આત્મકથા
આત્મકથા


”લો કોફી પીઓ મિ.શાહ, પાંચ મિનિટનો બ્રેક લઇએ.”
“હા મેડમ, આમ પણ હવે તો બસ થોડું જ લખવાનું રહ્યું છે.”
ટોચની અભિનેત્રી રુપાકુમારીની આત્મકથા લખાઈ રહી હતી. મિડિયામાં આની અત્યંત આતુરતાપૂર્વક પ્રતિક્ષા થઈ રહી હતી.
અત્યાર સુધીની વાત સીધી હતી. રુપાકુમારી કેવી રીતે સંધર્ષ કરીને ટોચ પર પહોંચી, પોતાના ક્ષેત્રમાં રહેલી કૃત્રિમતા માટે પોતાની નફરત, પણ અચાનક રુપાકુમારીનાં રીતસર કદરુપો કહેવાય એવા શુધ્ધ મન-હ્રદયવાળા સ્ટ્રગલર રવિ પરાગ સાથેની સાવ ટૂંકી ઓળખાણ પછી બંનેનાં અનપેક્ષિત લગ્ન આખી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બની ગયાં હતાં.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતી મજાક છતાં બંનેની ખુશહાલ જિંદગી આ બધું સરસ રીતે આત્મકથામાં આલેખાઈ ગયું હતું.
બ્રેક પછી રુપાકુમારીએ ફરી લખાવવાનું શરુ કર્યું.
“આગળ લખો મિ.શાહ, હું વિધવા થઈ પછી તેને ચાહતી થઈ એવું નથી. પહેલેથી ચાહતી હતી અને ચાહતી રહીશ.”
ટાઇપ કરી રહેલા મિ.શાહની આંગળીઓ કી-બોર્ડ પર હલી ગઈ.
“મેડમ!”
“હા પરાગ જીવે છે. લગ્ન પછીનાં પાંચ વર્ષ મને પરાગે એવાં આપ્યાં કે જિંદગીની બધી બદસૂરતી વહી ગઈ પણ ધીરે ધીરે મારી સાદી થતી જતી જિંદગી સામે પરાગની કૃત્રિમ થતી જતી જિંદગી અથડાતી રહી. એણે જે દિવસે કોસ્મેટિક સર્જરી કરાવીને પોતાનો ચહેરો ખૂબસુરત બનાવ્યો.. અને મન બદસૂરત થતું ચાલ્યું.
બસ..
એ દિવસે હું વિધવા થઈ ગઈ. બદસૂરત મનવાળા પરાગની સધવા કરતાં બદસૂરત ચહેરાવાળા પરાગની વિધવા તરીકે હું વધુ ખુશ રહીશ. મેં લગ્ન કર્યાં હતાં એ પરાગ ક્યારનો મૃત્યુ પામ્યો છે.”
બાજુના રુમમાં પરાગના હાથમાં ગ્લાસ અનાયસે છલકાઈ ગયો.