વહેતું જીવન
વહેતું જીવન
પ્રતિક જોરજોરથી હસતો રહ્યો હતો. તેણે ફાસ્ટ જોરદાર બાઈક ચલાવી એક બુઢ્ઢી ભિખારણની લાકડી ખેંચી પછાડી દીધી હતી. બિચારી ભિખારણ બૂમો પાડતી નીચે પડી ગઈ હતી. તેના ફાટેલાં કપડાંનાં લીરેલીરા ઉડી ગયા હતા. હાથમાં રહેલું માગીને ઉઘરાવેલું ખાવાનું ધુળમાં મળી ગયું હતું, તેની બૂમોથી આજુબાજુના લોકો ભેગા તો થઈ ગયા, પણ તે પહેલા તો પ્રતિક સડસડાટ બાઈક ભગાવીને નીકળી ગયો હતો. તેને આવા પાશવી કૃત્યો કરવામાં મજા આવતી હતી.
કરોડપતિ શેઠ બિમલરાયનો એકનો એક પુત્ર હતો પ્રતિક જે હજુ ઓગણીસ વરસનો હતો. આર્ટસ કોલેજમાં ભણતો પ્રતિકને બાઈકનો ખુબ શોખ હતો. તેથી તેને તેના પપ્પાએ સૌથી મોંઘુ અને ફાસ્ટ બાઈક હમણાં જ અપાવી દીધું હતું. પ્રતિકને ક્યારેય તેના મમ્મી પપ્પા કોઈ પણ સાચાં ખોટાં કામ બદલ લડતાં નહીં તેને જે જોઈએ તે તરત જ હાજર આમને આમ લાડપ્યારમાં તેનું મગજ વિકૃત અને શેતાની બની ગયું હતું.
કોલેજમાં ફાસ્ટ બાઈક ચલાવીને વિદ્યાર્થીઓના ફેવરીટ પ્રતિકને સ્ટંટ કરવામાં આનંદ આવતો, કોલેજની છોકરીઓ પણ તેના સ્ટંટ ઉપર ફીદા હતી. ધીમેધીમે તેનું મગજ વિકૃત બનતું ગયું, સ્ટંટ કરતાં કરતાં રોડ પરથી કોઈને ધક્કો મારી ગિરાવી દેવામાં કોઈને હાથ ખેંચી પછાડી દેવામાં તેને પાશવી આનંદ આવતો જો કે તેણે ક્યારેય સોનાની ચેન કે બંગડી ખેંચી નહોતી, કે તેની તેને જરૂર પણ ન હતી, ફક્ત તોફાન કરીને જ તે વિકૃત આનંદ મેળવતો.
એક રાત્રે તેણે મિત્રો સાથે શરત મારી ચાલુ બાઈકે સ્ટીક વડે પાંચ મોટર કારના ફ્રન્ટકાચ તોડી નાખ્યા. તે શરત તો જીતી ગયો, પણ શહેરના પાલડી વિસ્તારમાં આતંક ફેલાઈ ગયો. એલીસબ્રીજ પોલીસે તપાસ કરી પણ હજુ સુધી કોઈ પકડાયો ન હતો. હવે આવા ફાસ્ટ બાઈકરો સામે પોલીસે પણ ચોકન્ની બનીને સખત કાર્યવાહી ચાલુ કરી દીધી.
શેઠ ધરમદાસ ચેન્નાઈના, રેડીમેઈડ ગારમેન્ટની દુકાનના માલિક હતા. તેમનો સ્વભાવ ખૂબ ભલો હતો. તેમની કમાણીમાંથી દસ ટકા, ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા અને બીજા દસ ટકા ભુખ્યાઓને અન્નદાનમાં વાપરી નાખતા આવા કામો કરવામાં તેમને નિજી આનંદ મળતો, પાંસઠ વર્ષના થયા, પણ હજુ પોતે જાતે, એકલાં અમદાવાદના રેડીમેઈડ બજારમાં આવા નમુના પસંદ કરી ઓર્ડર કરતા.
