અમૃત પટેલ સ્વયંભૂ

Romance

4.4  

અમૃત પટેલ સ્વયંભૂ

Romance

આવ રે વરસાદ

આવ રે વરસાદ

6 mins
1.0K


     વરસાદની ઋતુ શરૂ થતા ઝરણાની નજર એકાએક અટારી તરફ દોડી જતી. આજે પણ તે અટારી પાસે ઊભી દૂર સુધી રાહ જોઈ રહી છે.

       આકાશ વાદળાંઓથી છવાઈ ગયું છે. દૂરથી આવતી મંદ મંદ ભીની માટીની ખુશ્બૂએ ઝરણાના ઉલ્લાસમાં ઉમેરો કર્યો. એણે ઊંડો શ્વાસ ભર્યો.

       ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. ઝરણાએ હાથ લંબાવી પાણી ને હથેળીમાં ઝીલવાનો પ્રયત્ન કર્યો. હથેળી ઉપર ફોરાં પડતાં એનું મન પંખીની જેમ વતનમાં પહોંચી ગયું. ઝરણા વર્તમાનને ભૂલી અતીતના ખોળામાં બેસી ગઈ.

        ગામ છોડીયે એક દશકો થવા આવ્યો. છતાંય ગામનુંએ ચોમાસું તેના અંતરના એક ખૂણામાં આજે પણ અકબંધ જળવાઈ રહ્યું છે.

        ગામના એ વરસાદ સાથે તેને એક અજીબ લગાવ હતો. તેણે ગામના વરસાદને મન ભરીને માણ્યો હતો. શહેરમાં આવ્યા પછી પણ જ્યારે જ્યારે વરસાદ આવતો ત્યારે વરસતા વરસાદને ઝીલવા તેનું હૈયું તલપાપડ થઈ ઊઠતું...!


        આજે આ બધા મધુર દિવસો સૂકા પર્ણની પેઠે ખરીને ધૂળમાં મળી ગયા હતા. તે સમયે જે આનંદનો અક્ષયકોશ લાગતો તે ક્ષણે ક્ષણે કરીને ખાલી થઈ ગયો હતો!

       વરસાદ આવે; આંધી અને ગાજવીજ સાથે વરસાદ વરસે ત્યારે નાની ઝરણા હરખાઈ ઊઠતી. ફળિયાનાં બધાં છોકરાં-છોકરીઓ વરસાદમાં પલળવા નીકળી પડતા. ખાબોચિયામાં ભરાયેલાં પાણી એકબીજા ઉપર નાંખી તોફાન મસ્તી કરતાં. ઝરણા ભીંજાયેલી ઘરે આવતી ત્યારે તેની બા બોલતી, 'અરે છોકરી આમ વરસાદમાં પલળતી રહીશ તો ક્યાંક માંદી પડીશ માંદી...'

         ઝરણાના પિતા ઝરણાનો બચાવ કરતાં બોલતા: પહેલો વરસાદ છે. બધા છોકરાં રમે છે. રમવા દે... ભલે ને પલળતી, કશું કોઈ આમ માંદું પડતું નથી.'

         પિતાજીની વાત સાંભળતા ઝરણાં ફરી પાછી વરસતા વરસાદમાં ફળિયામાં દોડી જતી...!

         વરસાદના ઝરમરતાં ટીપાં મોટાં થઈ ટપકવા લાગ્યા અને થોડી જ વારમાં લાંબી ધારાએ વરસાદ વરસવો શરૂ થયો. આકાશ ઘનઘોર થતાં હવાને અંધારાએ લપેટી લીધી. વાદળાંમાંથી એક ગર્જતી કડકડાતી એક છેડેથી બીજે છેડે દોડતી ગઈ અને પછી વીજળીની ધધકતી તીક્ષ્ણ રેખાઓથી વાદળાં ચીરાતાં ચાલ્યાં.

