''ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો તેમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થઈ શકે છે.''
હવે મૂળ વાત, ત્યારે વિશ્વમાં જે રીતે સામસામે યુદ્ધની તૈયારી અને ઐતિહાસિક દુશ્મનાવટના ઘા પણ તાજા જ રહ્યા હોઈ એવું નથી લાગતું કે ગાંધીજી અને તેના પ્રભાવમાં માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા અને હવે દલાઈ લામા જેવા નેતાઓની અહિંસા, સત્યાગ્રહ અને શાંતિથી રાજકીય વિવાદનો ઉકેલ લાવવાની વિચારધારા બીજા વિશ્વ યુદ્ધની ખુવારી અને નરસંહાર છતાં વિશ્વના દેશોના નેતાઓ અને નાગરિકો પર સહેજ પણ પ્રભાવ નથી પાડી શકી.
કોઈ વિવાદ હોય તો ટેબલ પર મંત્રણા માટે બેસાય પણ વિસ્તારવાદ અને વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની કે ધર્મનો પ્રસાર અને અમલ ક્રૂરતાથી ઠોકી બેસાડવાની મેલી મુરાદ સરમુખત્યાર જેવા નેતાઓ, આતંકીઓ અને લશ્કરની હોય તો સામો પક્ષ અહિંસા કે ઉપવાસથી વિજય મેળવી શકે ?
અમેરિકા, રશિયા, યુરોપીય દેશો, નોર્થ કોરિયા, તાલિબાનો, આતંકી જૂથો, યહૂદી, ખ્રિસ્તી, ઈસ્લામ વચ્ચેનું પરસ્પર વૈમનસ્ય જેવા કેટલાયે પરિબળો વિશ્વના અન્ય દેશોને પણ પ્રત્યેક પળે યુદ્ધ માટે તૈયાર રહેવા ફરજ પાડે છે. પ્રત્યેક દેશ તેનું સરક્ષણ બજેટ વધારતું જ જાય છે તે શું સૂચવે છે ? આપણે ગાંધીજીની બહુ મોટી સુક્ષ્મ અહિંસાની વ્યાખ્યા કે વિચારધારાની નહીં પણ વિશ્વની શાંતિ માટેના ઉકેલ માટેના તેના પ્રભાવની વાત કરીએ છીએ.
શસ્ત્રો, સૈન્ય બળ અને નાગરિકોમાં રાષ્ટ્રની રક્ષા કરવા માટે વળતો જવાબ આપવાની તાકાત ન હોય તો દેશ પર અન્ય દેશ ખૂંખાર હુમલા સાથે કબ્જો પ્રાપ્ત કરી જ લે. હા, તમામ દેશોમાં સુલેહ, સૌજન્ય અને વિશ્વ કલ્યાણની ભાવના હોય અને કોઈ મતભેદ હોય તો અહિંસા અને ટેબલ મંત્રણાથી રૂડું કઈ નથી પણ કમનસીબે મંત્રણા થાય છે પણ યુધ્ધ પછી.
ગાંધીજીને આઝાદીની લડતનાં સંદર્ભમાં અને બીજા વિશ્વ યુદ્ધ વચ્ચેના તેમના નિવેદનના વિવાદને પણ જાણીએ.
ગાંધીજી તો ભારતના જ નહિ વિશ્વ માનવ હતા. આપણે હંમેશા ગાંધીજી વિશે લખતા કે ચર્ચા કરતા એવું પૂરવાર કરવાનો સતત પ્રયત્નો કરીએ છીએ કે ગાંધીજીની વિચારધારા આજે પણ સાંપ્રત છે.... હા, ખરેખર જો વિશ્વ ગાંધીજીને અનુસરે તો વિશ્વમાં રામરાજ્ય સ્થપાય.
ગાંધીજી 'અહિંસા પરમો ધર્મ' મંત્રના પ્રચારક રહ્યા. ગાંધી ચિંધ્યા આંદોલનની આ પદ્ધતિ અને તત્વજ્ઞાાનનું વૈશ્વિક છબિ ઉપસાવવામાં યોગદાન હતું. પણ ગાંધીજીએ હિન્દુ શાસ્ત્રના મૂળ સુવાક્યનો અડધો હિસ્સો જ લીધો હતો. પુરુ સુવાક્ય એવું છે કે, 'અહિંસા પરમો ધર્મ ધર્મ હિંસા તથીવ ચ' તેનો અર્થ એમ થાય કે 'અહિંસા એ પરમ ધર્મ છે તે જ રીતે ધર્મની રક્ષા માટે હિંસા અનિવાર્ય હોય તો તે પણ પરમ ધર્મ છે.'
