આશાનો ટેકો
આશાનો ટેકો


ડાયનિંગ ટેબલ પર પર આજે કંઈ અલગ જ વાતાવરણ હતું. જમવામાં કાયમ નખરા કરતો ઋષિ કોઈ ફરિયાદ કે દલીલ વગર ચૂપચાપ જમી રહ્યો હતો.
"હવે ઋષિને ટિંડોરાનું શાક ભાવવા લાગ્યું છે. જોયું, પહેલીવારનું કેવું સફાચટ થઈ ગયું." નેહાએ હસતા નિખિલ તરફ જોઈ ઋષિની થાળી ભણી ઈશારો કર્યો.
"ના મને હજી નથી ભાવતું. આજે તો ખાઈ લીધું પણ હવે પછી નહીં ખાઉં."
"કેમ ભાઈ આજે કોઈ ખાસ દિવસ છે."
"મારી સ્કૂલમાંથી ચોથા અને પાંચમા ધોરણવાળાને તિથલના પ્રવાસે લઈ જવાના છે. મારે જવું છે." ફુગ્ગો ફૂટ્યો.
"હમ્મ હવે સમજાયું. પણ એ તો સ્કૂલના ક્યા શિક્ષકો જવાના છે એ જોઈને મોકલાય."
"કિશોરસાહેબ આવવાના છે અને મને જવું જ છે." કહેતો ઋષિ રૂમમાં ભરાઈ ગયો.
આખરે નેહા-નિખિલે ઋષિની જીદ આગળ નમતું જોખવું પડ્યું. ઋષિને તિથલના પ્રવાસે મોકલવાની તૈયારી શરૂ કરી દીધી.
આમ તો કિશોરભાઈ શિક્ષક તરીકે ઉત્તમ ઉપરાંત ઋષિને તેમની સાથે આત્મીયતા બંધાઈ ગઈ હતી. ભણવામાં હોશિયાર અને ચપળ દીકરા પાસે કંઈ કરાવવું હોય તો નેહા તેમના દ્વારા કહેવડાવતી. “મોટો થઈને શું બનીશ” એવું એક વાર પૂછ્યું તો ઋષિએ એમ કહ્યું હતું," કિશોરસાહેબ બનવું છે." ત્યારે બધાં હસી પડેલા.
વહેલી સવારે છ વાગ્યે નિર્ધારિત સમયે પ્રવાસની બસ ઉપડી. બાળકોના ચહેરા પરના ઉત્સાહ જોઈને મા-બાપ હરખાતા હતાં, આવતાં આપણા બાળકો જીવનોપયોગી ભાથું લઈને આવશે. જતાં રસ્તામાં ધરમપુરનું મ્યુઝિયમ, રાજમહેલ જોતા બપોર સુધીમાં તિથલ પહોંચ્યા. ઘુઘવતા સાગરને જોઈ બાળકો તેની સાથે મસ્તી કરવા આતુર બન્યાં. તપતા સૂરજના ડરથી કિશોરસાહેબે તેમને જમાડીને ઉખાણામાં સમય પસાર કર્યો.. ચાર વાગ્યા એટલે ખુલ્લાં આકાશ અને વિશાલ સાગરને સથવારે બધાં બાળકો કિનારે હાજર થઈ ગયાં.
બે તોફાની છોકરાઓનો ખાસ કિશોરસાહેબે હાથ પકડી રાખ્યો હતો. અચાનક એક મોટું મોજું આવતા નાનો ઋષિ રડવા લાગ્યો. કિશોરસાહેબ તરત તેની પાસે આવીને તેને ઊંચકી લીધો.
"બચાવો બચાવો" ની બૂમ સાંભળી ત્યારે ખ્યાલ આવ્યો કે પેલા બંને છોકરાઓમાંથી એક તણાવા માંડ્યો હતો. કિશોરસાહેબ ઋષિને કિનારે છોડીને દરિયા તરફ દોડ્યા. ચીચીયારીથી કિનારો ખલબલ થઈ ગયો. આખરે દરિયો તે છોકરાને ગળી ગયો અને સાહેબને પણ પાછા ન આવ્યા!
"ગુડ આફ્ટર નૂન સર" કોલેજના એક વિદ્યાર્થીનો અવાજ સાંભળી વલસાડની નામાંકિત કોલેજના પ્રોફેસર ઋષિ ચોંક્યા.
"દરિયો કોઈનું કંઈ રાખતો નથી. કિશોરસાહેબને પણ તે પાછા આપી દેશે. હે પ્રભુ, આ આશાનો ટેકો ન ઝૂંટવીશ.” કોઈ સૂકાં વાદળમાંથી એક ટીપું પડ્યું ને દિલને હેતથી ભીંજવી ગયું. ઋષિને આખી ઘટના રોજ તાદશ્ય થાય છે, વીસ વર્ષથી! તે ઘર તરફ વળ્યો, રોજની જેમ !