         ઝરણાના ચહેરા ઉપર ઠંડા પાણીની છાલક વાગી.

         ઝરણાને કલરવ યાદ આવી ગયો.


         કલરવના પિતાની બદલી ગામની પ્રાથમિક શાળામાં થતાં તે ઝરણાના ઘરની બાજુમાં રહેવા આવ્યા હતા. તે સમયે ઝરણા અને કલરવ એક જ વર્ગના વિદ્યાર્થી હતા.

         શરૂઆતમાં કલરવને ગામમાં અજાણ્યું લાગતાં તે કોઈ સાથે ખાસ બોલતો નહોતો. નિશાળેથી સીધો ઘેર આવી તેની બા સાથે જ રહેતો. ઝરણા તેને સાથે રમવા બોલાવતી તો શરમાઈ જતો. ઓછાબોલો રૂપાળો. હોઠ હંમેશાં બિડાયેલા રહેતા પણ એની આંખો ઘણું બધું કહી જતી. એના સંકોચનશીલ અને શરમાળ સ્વભાવને લીધે એ ઝરણાને ખૂબ ગમતો. બસ, ગામના બીજા છોકરા પર ક્યારેય ન જન્મી હોય તેવી મમત. એક અજીબ ભાવ ઝરણાને કલરવ માટે હતો...!


         ઝરણાના પિતા ગામના સરપંચ હતા એટલે સમય પસાર થતાં બંને ઘર વચ્ચે સુમેળ બંધાયો. ઝરણા કલરવને ત્યાં જતી. કલરવ ઝરણાને ઘેર જતાં સંકોચ અનુભવતો, પણ ઝરણા તેનો હાથ પકડીને તેને ઘેર ખેંચી જતી. આમ બંને વચ્ચે મિત્રતા બંધાઈ.

         કલરવને ગામમાં હવે એકલવાયું લાગતું નહોતું. ફળિયાના દરેક છોકરા તેના ભેરુ બની ગયા હતા. તેમાંય નિશાળના શિક્ષકનો દીકરો એટલે થોડા જ સમયમાં બધાં તેને ઓળખવા લાગ્યા હતા.

        ઝરણા સાંજે કલરવના ઘેર તેના પિતાજી પાસે ભણવા જતી. કલરવના પિતા ખૂબ ભલા માણસ. ફળિયાના દરેક છોકરાઓને સાંજે તેમના ઘેર બોલાવી બદલાની અપેક્ષા વિના ભણાવતા. આમ થોડા જ વખતમાં ગામમાં તેમનું નામ જાણીતું થયું.

        બધા છોકરાઓ ચોમાસાની ઋતુમાં સીમમાં જતા. ઝરણા અને કલરવ હંમેશા સાથે સાથે જ રહેતાં. બંને કળા કરતા નાચતા મોરને જોઈને ખૂબ હરખાતાં. કલરવ મોરને પકડવા દોડતો ત્યારે ઝરણા તેનો હાથ પકડી રોકી લેતી. બધા છોકરા તળાવમાં નાહવા પડતા ત્યારે ઝરણાં અને કલરવ કાગળની હોડી બનાવીને ધોરિયામાં વહી જતાં પાણીમાં તરતી મુકતા. ધોરિયાનાં પાણી વેગથી આવતાં તે હોળી જરાક આગળ જઈ પાણી પર આડી પડી જતી. કલરવને પાણીનો ખૂબ ડર લાગતો એટલે તે ક્યારેય તળાવમાં નાહવા પડતો નહોતો.


         વરસાદને લીધે સીમમાં ચારેબાજુ ઘાસ ઊગી નીકળતું. સીમનાં ઝાડવાંઓમાં વરસાદનાં ફોરાં લપાઈને બેસી રહેતાં. કલરવ ઝરણાને આવા ઝાડ પાસે લઈ જઈ તેના ઉપર આ ફોરાઓનો વરસાદ કરતો ને ઝરણા મલકી ઊઠતી...!