આ દિવાળી વખતે શેઠ ધરમદાસ એકલાં ખરીદી માટે અમદાવાદ આવ્યાં હતા. ઘી કાંટા રોડ ઉપરથી પરત જતી વખતે એક રિક્ષાની ટક્કરથી તે ઊંધા માથે પડી ગયા. તેમનો મોબાઈલ તૂટીને નકામો થઈ ગયો. તેમને મગજમાં ઈજા થવાથી, યાદશક્તિ જતી રહી. તેમને પોતાનું નામ, સરનામું ફોન નંબર કે ગામનું નામ પણ યાદ નહોતું આવતુ. તેમના ઘેર ચેન્નાઈમાં બધાં રાહ જોઈ જોઈને થાકી ગયા. પણ શેઠ ધરમદાસ પરત આવ્યા નહીં કે તેમના કોઈ ખબરઅંતર જ નહીં. તેમના પુત્રો અને પત્ની મોબાઈલ કરીકરીને થાકી ગયા, પણ કોઈ જવાબ જ નહીં. ચેન્નાઈ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પણ હજુ સુધી શેઠ ધરમદાસનો કોઈ પત્તો લાગતો ન હતો.
આમને આમ મહિનો વીતી ગયો. સમય પસાર થતો ગયો. લાલ દરવાજાની આજુબાજુના વિસ્તારમાં શેઠ ધરમદાસ અહીંતહીં ભટક્યાં કરતાં તેમના કપડાં ફાટી ગયાં હતા, ખાવાપીવાના ઠેકાણાં ન રહેવાથી તે ઉભા ઉભા પડી જવા લાગ્યા. એક દયાળુ માણસે ટેકા માટે સારી જાતની લાકડી લાવી આપી હતી. જેના ટેકે ટેકે ધરમદાસજી લાલદરવાજાથી આવીને નહેરૂબ્રીજ સુધી ધીમેધીમે ચાલી ભીખ માગ્યાં કરતા.
સવારની કોલેજ છુટયા પછી પ્રતિક તેના મિત્રો સાથે નહેરૂબ્રીજના છેડે ચ્હાની લારી પર ચ્હા પી રહ્યો હતો. તેના જેવા જ શૈતાની મગજના રીતેશે બુઢ્ઢા ભિખારીને જોઈ, પ્રતિક સામે જોઈ શરત મારી 'આ ભિખારીને ચાલુ બાઈકે પછાડે તો પાંચસો રૂપિયાની શરત.'
બધા મિત્રો ચોંકી ગયા. આવી તે શરત હોતી હશે ? પણ પ્રતિકભાઈ તો તૈયાર થઈ ગયા. આજે તેના મગજ ઉપર શેતાન સવાર થઈ ગયો હતો. બીચારા લાચાર ભિખારીને નહેરૂબ્રીજ ઉપર થોડે સુધી જવા દઈ, પ્રતિકે બાઈક ચાલુ કરી. બધાં મિત્રો વારી રહ્યાં હતાં, પણ પ્રતિક માને તો ને ! તેણે તો સ્પીડ વધારીને ચાલુ બાઈકે ભિખારીની લાકડી ખેંચી આ વખતે કમનસીબે લાકડી ઉછળીને આગળ તરફ પડી, જે બાઈકના પૈડા નીચે આવી ગઈ. જોરદાર ધડાકા સાથે તેણે બેલેન્સ ગુમાવ્યુ અને ઉછળીને પડયો તેને અનેક જગ્યાએ ઈજાઓ થઈ અને બન્ને પગના હાડકાં ભાંગી ગયા તત્કાલ ઈમરજન્સી ૧૦૮ની મોબાઈલ બોલાવી, તેને ડો. ભટ્ટની પ્રાઈવેટ ઓર્થો હોસ્પિટલમાં દાખલ કરી લીધો.
ભિખારી ધરમદાસજીના હાથમાંથી લાકડી ખેંચાતા જોરથી પડયાં અને તેમનું માથું નહેરૂબ્રીજના થાંભલા સાથે અથડાયુ. મગજમાં ઝાટકો લાગતાં તેમને અચાનક બધુ યાદ આવી ગયુ. યાદ આવતાં શેઠ ધરમદાસ વિચારમાં પડી ગયા. હું અહીં નહેરૂબ્રીજ પર ભિખારીની દશામાં ક્યાંથી ? અને તેમને ધીમે ધીમે બધુ યાદ આવી ગયું. ચેન્નાઈમાં તેમના પત્ની આશાબેન અને પુત્રો યાદ આવતાં તેઓ બેચેન બની ગયા. તરત જ તેમણે તેમના ઘેર ચેન્નાઈ ફોનથી જાણ કરી. ઘરે બધાં આનંદમાં આવી ગયા. આશાબેનને તેમના પતિ અને બાળકોને તેમના પિતા મહિને મળી ગયા હોવાથી સહુની આંખોમાં આંસુ સમાતા ન હતા. તરત જ પ્લેનમાં બધાં અમદાવાદ આવી ગયા.
