આત્મનિર્ભર
આત્મનિર્ભર


જમતાં ટેબલ પર મયંકે અમિતભાઈને યંત્રવત્ પૂછ્યું,"ખેતરમાં શેરડી જ છે ને?" બાપ-દિકરાના સૂકાતા સંબંધથી ચિંતિત મીતાબેન હંમેશા બળતાં રહેતાં, "મારા ઉછેરમાં ભૂલ થઈ છે કે શિસ્તના આગ્રહી પિતાનાં કારણે આમ છે."
મયંક નાનો હતો ત્યારે તેનો પીછો ન છોડતા અમિતભાઈને શું થયું કે નાની સરખી બોલાચાલીમાં મયંકને તેના પત્ની અને બાળકો સાથે ઘરમાંથી બહાર નીકળી જવા આદેશ આપી દીધો. અમિતભાઈ મયંક વગર જમવા ન બેસતા, અરે કહેતાં પણ ખરા કે તેનું મોઢું ન જોઉં તો મને ચેન નથી પડતું અને હવે તેની સાથે વાત કરવાનું પણ ટાળતાં હતાં. સાચી હકીકત હજી મીતાબેનને પણ ખબર ન હતી. જો કે મીતાબેને લાગણીના સ્ટંટ કરીને બંને બાપ-દિકરાને સામાન્ય વાતચીત કરતા તો કરી દીધા!
બાપદાદાની આટલી ખેતી છોડીને મયંકને શહેરમાં મિલની એક સામાન્ય નોકરીમાં જોડાવું પડ્યું. ઘણી વખત મિત્રોને કહેતો પણ, "મારા બાપા ઉપર જશે ત્યારે બધું લઈને જવાના છે." સામાન્ય પગારમાં શહેરમાં કુટુંબને પોષવાનું એટલે પાણીમાં મગર સાથે બાથ ભીડવા જેટલું અઘરું! મબલખ પાક ઉતરતો પણ ગામડેથી કોઈ દિવસ એક મણ દાણા લઈ જવા અમિતભાઈ મયંકને આગ્રહ ન કરતા. મીતાબેનનો જીવ બળતો, છાનુંમાનું મોકલવા વિચાર કરતા પણ અમિતભાઈના ગુસ્સા આગળ લાચાર બની જતાં.
આ વખતે તો દિકરો છ મહિના પછી આવ્યો એટલે મીતાબેને તેને ભાવતી રસ-રોટલી બનાવ્યા.
"આજે પણ તમે માંગીને લીધેલી રોટલી છાંડી!" મીતાબેન જાણે બધો દોષ અમીતભાઈ પર ઢોળીને બરાડ્યા.
"શું કરે છે બેટા? તારા પપ્પાની એંઠી રોટલી કેમ લે છે? તને બીજી ગરમ આપું છું." અમીતભાઈની થાળીમાંથી રોટલી લેતાં મયંકનો હાથ મીતાબેને પકડી લીધો.
"મમ્મી આ એ રોટલી છે જે વર્ષો પહેલાં મેં છાંડી હતી ને તું ખીજવાય નહીં એટલે પપ્પાએ મારી થાળીમાંથી લીધી હતી." અમિતભાઈ દિકરામાં આવેલા બદલાવને જોઈ રહ્યા.
"પપ્પા કાલે તમે કિશનકાકાને કહેતા હતાં તે મેં બધું સાંભળી લીધું છે. 'સુંદર ઘરેણાં ઘડવા માટે હથોડીએ નિષ્ઠુર થઈ સોના પર ઝીકાવું પડે છે.' હું અહીં બીજા છોકરાઓ સાથે આળસુ બની રખડતો ન થઈ જાઉં તે માટે મને તને અણબનાવનું બહાનું કાઢી ગામની બહાર જ મોકલી દીધો! પપ્પા હું આ વખતે તમારો આભાર માનવા આવ્યો છું. મારા કામથી ખુશ થઈને શેઠે તમારા આ નાપાક છોકરાને મેનેજર બનાવી દીધો છે." આંખનાં અશ્રુબિંદુઓએ ઉતાવળે નીકળી સૂકાંભઠ રણને લીલુંછમ કરી દીધું !
"સાવજના બચ્ચાએ સાવજ બનવા માટે, આત્મનિર્ભર થવા માટે મહેનત કરવી પડે, જાતે શિકાર કરવો પડે નહીં તો તેને બકરી ખાઈ જાય ! દિકરા તું મને સમજી શક્યો એનો આનંદ છે. મારું બધું તારું જ છે! હવે ગમે ત્યારે..." અમિતભાઈ બોલ્યે જતાં હતાં ને ધ્યાન ગયું કે લાકડી પર ટેકવાયેલા બે હાથ પર બીજા ચાર હાથ મૂકાઈ ગયા છે! સહમતી દર્શાવવા સ્તો!
કેટલાયે ખાડા ટેકરા કૂદાવીને આવેલું સ્નેહનું ઝરણું ખિલખિલાટ કરતું આગળ વહેવા માંડ્યું.