         વાદળામાંથી કડકડાટની ગર્જના થતાં છોકરાઓ જોરશોરથી, ' આવરે વરસાદ... ' બોલતાં ઝરણાની નજરે પડયાં. તેણે તે તરફ જોયું. ચાર-પાંચ છોકરાઓ જમીનમાં કંઈ રોપી રહ્યાં હતાં. તેમની સાથે તેની દીકરી કેતા અને દીકરો આરઝૂ પણ હતાં.

        તે દિવસે ઝરણા પણ તેના આંગણામાં આ રીતે નાની નાની ક્યારીઓ બનાવી આ ક્યારીઓમાં મેથીના દાણા વાવી રહી હતી-

         'તું શું કરે છે ઝરણા ?... અવાજની દિશા તરફ જોયું તો કલરવ તેને જોઈ મલકી રહ્યો હતો.

         ' આવ કલરવ, અહીં આવ. જો ક્યારીમાં મેં એક મનગમતી ચીજ છુપાવી છે. પણ તને હમણાં નહીં દેખાય. બે-ત્રણ દિવસ પછી તારી નજરે પડશે ત્યારે જોજે...!' ઝરણાએ જાણે એક રહસ્યને પેટાળમાં છુપાવ્યું હોય તે રીતે બોલી.

         મને ખબર છે તે આમાં શું છૂપાવ્યું તે... લાવ આ થાળી મને આપ અને તું આંખ બંધ કરી દે...! ઝરણાના હાથમાંથી મેથીના દાણા ભરેલી થાળી કલરવ તેના હાથમાં લેતાં બોલ્યો.

         ઝરણા એ આંખ બંધ કરી. ઝરણાએ જ્યાં મેથીના દાણા નાખ્યા હતા. બરાબર તેની બાજુમાં કલરવે દાણા નાંખી ઉપર ભીની માટી પાથરી દીધી.

          'હવે આંખ ખોલ; બોલ હવે મેં શું છપાવ્યું છે...'

          'એ તો બે દિવસ પછી ખબર પડશે...!' ઝરણા બોલી.


         રોજ સવાર પડે ત્યાં બંનેની નજર તે ક્યારી પાસે આવી અટકી જતી.

         વરસાદને લીધે બરાબર ત્રીજા દિવસે માટીમાંથી 'કલરવ-ઝરણા' લખાયેલી મેથીની કૂંપળો ફૂટી નીકળી...! તે દિવસે બંને એકબીજા તરફ જોઈ શરમાઈ ગયાં હતાં. પ્રેમ કરવા જેવડી એ ઉંમર નહોતી. બંને હજુ ઘણાં નાનાં હતાં. તોફાનમસ્તીના મેદાનમાં દૂરના ખૂણે એક કૂંપળ ફૂટી રહી હતી. પણ બંને અજાણ હતાં. બેયનાં હૈયે એક જ સૂર ગુંજતો હતો.


         પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો થયો. હાઈસ્કૂલમાં પણ બંને એક જ વર્ગમાં હતાં. કલરવ ભણવામાં ખૂબ હોશિયાર-વિવેકી પણ એટલો જ. સ્કૂલમાં છોકરા-છોકરીઓ એકબીજાં સાથે ખાસ બોલતાં નહિ. કલરવ પહેલાંથી જ ખૂબ શરમાળ એટલે નિશાળમાં ઝરણા સાથે ખાસ વાતો કરતો નહોતો. હવે તેને ઝરણા સાથે પહેલાં જેવી વાતો કરતાં સંકોચ થતો. આવું કેમ થતું તે પોતે પણ જાણતો નહોતો. તે થોડો ગંભીર રહેતો. જ્યારે ઝરણા ખૂબ ચંચળ સ્વભાવની. તે હંમેશા વર્ગમાં પણ કલરવ તરફ જોયા કરતી. કલરવની નજર તેના તરફ પડતાં તે શરમાઈને નજર ફેરવી લેતો.