ડો.ભટ્ટની પ્રાઈવેટ ઓર્થોપેડિક હોસ્પિટલમાં પ્રતિક બન્ને પગમાં પ્લાસ્ટર સાથે સખત દર્દથી કણસી રહ્યો હતો. તેણે તેના માબાપને જણાવેલ કે અચાનક બુઢ્ઢો ભિખારી વચ્ચે આવવાથી તે ગબડી પડેલ છે. પણ પોલીસના બ્યાનમાં આજુબાજુના લોકોએ સ્પષ્ટ જણાવેલ કે આ યુવકે જાણી જોઈને ધક્કો મારી આ ભિખારીને પછાડેલ છે એલીસબ્રીજના ઈન્સ્પેકટર રાવલ સાહેબ, આતંક ફેલાવનાર આ જ બાઈકર છે કે શું, તેમ વિચારી પ્રતિકની ધરપકડ કરવા વિચારી રહ્યાં હતા.
બીજા દિવસે ધરમદાસજી અને તેના કુટુંબીજનો, તેમને સારૂ કરનાર બાઈકરને શોધી રહ્યાં હતા. તેમણે બધાએ આ બાઈકરને એકત્રીસ હજાર રૂપિયાનું ઈનામ આપવાનું નક્કી કર્યું હતું. પૂછપરછને અંતે બધા ડો. ભટ્ટની પ્રાઈવેટ હોસ્પિટલ પહોંચી ગયા. અહીં તો પોલીસની કડક પૂછપરછ ચાલુ હતી. પ્રતિક જ આતંકી બાઈકર છે, એ સાબિત થઈ જાય તો તેની ધરપકડની તૈયારી સાથે જ ઈન્સ્પેકટર રાવલ આવેલા હતા.
પ્રતિકના પપ્પા શેઠ બિમલરાય રાવલ સાહેબને સમજાવવા મથી રહ્યાં હતાં જો પ્રતિકને જેલ થઈ જાય તો કુટુંબની આબરૂના લીરા ઉડી જાય તેમ હતું. શેઠ ધરમદાસ તો બહુ જ ખુશ હતા. આ યુવકે જ તેમને ધક્કો મારીને લાકડી ખેંચી હતી. પણ તેના ધક્કાથી મગજમાં ઇજા થતાં તેઓની યાદદાસ્ત પરત આવી હતી અને કુટુંબીજનો સાથે મેળાપ થયો હતો.
ત્યાં તો શેઠ ધરમદાસ એકત્રીસ હજાર ઈનામ આપવા કુટુંબીજનો સાથે આવી પહોંચ્યાં તેમણે તો પ્રતિક સામે ફરિયાદ કરવાની જ ના પાડી દીધી.
અનાયાસે જ તે શેતાની શરત જીતવા ગયો અને તેનાથી એક સારું કામ થઈ ગયું, તે જાણી પ્રતિક અને તેના માં બાપ ખુશ થઈ ગયા. પોલીસની હાજરીમાં ઈનામ લેતા પ્રતિકની આંખોમાં પશ્ચાતાપના આંસુઓ ટપટપ નીકળી રહ્યા હતા. હવે આવું શેતાની કૃત્ય ક્યારેય નહીં કરૂં તેવું તેના ચહેરા પર સ્પષ્ટ વર્તાઈ રહ્યું હતું.
ઇજા પામેલ શેઠ ધરમદાસે ફરિયાદ લખાવવાને બદલે પ્રતિકને ઈનામ આપતા પોલીસ ઇન્સ્પેક્ટર રાવલ સાહેબ વિચારમાં પડી ગયા. આવો સાહસિક અને સંનિષ્ઠ યુવક આતંકી ક્યાંથી હોય ?પોલીસો હાથમાં ફરિયાદના કાગળો અને હાથકડી સાથે પરત ફરી રહ્યાં હતા.