આમ જોવા જઈએ તો અહિંસાનું તત્વજ્ઞાાન મહાવીર સ્વામી, બુધ્ધથી માંડીને તેમના પ્રભાવ હેઠળ અશોકે પણ આપ્યું હતું.
જ્યારે હિટલર યહૂદીઓનો નરસંહાર કરી રહ્યો છે ત્યારે ''યહૂદીઓએ કોઈપણ જાતના પ્રતિકાર વગર નરસંહાર માટેના કેમ્પમાં ચાલ્યા જઈને શહાદત વહોરવી જોઈએ આજે નહીં તો કાલે અહિંસક શરણાગતિનો જયજયકાર થશે'' તેવા ગાંધીજીના વલણની ભારે ટીકા થઈ હતી. શહાદત સામી છાતીએ લડીને વહોરી કહેવાય.
યહૂદીઓએ આ ઘટના પછી વર્ષો જતાં તેઓ એ હદે સૈન્ય, કમાન્ડો અને બૌધ્ધિતામાં સરસાઈ પ્રાપ્ત કરી કે વિશ્વમાં તેઓની સામે કોઈ આંગળી નથી ઉઠાવી શકતું.
માર્ટિન લ્યુથિર કિંગ કે મંડેલા પ્રેરિત જે પણ અહિંસક આંદોલન હતું તેમાં તેઓની તેમની પ્રજા માટેની જીવન સમર્પિત કરી દેતી નિષ્ઠા જરૂર અમરત્વ પામશે પણ તે હિંસા પરનો અહિંસાનો વિજય નહતો. બદલાતા જતા જમાનામાં માનવ હક્કો માટે વૈશ્વિક જાગ્રતતા જ એ હદે વધી હતી કે ગોરાઓનું માનસ ખુલ્લું પડી ગયું હતું અને તેઓ પર એક પ્રકારનું વૈશ્વિક દબાણ સર્જાયું હતું.
બે સમાન તાકાત ધરાવતા દેશો કે જુથો હોય અને એક પક્ષ અહિંસા ધારણ કરીને વિજય મેળવે તો તેનું ઉદાહરણ ચોક્કસ આપી શકાય. જે વીર છે તેની ક્ષમાનું મહત્વ છે. અશ્વેતો શસ્ત્રો, સેના, બૌધ્ધિક વહીવટીય માળખા કે આર્થિક રીતે સંપન્ન ન જ હતા.
ભારત પરના શાસનકાળમાં ૧૮૫૭ના બળવા વખતે બ્રિટને ભારતીયો પર જે નરસંહાર કર્યો તેને બાદ કરતા બ્રિટિશરોએ તે પછી ભારતીયો પર વ્યાપક હિંસા કે તેમની તાકાત નહતી બતાવી.
તેઓ આઝાદીના આંદોલનકારો પર મહ્દઅંશે લાઠીચાર્જ કરતા હતા અને નેતાઓને જેલમાં કેદ કરી દેતા હતા. ભગત સિંઘ, આઝાદ જેવા મર્દોએ હિંસાથી જવાબ આપ્યો. તેઓને ફાંસીએ ચઢાવ્યા. એકંદરે એવું કહી શકાય કે બ્રિટિશરો તેમની પ્રચંડ તાકાત જોતા ભારત પર હિંસા વગર જ શાસન જમાવીને ધંધો કરતા રહેલા. હા, ભારતીયોનું આર્થિક અને માનસિક શોષણ થતું હતું.
તેઓએ ધાર્યું હોત તો ભારતીયોની વખતો વખત કતલ કરી શક્યા હોત. ગાંધીજીની નેતાગીરી હેઠળના અહિંસક આંદોલનની મહત્તા તો જ વધે જો બ્રિટિશરો હિંસક, દમન, સંહાર કરતા રહે અને આપણે અહિંસા જ પરમ ધર્મોના નારા સાથે માર સહન કરતા રહીએ.