        'તું ખૂબ ઓછું બોલે છે' ઝરણાં હંમેશાં ફરિયાદ કરતી.

        'તું વધારે બોલે છે ને આપણા બંનેમાંથી એક વધારે બોલે અને એક ઓછું બોલે એ જ સારું.' કલરવ બોલતાં તો બોલી ગયો... ઝરણા આ સાંભળી શરમાઈ ગઈ. ઊગતી ઉંમરની સોહામણી વેળાએ બંનેએ એક બીજાના હૃદયમાં ડોકિયું કરી લીધું.


        હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો થયો. પરિણામો આવી ગયાં ત્યાં કલરના પિતાની બદલી થતાં કલરવે ગામ છોડયું.

        એ વિદાયની વેળા આજે પણ ઝરણાને એવીને એવી જ યાદ છે. કલરવ ગામથી વિદાય લઈ રહ્યો હતો. ધૂંધળી ઉદાસી ચારે તરફ ફેલાઈ ગઈ- વિદાય લેતાં તેને દુઃખ થવા લાગ્યું.

         વિદાય વેળાએ ઝરણાની આંખમાં આંસુ હતા. કલરવના હૃદયમાં વેદનાનો એક ધોધ ઊમટયો હતો. પ્રેમ માં કેટલું દર્દ છે, વેદના છે, પીડા છે તેનો અહેસાસ બંને મૂક બનીને અનુભવી રહ્યા.

         કલરવને હવે હું ફરી કદી નહિ જોઈ શકું એવા ભાવ સાથે ઝરણાની આંખ છલકાઈ ગઈ.

        અને કલરવ તેની યાદ છોડી વરસતા વરસાદે ઝરણાથી ખૂબ દૂર ચાલ્યો ગયો.

        પછી ઝરણાનાં લગ્ન થયાં. પરણીને સાસરે આવી. પણ તે કલરવને... ગામના ચોમાસાને... કદી ભૂલી શકી નહિ. જ્યારે જ્યારે વરસાદ પડતો ને એક ચહેરો તેની આંખ સામે તરી આવતો. ગામમાં કલરવ સાથે પસાર કરેલા એ મધુર દિવસો એક પછી એક ચલચિત્રની જેમ પસાર થઈ જતા.


        ઝરણાને લગ્ન પછી અવારનવાર ગામ જવાનું બનતું. જૂનાં સ્મરણો યાદ કરતાં તે કલરવ વિશે માહિતી મેળવવાના અનેક પ્રયત્નો કરતી. પણ કલરવના કોઈ સમાચાર તેને જાણવા મળતા નહોતા. કલરવનો હવે કદી પણ પતો મળે એવી સંભાવના નહોતી અને છતાં સદાય આશા રહેતી કે કદાચ કોઈક દિવસ તેની ભાળ મળશે.

         અને ખરેખર એક દિવસે અચાનક જ કલરવના સમાચાર મળતાં ઝરણાની આંખમાંથી ટપટપ આંસુ આવી ગયા. કલરવ હવાની પાંખે ઊડી પરદેશ જતો રહ્યો હતો અને ત્યાં જ સેટલ થયો હતો.

         કલરવ તેને યાદ કરતો હશે કે પછી વિદેશની ધરતી પર જઈ વિદેશના રંગે રંગાઈ ગયો હશે...

         ઝરણા જરૂખે ઉભી રહી વરસતા વરસાદ તરફ જોઈ રહી હતી ત્યાં બહારથી ભીંજાઈને આવેલાં કેતા અને આરઝૂ ઝરણાને વળગી પડ્યા. ઝરણાના રોમરોમમાં આનંદની લહેર દોડી ગઈ. તેણે બંનેને બાથમાં લઈ લીધાં.


         બહાર વરસાદ મન મૂકીને વરસી રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance