ન્યાયાધીશનો પુત્ર
ન્યાયાધીશનો પુત્ર
પિન્ટુ ડરી ગયો. તેને થયું કે મમ્મીને વાત કહી દેવી જોઈએ. ગામડિયાની પ્રામાણિક્તા જોઈને પિન્ટુ છક્ક થઈ ગયો. પિન્ટુનું હૃદય ખળભળી ઊઠયું. તેનું કાળજું જોરજોરથી ધડક ધડક થવા લાગ્યું
'ન્યાયાધીશ થવું અઘરૂં છે. ન્યાયાધીશના પુત્ર થવું વળી એથીય અઘરૂં છે.'
કઈ નોટ ચોરાયેલી હતી? કઈ નોટ સાચી હતી ? લાંચ લીધા પછી લાંચની વાત કોને કરવી જોઈએ ? કહેવત છે : લાંચ લેતાં પકડાઈ જાય, તો લાંચ આપીને છૂટી જાવ !
સાંજના પપ્પા આવતાં જ પિન્ટુ તેમની સામે દોડયો. તે રોજ પિતાજીના આગમનની રાહ જોતો. તેણે પિતાજીની આંગળી પકડી લઈને પૂછ્યું : 'પપ્પા! આજે કોને સજા કરી તમે ?'
પપ્પા કહે : 'ચોરને.'
પિન્ટુએ પૂછ્યું : 'પપ્પા, રોજ ચોરને સજા કરતાં તમને કંટાળો નથી આવતો ?'
પપ્પા કહે : 'ઘણો જ કંટાળો આવે છે. પણ શું થાય ? જ્યાં સુધી આ ધરતી પરથી ચોર લોકો ઓછા થશે નહિ, ત્યાં સુધી તેમને સજા કરવી જ રહી.'
પિન્ટુના પપ્પા ન્યાયાધીશ હતા. રોજ તેઓ જુદી જુદી જાતના ચોરની વાતો કરતા. પણ આજે તેઓ વધુ થાકેલા હતા.
માતાએ તેને બૂમ પાડીને બોલાવી લીધો. પિતાજીએ ગજવામાંથી રૂમાલ કાઢી કપાળ પરનો પરસેવો લૂછયો. તેઓ ધીમે પગલે ઘરમાં દાખલ થતા હતા ત્યારે જ મમ્મીએ પૂછ્યું : 'આજે કેમ આવા લાગો છો ?'
પપ્પા કહે : 'જરા તબિયત ઠીક નથી.'
મમ્મીને ચિંતા થઈ. તેણે કહ્યું : 'ચાલો, સૂઈ જાવ. સવારે દવા પણ પીધી નથી. આજે હવે કોઈને મળવાનું નથી. '
પપ્પા હસીને કહે : 'ના ના, એવું ખાસ કંઈ જ નથી. ચિંતાની કોઈ વાત નથી. હું આડો પડીશ, પણ તે પહેલાં ચા તો પીવી જ પડશે.'
મમ્મી કહે : 'અને ચા સાથે દવા પણ પીવી પડશે. ચાલો, તમે જરા હાથ મોઢું ધોઈને તાજા થાવ, એટલામાં હું ચા બનાવીને લાવું છું.'
પપ્પા અંદરના ઓરડામાં ગયા ત્યાં જ બહારથી એક ગામડિયા જેવા માણસે આવીને પૂછ્યું: 'સાહેબ છે કે ?'
પિન્ટુ કહે : 'છે. પણ કોઈને મળશે નહિ.'
પેલો ગામડિયો કહે : 'ભાઈ, અમે ઘણે દૂરથી આવ્યા છીએ. અગત્યનું કામ છે. મારો ભાઈ જેલમાં છે અને આ તેનાં સ્ત્રી-બાળકો તેને મળવા માગે છે. સાહેબ જો આ અરજી પર સહી કરી દે તો એ લોકો મારા ભાઈને મળી શકે તેમ છે.'
પિન્ટુએ જઈને મમ્મીને વાત કરી. મા કહે : 'કહી દે તેમને કે સાહેબ કોઈને નહિ મળે. તેમની તબિયત સારી નથી. કામ હોય તો કાલે કચેરીમાં મળી લેજો.'
પિન્ટુએ એમ જ કહ્યું. પણ ગામડિયો કાલાવાલા કરવા લાગ્યો. તે કહે : 'ભાઈ, અમે તો એસ.ટી.માં આવતા હતા. રસ્તામાં એસ.ટી. અટકી ગઈ અને અમે રખડી ગયા. ત્યાર પછી મહામુશ્કેલીએ અહીં સુધી આવ્યા છીએ. હવે કાલ સુધી ક્યાં પડી રહીએ ? આ શહેરમાં રહેવાને કોઈ સ્થાન પણ નથી.'