આપણે એવા કોઈ ભ્રમમાં રહેવાની જરૂર નથી કે બ્રિટિશરો આપણા આઝાદીના અહિંસક સેનાનીઓને જેલમાં પૂરી થર્ડ ડીગ્રી માર ફટકારતા હોત તો ભારતના નાગરિકો અંગ્રેજો પર ફરી વળીને તેઓને ભારત છોડવા મજબૂર કરત. કદાચ આવી થર્ડ ડિગ્રી પછી અન્ય આંદોલનકારીઓમાંથી પણ કેટલાક ફરી જાહેરમાં 'સ્વરાજ્ય મારો જન્મ સિધ્ધ અધિકાર છે' તે નારા સાથે બહાર નીકળી શકત કે કેમ તે શંકા છે.
ભગત સિંહ સહિતના યુવાનોને ફાંસી અપાઈ તો પણ દેશમાં તે વખતે નાગરિકો તોફાન મચાવતા રસ્તા પર નહતા આવી ગયા.
અંગ્રેજો ખરેખર તો સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની રચના કરીને બ્રિટન વિરોધી દેશો જોડે વાટાઘાટો પ્રારંભી તેવી યુધ્ધ અને હિંસાત્મક રચાતી જતી ભૂમિકાથી સાવધ થઈ ગયા હતા. તેમાં પણ બીજા વિશ્વયુધ્ધને લીધે બ્રિટનને આર્થિકથી માંડી સૈન્ય-શસ્ત્રોમાં સારી એવી ખુવારી જોઈ હતી.
બ્રિટનને ઘરઆંગણે પુનઃ સ્વસ્થ-સધ્ધર થવું જરૂરી હોઈ તેઓએ ભારત સહિત વારાફરતી તેના નેજા હેઠળના દેશોની ધરતી છોડવાની યોજના કરી જ હતી. જો અહિંસક આંદોલન જ શક્તિશાળી હોત તો આટલા બધા દાયકાઓની લડતની રાહ જોવી પડે ? ભારત ખરેખર સશસ્ત્ર કે હિંસાના માર્ગેથી બ્રિટિશરોને ઘરભેગા કરી શકવાની તાકાત ધરાવતું હતું ખરું ?
ફરી જણાવીએ કે ગાંધીજી વિશ્વના માનવ ઈતિહાસની જ શ્રેષ્ઠ પ્રતિભા કહેવાય. પણ વિશ્વ નેતાઓ, ધર્મો, સંપ્રદાયો, જૂથો અને નાગરિકો તેમના સિધ્ધાંતોને અનુસર્યા તો નથી જ તે હકીકત છે. જે પણ શાકાહારીઓ છે તેઓ તેમના ધર્મ કે માન્યતાને વશ શાકાહારી છે.
હા, ઈસુ, મહાવીર કે બુધ્ધ અવતારી ઈશ્વર તરીકે પૃથ્વી પર જન્મ લીધો તે રીતે પૂજાય છે જ્યારે ગાંધીજી તો એક સુકલકડી કાયાના માનવી તરીકે વિરાટ પૂરવાર થયા. તે જ રીતે આઈન્સ્ટાઈનના ગાંધીજી માટેના શબ્દોનું મહત્ત્વ છે. શક્ય છે કે ગાંધીજી ચારસો-પાંચસો વર્ષ પછી ભગવાન કે અવતારીની જેમ પણ પૂજાતા હોઈ શકે.
આપણા શાસ્ત્રો, વેદો, ઉપનિષદો, ગીતા બધા જ આજે પણ પણ સાંપ્રત છે જ. ફર્ક એટલો છે કે આપણે તે પ્રમાણે સૂક્ષ્મ અને સ્થૂળ દેહે અને તેવા માનસથી જીવવું નથી. જ્યારે વૈશ્વિક કટોકટીના ઉંબરે અસ્તિત્વના પોકાર સાથે આપણે ડૂબી રહ્યા હોઈશું ત્યારે તરણું શોધતા ગાંધી વિચારની, તેમના તત્વજ્ઞાાનને અપનાવવાની ગરજ અનુભવીશું અને મોડું થઈ ગયું હશે તો ડુબી જઈશું.
ખરેખર બંને દેશો કે જૂથોમાં અહિંસાનો ઉપદેશનો પ્રભાવ હોય તો વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ અનુભવાય. એક તરફ વિશ્વના દેશો તેનું સંરક્ષણ બજેટ વધારતા જાય છે. પરમાણુ અને હાઈડ્રોજન બોંબના પરીક્ષણ જાણે દિવાળી કે નાતાલની આતશબાજી હોય તેમ થાય છે.
