આટલું જ
આટલું જ
‘તું મારા પ્રેમ માટે આટલું ન કરી શકે?’ કૃપાએ વર્ષો પહેલા બોલેલા શબ્દો કેશવની આંખ આગળ ટોળે વળીને તેને ગૂંગળાવી રહ્યા. તેનાથી ફક્ત ચાર ખુરશી દૂર બેઠેલી કૃપા સાથેનો ભૂતકાળ ભલે સુંવાળો હતો, પરંતુ આજે બોલવાના સંબંધો પણ નહોતા. બિલ્ડીંગમાં પ્રવેશતા જ કૃપાની નજર વેઈટીંગ રૂમની ખુરશીમાં ગોઠવાયેલા કેશવને ઓળખી ગઈ હતી. પરંતુ તે તેની સાથે વાત કરવાના મૂડમાં નહોતી. અનાયાસે તે જ ક્ષણે કેશવની નજર મળી જતા ફક્ત સ્મિતની આપ-લે કરીને તે કેશવથી ત્રણેક ખુરશી છોડીને બેસી.
કોલેજનાં ગ્રેજ્યુએશનનાં ત્રણ વર્ષ પછી આજે બંને જણા એક મલ્ટીનેશનલ કંપનીનાં ઈન્ટરવ્યું માટે ભેગા થયા હતા, બલકે નિયતીએ તેમને અકસ્માતે સાથે લાવી મુક્યા હતા. કેશવે ગ્રેજ્યુએશન કર્યા પછીનાં બે વર્ષ એમ.બી.એ. કર્યું હતું અને ત્યાર બાદ એક ખાનગી કંપનીમાં અનુભવ માટે જોડાયો હતો. કૃપા પણ એમ.બી.એ. પૂર્ણ કરીને સારી તક ની રાહ જોતી હતી. એવામાં એક ખ્યાતનામ કંપનીમાં પડેલ જગ્યા માટે બેઉ આજે આવ્યા હતા. ઇન્ટરવ્યૂ શરૂ થવાની હજુ વાર હતી. બીજા બારેક લોકો પણ તેમની સાથે ઇન્ટરવ્યૂ માટે હાજર હતા.
આજુબાજુના એ બારેય લોકોને જરા પણ અણસાર નહોતો કે તેઓ બે સળગતા હૈયાઓની આસપાસ ગોઠવાયેલા છે. કેશવે કૃપાને જોતા જ ઇન્ટરવ્યૂ માટેનું ટેંશન ઓગળીને વહી ગયું હતું અને એક જૂની યાદ તેના મનમાં વંટોળ બનીને ચકરાવે ચડી હતી. થોડી વાર પહેલા જ મનમાં ગોઠવી રાખેલા જવાબો પવનની લહેરમાં કયાંક ઉડી ગયા હતા. થોડી વાર પહેલા તો તે વિચારતો હતો કે ‘અંદર કોણ-કોણ હશે જે મારું ઈન્ટરવ્યું લેશે? કેવા સવાલો પૂછશે? ’ પરંતુ હવે તેનું મન ઇન્ટરવ્યૂ રૂમના પાંચ વ્યક્તિઓની પેનલ પરથી હટીને પોતાનાથી ચોથી ખુરશી પર ગોઠવાયું હતું.
એ ખુરશી પર બેઠેલી કૃપા ક્યારેક તો આવતા જ પોતાની સોડમાં બેસી જતી અને મીઠી મીઠી વાતો કરતી. એના બદલે હવે તે દૂર બેસીને ફાઈલમાંથી એકાદ બે પાના કાઢીને તેના પર નજર નાખતી હતી, બલકે તે કેશવથી પોતાની નજર બચાવી રહી હતી. તેના માટે તો કેશવ પ્રિયતમ મટીને અતીત બન્યો હતો. ‘જો એ મારા માટે પોતાના માતા-પિતાથી જુદો ન રહી શકે તો શું કરવાનું? એ તો માવડિયો રહ્યો અને રહેવાનો.’ આવી હૈયાવરાળ સાથે કૃપા હાથમાં લીધેલા પાનાઓમાં પોતાનું અતીત શોધી રહી હતી.
ગ્રેજ્યુએશનનાં અંતે એણે કેશવને કહ્યું હતું, ‘હું તારા માં-બાપ સાથે આ જૂની ઓરડીમાં ન રહી શકું. આપણે બંને ભાડે ઘર રાખીને અલગ રહીશું.’ કેશવના માં-બાપ શહેરની એક જૂની વસ્તીમાં એક નાની ઓરડીમાં રહેતા હતા. કેશવના પિતા સરકારી નોકરીમાં વર્ગ ૪ નાં કર્મચારી હતા. બંનેએ ખૂબ મહેનત કરીને કેશવને ભણાવ્યો હતો. પરંતુ કૃપા એમની સાથે રહેવા જરાય તૈયાર નહોતી. કેશવે પણ કૃપાની વાત સાંભળીને કહ્યું, ‘કૃપા, તું મારા માટે જીવન છે, તો મારા પેરેન્ટ્સ મારા શ્વાસ છે. હું એમને ક્યારેય ન છોડી શકું.’ ‘પણ આપણી પ્રાઈવસીનું શું? મારા સ્વપ્નાઓનું શું?’ કૃપાએ બેધડક તેને જવાબ આપ્યો. કેશવે તેને સમજાવતા કહ્યું પણ ખરું, ‘સ્વપ્નાઓ પોતાના માણસો સાથે રહીને સાકાર થઇ શકે, એમના વગર નહિ.’ પરંતુ કૃપા માટે ‘પોતાના’ની સીમા કેશવ સુધી જ હતી.
કેશવને ખુબ સમજાવવા છતાં પણ જ્યારે તે એક નો બે ન થયો ત્યારે તેણે તેને સાફ કહી દીધું, ‘કેશવ, તું મારા પ્રેમ માટે આટલું પણ ન કરી શકે તો મારે તારી જરૂર નથી. તું માવડિયો છે અને રહેવાનો. તું મને ક્યારેય સાચો પ્રેમ નહિ આપી શકે.’ કૃપા માટે ‘આટલું પણ’ એ ખુબ સામાન્ય વાત હતી, જ્યારે કેશવ માટે તો પોતાના શ્વાસ છોડવા જેટલું અઘરું હતું. તેણે કૃપાને સમજાવવાના ખુબ પ્રયત્ન કરી જોયા, પરંતુ તે તેના માતા-પિતાને સ્વીકારવા તૈયાર નહોતી. તેણે હવે તો કેશવના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. કેશવે એને એક બે વાર મળવાના પ્રયત્નો પણ કરી જોયા, પણ નિષ્ફળ નીવડ્યો. કૃપા તો ધીરે ધીરે કેશવને ભૂલી ચુકી હતી પરંતુ કેશવ હજીય એની સુંવાળી યાદો મનમાં ભરીને જીવતો હતો.
‘કેશવ પુરોહિત’ કોઈએ જોરથી બુમ મારી. તેના ઈન્ટરવ્યું નો સમય થઇ ગયો હતો. કેશવ વિચારોમાંથી બહાર આવીને રૂમમાં ગયો. તેના ગયા પછી કૃપા પણ હવે નોર્મલ થઇ ગઈ હતી. બધાના ઈન્ટરવ્યું પતી ગયા હતા. પોતે છેલ્લી હતી. કેશવ પછી હવે તેનો જ વારો હતો. પરંતુ ઘણા બધાને અંદરો-અંદર વાતો કરતા સાંભળ્યા હતા કે હવે એક જ વેકેન્સી બાકી હતી અને તેમાય કેશવ જેવો હોશિયાર કેન્ડીડેટ હવે અંદર હતો. નોકરી મળવાનો કોઈ ચાન્સ દેખાતો નહોતો. મનમાં ને મનમાં કેશવ પર ગુસ્સે થઇ, ‘એક તો જીવન બગાડ્યું ને અહી નોકરીની તક પણ બગાડવા આવ્યો છે.’ એને તો કેશવને બહાર આવતા વેંત સંભળાવી દેવાનું મન થયું, પરંતુ પોતાનું નામ બોલાતું સંભળાતા જ એ બધું ભૂલીને ઈન્ટરવ્યું માટેના વિચારોમાં પરોવાઈ ગઈ.