પિન્ટુ પાછો મમ્મી પાસે જઈ આવ્યો. મમ્મીએ પાછી ના પાડી. આ વખતે જ્યારે પિન્ટુ મમ્મી પાસે ગયો ત્યારે પપ્પા ચા પીતા હતા અને મમ્મી પિતાની વાત ચાલતી હતી.
મમ્મીએ પૂછ્યું : 'શું થયું પછી પેલા હેડક્લાર્કનું? '
પપ્પા કહે : 'પોલિસને જ સોંપી દીધો.'
મમ્મી કહે : 'સારું કર્યું. એવા વચલા માણસો જ આપણને બદનામ કરે છે. આપણી ઈજ્જત પાયમાલ કરી નાખે છે.'
એ વાત આ પ્રમાણે હતી.
હેડક્લાર્ક વચમાં રહીને સાહેબ પાસે એક કામ કરાવવા માગતો હતો. પણ સાહેબ તો એ કામ ન્યાયની રીતે જ કરવા માગતા હતા. ત્યારે હેડક્લાર્કે વચમાંથી સો રૂપિયાની લાંચ લઈને કહ્યું : 'આ પૈસા બહેનને આપીશ એટલે સાહેબ ના નહિ પાડે.' એમ કહી એ હેડક્લાર્ક જાતે જ સો રૂપિયા ચાઉં કરી ગયો હતો. એ તો ચપરાશી તેમને સો રૂપિયા લેતો જોઈ ગયો અને તેણે બહેનને વાત કરી દીધી ત્યારે જ બધી વાત બહાર આવી.
એ વાતના અનુસંધાનમાં મમ્મી કહેતી હતી : 'આ વચગાળાના લોકો જ આપણને ગરદન મારતા હોય છે.'
અહીં પિન્ટુએ પેલા ગામડિયાની વાત કરી. મમ્મીએ તો ચોખ્ખી ના પાડી પણ પપ્પા ખામોશ રહ્યા. બહાર આવેલા પિન્ટુને પેલો ગામડિયો કાકલૂદી કરતો રહ્યો. પછી સાથેની સ્ત્રીએ તેને કંઈક કહ્યું. એટલે ગામડિયાએ એક પચાસની નોટ કાઢીને પિન્ટુને આપતા કહ્યું: 'લો ભાઈ, આ તમારી પાસે રાખો. અમારા વકીલે કહ્યું છે કે આવી ફી આપવાથી જ કામ થઈ
શકે છે.'
પિન્ટુ પહેલા તો ડરી ગયો. પછી તેને થયું કે આ નોટ લઈ મમ્મીને વાત કહી દેવી જોઈએ. તેણે નોટ લીધી પણ પછી તેને થયું કે નોટ મમ્મીને આપવાની શી જરૂર છે ? એ નોટ પોતાની પાસે રાખી શકે છે, અને પપ્પા તો ભલાભોળા માણસ છે. તેની ઘણી વાતો માને છે. આ ગામડિયાના કાગળિયા પર સહી કરી આપશે. એ નોટ દપટી લેવાના ઈરાદાથી તેણે ગજવામાં મૂકી દીધી અને તે પેલું કાગળિયું લઈ પપ્પા પાસે ગયો. તે કહેવા લાગ્યો : 'પપ્પા! બિચારો દૂરથી આવ્યો છે. સહી કરી આપો. આ તો દયાનું કામ છે.'
પપ્પા કહે : 'તું કહે છે તો લાવ સહી કરી આપું. જા મારા કોટના ગજવામાંથી ઈન્ડીપેન લઈ આવ.'
મમ્મી કહે : 'અને સાથેસાથ પૈસા પણ મંગાવી દો. પિન્ટુ જાતે જ દવા લઈ આવશે.'
પપ્પા કહે : 'હા, પિન્ટુ, ગજવામાં એક પચાસની નોટ પડી છે તે પણ લઈ આવજે.'
પિન્ટુએ પિતાજીના ગજવામાંથી ઈન્ડીપેન તો મેળવી. પણ પચાસની નોટનો પત્તો લાગ્યો નહિ.
તેણે કહ્યું : 'પપ્પા આ ઈન્ડીપેન લો પણ પચાસની નોટ તો નથી.'
પપ્પા કહે : 'ન કેમ હોય ? હોવી જ જોઈએ. મેં કોર્ટથી નીકળતી વખતે જાતે જોઈ છે.'
હવે પિન્ટુની દશા જોવા જેવી હતી. પપ્પાના ગજવામાંથી પચાસની નોટ ગુમ થઈ હતી અને તેના પોતાના ગજવામાં પચાસની નોટ મોજુદ હતી. ભૂલેચૂકે જો પપ્પા તેના ગજવાની ઝડતી લે તો...! શી દશા થાય તેની ? તે કેવી રીતે સાબિત કરે કે એ નોટ પપ્પાના ગજવાની નથી ?
