Mohammed Talha sidat

Children Stories Inspirational Thriller

4  

Mohammed Talha sidat

Children Stories Inspirational Thriller

ભગરી‌ ભેંસની વફાદારી

ભગરી‌ ભેંસની વફાદારી

4 mins
821


ડૉ. ભટ્ટના અંગત મિત્ર ડૉ. સી.કે. પટેલના કાકા ગામડેથી ખુબ ગંભીર હાલતમાં સિવિલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ થયા હતા. ડૉ. ભટ્ટ તેમની ખબર કાઢવા સિવિલના ઈમરજન્સી વોર્ડમાં ગયા. ખુબ જ દર્દથી રાવજીકાકા બૂમો પાડી રહ્યા હતા. વધારે પડતું લોહી વહી જવાથી બેભાન હાલતમાં આવેલા કાકાના ડાબે પગે પીંડીથી ઉપર સુધી પગમાંથી માંસના લોચા નીકળી ગયા હતા. જો કે, પાટાપીંડી અને ઈમરજન્સી સારવારથી તેમની હાલત સુધરી રહી હતી.

રાવજીકાકાના સર્વ કુટુંબીજનો સાથે વાતચીત કરતાં ખબર પડી કે કાકાનો જીવ માંડ માંડ બચી ગયો છે. અન્યથા સવારે સ્વર્ગધામે પહોંચી ગયા હોત. તેની બચી જવાની કહાની અદ્ભુત હતી, જે પહેલીવાર સાંભળીને આંખો અચરજથી પહોળી થઈ ગઈ.

રાવજીકાકાની કેડા જીલ્લામાં રસકસથી ભરપૂર પચાસ વીઘા જમીન હતી. કુટુંબમાં એકનો એક દીકરો મહેશ હતો. જેના લગ્ન થઈ ગયા હતા. એક દીકરીને પણ સાસરે વળાવી દીધી હતી. પૈસે ટકે સુખી હતા. તેમની પાસે ત્રણ ગાય અને એક ભેંસ હતી. જેનું નામ ભગરી ભેંસ, ભગરી ભેંસ છેલ્લા દસ વરસથી એક ટંકે વીસ વીસ લિટર દૂધ આપતી. ઘરમાં તેના માનપાન હતા, આખું કુટુંબ ભગરીને સરસ પેટ ભરીને ખાવાનું આપીને તેની સરભરામાં રહેતું.

દરેક સજીવનો એક સમય હોય છે. ધીમે ધીમે ભેંસનું દૂધ ઘટવા માંડયું હતું અને છેલ્લે આવવાનું બંધ થઈ ગયું. તેથી ઘરના બધાએ નક્કી કર્યું કે તેને વેચી નાખીને કતલખાને મોકલી દેવી, પણ રાવજીકાકાનો જીવ ચાલતો ન હતો, આખું જીવન જેણે કુટુંબને ભરપૂર દૂધ આપ્યું હોય, તેને ઘડપણમાં કતલખાને મોકલી દેવાની?? ઘરના બધા ચિડાતાં, ''હવે તેનામાં રસકસ નથી, પછી તેને ઘાસ નિરવાનો શું અર્થ છે ? ખોટા ખર્ચ કરવા કરતાં રોકડી કરવી શું ખોટી ?''

રાવજીકાકાને તેના દીકરા મહેશે કહ્યું, ''બાપુ, હવે આ ભગરી ભેંસને દૂધ નથી આવતું, તો તેને વેચીને રોકડી કરી લઈએ તો કેવું ?''

રાવજીકાકાનો જીવ બળી ગયો અને બોલ્યા, ''હું પણ ઘરડો થઈને કંઈ કામ નહીં કરી શકું તો તમે લોકો મને વેચીને રોકડી કરી નાખશો ? આખું જીવન તેણે અમને તાજું દૂધ આપીને કમાણી કરાવી છે, હવે તેની ઉંમર થતાં વેચી નાખવાનો વિચાર કેમ આવ્યો ? હવે આપણે તેની સેવા કરવી જોઈએ.''

ભગરી ભેંસને હવે ઘરે ખોરાક નીરવાવાળું કોઈ ન હતું. કોઈ તેની સંભાળ લેતું નહીં. રાવજીકાકા તેને વેચી મારવાનું નામ પાડી ખેતરે લઈ આવ્યા હતા. ભગરી જાણે કે તેના પાલક કાકાની ભાવના સમજીને ખેતરની રૂમ પાસે એકલી ખીલે બંધાઈને આંસુ પાડી રહી હતી. તેનો ખોરાક ઓછો થઈ ગયો હતો, પણ તાકાત હજુ તેવી જ હતી. કાકા તેને દુ:ખી હૈયે પુરતો ઘાસચારો નિરીને સંતોષ પામી રહ્યા હતા. કોઈપણ હાલતમાં ભગરીને વેચી નાખવાનું તેમનું મન માનતું ન હતું. જાણે બંને ઘરડા જીવો એકમેકના સાથી બની ગયા હતા.

માર્ચ માસના અંત ભાગનો સમય હતો. ઘઉંનો પાક તૈયાર હોવાથી રાવજીકાકા તેના ખેતરમાં એકલા રાત રોકાઈ ચોકી કરતાં. વાડ વગરના ખેતરમાં વાંદરા, રોઝડા, ભૂંડ વિગેરે ઘૂસી આવીને પાકને નુકશાન પહોંચાડતા. તેથી રાતના સમયે પણ બહાર ખુલ્લામાં કાકા ખાટલા પર બેસી બીડી ફૂંકી રહ્યા હતા, ત્યાં અચાનક બાજુના વગડામાંથી એક કદાવર ભૂંડ ત્યાં આવી ચડયું અને કાકાને પગે બચકું ભરી માંસનો લોચો બહાર કાઢી નાખ્યો.

હજુ કાકા કઈ સમજે તે પહેલા તો ભૂંડે તેમનો પગ પકડી ખાટલામાંથી ખેંચી કાઢી, બહાર જમીન પર ઢસડવાના ચાલુ કર્યા. કાકાને તેમની લાકડી સુધી જવાનો પણ સમય ના મળ્યો. જંગલી ભૂંડ જાણે કે કાકાનો જીવ લેવા તલસી રહ્યું હતું.

દર્દથી કણસી રહેલા કાકાએ બુમો પાડી, ''બચાવો, બચાવો'' પણ ત્યાં ખેતરમાં તેમને બચાવવાવાળું કોઈ ન હતું. તેની ચીસો અથડાઈને પાછી ફરી રહી હતી. કાકાને જમીન પર ઘસડાવાથી લોહી નીકળી રહ્યું હતું. કાકા છૂટવા ધમપછાડા કરી રહ્યા હતા.

ભગરી ભેંસે આ જોતાં જ તેનાથી રહેવાયુ નહીં. પોતાના પ્યારા માલીકને ભૂંડ ખેંચી રહ્યું હતું, પણ તે ખીલે બંધાયેલી એટલે ધમપછાડા ચાલુ કરી દીધા. પોતાની નજર સામે પોતાના પ્યારા માલિકને એક ભૂંડ ઉપાડી જાય તે તો કેમ ચાલે?

કાકાને હવે તેમનો અંત નજીક દેખાઈ રહ્યો હતો. ભૂંડે તેમને દશ ફૂટ સુધી ઘસડીને લોહી લુહાણ કરી નાખ્યા હતા. અચાનક ધમપછાડા કરતી ભેંસે ખીલો તોડીને સીધો જ ભૂંડ પર હુમલો કરી દીધો. પોતાના શિંગડાથી ભૂંડને પેટમાં જોરથી મારીને તેના આંતરડા બહાર કાઢી નાખ્યા. કાકાનો પગ છોડીને ભૂંડ બેહાલ બનીને ઢળી પડયું. કાકાનો જીવ માંડ માંડ જતાં જતાં બચી ગયો.

પોતાના પ્યારા માલિકનો જીવ બચી ગયો જોઈ ભેંસ ગર્વથી તેના માલિક પાસે ઊભી ઊભી જાણે કે તેને ઊભા થવામાં મદદ કરતી હતી. ઘવાયેલા લોહીથી લથબથ કાકા બૂમો પાડી દર્દથી આંસુ પાડી રહ્યા હતા. બાજુમાં ઊભેલી ભગરીની આંખો પણ માલિકના આ હાલ જોઈ આંખમાંથી ડલક-ડલક આંસુડાં પાડી રહી હતી. અબોલ જાનવર જાણે કે રડીને શોક વ્યક્ત કરી રહ્યું હતું, છતાં પોતાના માલિક જેનું જિંદગીભર લૂણ ખાધું તે બચી ગયો. તે જોઈ ગર્વથી માથું હલાવી રહી હતી.

માંડ માંડ ઘસડાતા ઘસડાતા કાકાએ રૂમમાં જઈ મોબાઈલ શોધી કાઢ્યો અને ઘરે ફોન કરી બનાવની જાણ કરી.

ઘરના સર્વ દોડતાં દોડતાં આવી ગયા અને કાકાને એમ્બ્યુલન્સ બોલાવી નજીકની હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર આપી વધારે સારવાર માટે અમદાવાદ સિવિલમાં મોકલી આપ્યા.

અત્યાર સુધી કુતરાની વફાદારીના અનેક કિસ્સા સાંભળ્યા છે, પરંતુ ડોબી ભેંસની પોતાના માલિક પ્રત્યેની આવી વફાદારી સાંભળીને બધા જ ગદગદિત થઈ ગયા.

રાવજીકાકાનાં કુટુંબીજનોએ પણ ભગરી ભેંસને વેચીને કતલખાને મોકલવાનો વિચાર રદ કરી તેને માનપાન સહિત ઘરે લઈ આવ્યા.

આખી જિંદગી જેનું નમક ખાધું હોય તેના જ પીઠમાં ખંજર ભોંકનાર માનવીએ આ અબોલ પ્રાણી પાસેથી વફાદારીની શીખ લેવા જેવી છે.


Rate this content
Log in