અમેરિકા વિરુધ્ધ નોર્થ કોરિયાને ગાંધીજીનો સંદેશ પહોંચે ખરો ? ભારતમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદની ઘટનાઓ બને, કાશ્મીરમાં પાકિસ્તાનીઓ બ્રેઈન વોશિંગ કરાવી પથ્થરમારાની ઘટનાને જન્મ આપે, આતંકવાદીઓ આશ્રય પામે ત્યારે ભારતીય સેના બીજો ગાલ ધરે ? પાકિસ્તાન અને ચીન તેમની ધરી રચીને ભારતને ભીંસમાં લે કે ડોકલામ પર ઘૂસણખોરી કરે ત્યારે ભારતીય સેના ઉપવાસ પર બેસી શકે ?
ભારતની આંતરિક સલામતીને માટે જોખમી નીવડી શકે તેવા રોહિંગ્યાને ગાંધી ચિંધ્યા માર્ગે આશ્રય આપી શકાય ખરો ? શાયી-સુન્નીએ તેમના વૈમનસ્યને લીધે વિશ્વની શાંતિને ઘમરોળી છે ત્યારે તેઓને ગાંધીજી યાદ નથી આવતા. એમ જોવા જઈએ ભારત-પાકિસ્તાનના ભાગલા થતા જ હિંસા ફાટી નીકળી ત્યારે જ બંને ધર્મના નાગરીકોએ ગાંધીજીના જીવન અને સંદેશને અભરાઈએ મૂકી દીધો હતો.
હા, જો વિશ્વના નાગરિકો તેમના ધર્મના મૂળ ઈશ્વરો કે મહાસંતોને અનુસર્યા હોત તો પણ વિશ્વ સ્વર્ગમય હોત. વ્યક્તિ હજુ પણ અંગત રીતે ગાંધીમાર્ગે જીવીને તેની પોતાની સૃષ્ટિ રચી શકે છે પણ નેતાગીરી, આતંકીઓ અને ભ્રષ્ટ માનસ ધરાવતા તત્ત્વો, ઉપભોગવાદીઓ, મૂડીવાદીઓના હાથમાં વ્યવસ્થા અને નીતિઓ હોય ત્યારે વ્યક્તિ અમુક હદથી આગળ સમાજને તેના સ્વપ્નનનો આકાર નથી આપી શકાતો.
ગાંધીજીની વિચારધારા એ રીતે સાંપ્રત છે કે જો આજે પણ માનવ જગત તેને અનુસરે તો આદર્શ વિશ્વ નિર્માણ પામી શકે પણ તે દિશામાં વિશ્વને ખરા હૃદયથી આગળ ધપવામાં રસ નથી તે કડવી વાસ્તવિકતા છે. માની લો કે સંપત્તિની અસમાન વહેંચણીથી ત્રસ્ત દેશના નાગરિકો વર્ગ વિગ્રહ કે ગૃહયુધ્ધ આદરશે તો તે હિંસક જ હોવાનું, નક્સલવાદ ગાંધી ચિંધ્યા માર્ગે ના હોય. વિશ્વમાં જેઓ શાકાહારી છે તેઓ પણ માંસાહારી બનતા જાય છે.
વિશ્વની ૯૫ ટકા સંપત્તિ પાંચ ટકા લોકો પાસે છે. પર્યાવરણને આપણે ભયજનક રીતે ખોરવી ચૂક્યા છે. પાણીના સ્રોતો, ઊર્જા, તેલ તળિયે છે. આ બધું પૂરવાર કરે છે કે આપણે કે વિશ્વ ગાંધી માર્ગે જીવ્યા નથી. હવે અહિંસક આંદોલનો છેડાય તે વાતમાં દમ નથી. આંદોલનકારીઓની જ ગેમ કરી નાંખે તેવા વિશ્વમાં રાજકારણીઓ છે. ગાંધીજીને આપણા ઘરમાં જીવીઓ તો પણ ખરું. આ વખતે તો વિશ્ર યુદ્ધ અટકી ગયું છે. પંરતુ હજુ પણ માણસની વિચારવાની પ્રવૃત્તિ ન બદલાઈ તો મનુષ્ય પ્રજાતિ અને આ વિશ્ર એ એક એવા ભંયકર યુદ્ધ થઈ શકશે જેના વિશે આપણે ન તો કલ્પના કરી હશે, ન તો કયારેય વિચાર્યું હશે.તેથી આપણે સૌએ એક મળીને સમગ્ર જીવસૃષ્ટિને સાચવવાની જવાબદારી છે.