‘મેં આઈ કમ ઇન, સર?’ દરવાજા ટકોરા મારીને એણે પરવાનગી માંગી. બરાબર વચ્ચે બેઠેલા મોટી ઉંમરના સજ્જને કહ્યું, ‘પ્લીઝ, કમ ઇન.’ ‘ગુડ આફટર નૂન, સર’ તેણે વિનમ્રતા સાથે સામે બેઠેલી વ્યક્તિઓનું અભિવાદન કર્યું. પરંતુ સામેના પાંચેય વ્યક્તિઓ ‘ગુડ આફટર નૂન’ કહેવાને બદલે એક સાથે બોલી ઉઠ્યા ‘કોન્ગ્રેચ્યુલેશન’. કૃપા થોડીવાર તો મૂંઝાઈ ગઈ. જીજ્ઞાસા સાથે તે ઈન્ટરવ્યું ટીમ સામે જોઈ જ રહી. ત્યારે સામેથી જવાબ મળ્યો, ‘તમારી નોકરી પાકી થઇ ગઈ છે. તમે જાણો છો કે છેલ્લે હવે એક જ વેકેન્સી હતી. તમારી પહેલા આવેલ કેશવ ખુબ હોંશિયાર હતા, પરંતુ તેમણે તમારા માટે આ જગ્યા છોડી દીધી છે. એમનું કહેવું હતું કે તમે આ જોબ માટે સૌથી યોગ્ય વ્યક્તિ છો. તમે ખુબ નસીબદાર છો.’
કૃપા બે ઘડી તો વિચારમાં પડી ગઈ. મનમાં રહેલો આનંદ દરિયાના મોજાની જેમ હિલોળે ચડ્યો હતો. બીજી બાજુ હૃદયની ઉર્મીઓ કેશવ તરફ ખેંચાતી હતી. મનમાં બીજો કોઈ વિચાર આવે તે પહેલા જ કૃપા ખુરશી પરથી ઉભી થઈને દરવાજા તરફ દોડવા લાગી. તેના ખોળામાં રહેલી ફાઈલમાંના કાગળો પણ પ્રેમનું ગીત ગાતા રૂમમાં ઉડી રહ્યા. દોડતી વખતે તેનો દુપટ્ટો પણ પવનમાં લહેરાઈને ‘કેશવ, કેશવ’ બોલતો હોય તેમ ફરકવા લાગ્યો. તે ઘડીકમાં તો બહાર પહોંચી, પરંતુ કેશવ ન હતો. બહાર ઉભેલા ચોકીદારે તેના હાથમાં કાગળ આપતા કહ્યું, ‘હમણા નીકળ્યા એ ભાઈ આ કાગળ આપતા ગયા છે અને કહ્યું છે કે કેસરી દુપટ્ટા વાળી છોકરી રૂમમાંથી બહાર આવે ત્યારે એને આપજો.’
કૃપા એ કાગળ ઝૂંટવી લેતી હોય એમ - કાગળ તો નહિ પરંતુ આનંદ ઝૂંટવી લેતી હોય એમ- ખેંચી લઈ, ખોલીને વાંચવા લાગી. અંદર લખ્યું હતું, ‘અભિનંદન, કૃપા… તારી પ્રથમ જોબ માટે. હું તારા માટે આટલું તો કરી શકું છું. તારો જ કેશવ’ એની આંખો છલકાઈ ગઈ અને હોઠ કાગળ પર રહેલા શબ્દોને સ્પર્શી રહ્યા.