અને ન્યાયાધીશ પપ્પા પૂછે કે : 'ભાઈ તારા ગજવામાંથી નોટ મારી નથી તો પછી કોની છે ? અને તારી પાસે પચાસની નોટ આવી કેવી રીતે ?' તો તે શો જવાબ આપે ?
થોડીક ઘડીમાં તો પિન્ટુનું હૃદય ખળભળી ઊઠયું. તેનું કાળજું જોરજોરથી ધડક ધડક થવા લાગ્યું. દરમિયાનમાં પિતાજીએ તો પેલા કાગળ પર સહી કરીને આપી દેતાં કહ્યું : 'પિન્ટુ આ કાગળ એ પ્રવાસીને આપી દે.'
તેમણે તો મમ્મી સમક્ષ પિન્ટુનાં વખાણ કર્યાં : 'આપણો પિન્ટુ કેટલો દયાળુ છે ! મોટો થઈને જરૂર મારા કરતાં પણ વધારે ન્યાયપ્રિય ન્યાયાધીશ બનશે !'
આ શબ્દો સાંભળી પિન્ટુની હાલત શી થઈ તે વર્ણવી શકાય તેવી નથી. તેમણે ઝડપથી જઈને કાગળ પેલા ગામડિયાને આપી દીધો. ગામડિયો ભારોભાર આભાર માનતો ત્યાંથી વિદાય થયો. પણ તેના ગયા છતાં પિન્ટુના હૈયાને શાંતિ મળી ન હતી. હજી પપ્પા તેમની પોતાની પચાસની નોટની શોધ કરતા હતા. થોડીવાર થઈ હશે ત્યાં જ પેલું ગામડિયા કુટુંબ પાછું આવ્યું. તેણે પિન્ટુને બોલાવ્યો. પિન્ટુ દોડીને સામે ગયો.
ગામડિયાએ એક પચાસની નોટ આપતાં કહ્યું : 'લો.'
પિન્ટને કહ્યું : 'આ તો તમારી જ છે. બગીચાની પેલી જગાએ પડી હતી.'
પિન્ટુ જાણી ગયો. પિતાજીએ મોઢું લૂછવા માટે જ્યાં રૂમાલ કાઢ્યો હતો ત્યાં જ એ પચાસની નોટ પડી હતી. એનો અર્થ કે પિતાજીના ગજવામાંથી રૂમાલ કાઢતી વખતે એ નોટ પડી ગઈ હતી. ગામડિયાની આવી પ્રામાણિક્તા ઉપર તે છક્ક થઈ ગયો. તે પોતે ન્યાયાધીશનો પુત્ર હોવા છતાં તેની દાનત ખોરી થઈ હતી. પણ ગામડિયો તેને ખરેખરો પાઠ શીખવાડી ગયો હતો.
ક્ષણ એકનો વિચાર કરી તેણે ગામડિયાને કહી દીધું : 'એ નોટ તમારી પાસે જ રાખો. સાહેેબે તમારા કામની કોઈ જ ફી લીધી નથી. સાહેબ કદી એવા પૈસા લેતા નથી.'
ગામડિયો આશીર્વાદ આપતો ત્યાંથી વિદાય થયો. તેણે તરત જ જઈને પિતાજીને પચાસની નોટ બતાવી કહ્યું: 'તમારી નોટ મળી ગઈ છે પિતાજી'.
પિતાજીએ પૂછયું : 'ક્યાંથી મળી ?'
પિન્ટુ કહે : 'તમે બગીચામાં રૂમાલ કાઢ્યો હતો ત્યાં જ એ નોટ પડી ગઈ હતી. ગામડિયો એ નોટ પાછી આપી ગયો છે.'
પપ્પા કહે : 'કેટલાક માનવીઓ કેવા ભલા હોય છે? '
મમ્મી કહે : 'દુનિયામાં ચોર લોકોની વસતિ ઓછી નથી, તો પ્રામાણિક લોકો પણ કંઈ ઓછા નથી.'
પિન્ટુ એ વાક્ય સાંભળી ડઘાઈ ગયો. તેણે પિતાજીને દવા લાવી આપી. પણ પછી તે પોતાના ઓરડામાં એવો ભરાઈ ગયો કે મોડી રાત સુધી ખાવા માટે પણ નીકળ્યો નહિ.
જ્યારે મમ્મીએ તેને ઉઠાડયો અને કહ્યું : 'અલ્યા ખાધા વગર ક્યાં સૂઈ જાય છે ? ઊઠ.' ત્યારે તેની આંખો આંસુથી તર હતી. અને તે એટલું જ બોલતો હતો : 'મા! હું પણ ન્યાયાધીશનો પુત્ર બનીશ. હું ચોર નહિ બનું. કદી નહિં.'
મમ્મી કંઈ સમજી નહિ. તેણે એટલું જ કહ્યું : 'અરે બેટા, તું તો ન્યાયાધીશનો પુત્ર છે જ. એમાં વળી કહેવાની શી જરૂર ?'
પિન્ટુ માત્ર હસ્યો !
