આરાધના છઠ્ઠુ નોરતું
આરાધના છઠ્ઠુ નોરતું
આરાધનાનો આજે છઠ્ઠો દિવસ થઈ ગયો આમ જ નવરાત્રીના દિવસો પસાર થવા લાગ્યા છે... આજનું છઠઠુ નોરતું શ્રી કાત્યાયની માતાજીનું છે.
" જેમનાં હસ્ત ઉજ્જવળ તલવાર (ચન્દ્રહાસ) થી શોભે છે તથા શ્રેષ્ઠ સિંહ જેમનું વાહન છે, તે અસુરસંહારિણી કાત્યાયની દુર્ગા દેવી સૌને મંગળ પ્રદાન કરે "
જેની ભક્તિ કરવાથી આત્માનો અંધકાર દૂર થાય છે એ સમગ્ર શક્તિ ને મારા અંનત કોટિ પ્રણામ.
દર્શન એટલે જોવું / દેખવું... સાચી અને સારી રીતે જે વસ્તુ જેવી છે એવી જ એને જોવી એનું નામ સમ્યગ દર્શન.... આપણે બધા દર્શન તો કરીએ છીએ પણ આપણા દર્શન ભાગ્યેજ સમ્યગ હોય છે કારણ કે આપણી આંખો પર માન્યતાઓ, પ્રતિબદ્ધ, પૂર્વાગ્રહો અને જડ વળગણોના ચશ્મા ચઢાવીને જ આપણે બધા જોતા હોઈએ છીએ ને? માટે તો સાચી સમજણ આપણે કેળવી શકતા નથી અને સાચા દર્શન થતાં જ નથી અને તેથી જ આપણે આ મંદિર ને પેલા મંદિર એમ ફેરા મારતા જ રહીએ છીએ માટે જ તો સાચી સમજણ કેળવી શકતા નથી... સાચી ભાવનાથી દર્શન કરનાર કશું જ ખોતો નથી જ્યારે ખોટી દ્રષ્ટિએ દર્શન કરનાર સર્વસ્વ ગુમાવી બેસે છે... માટે જ આત્માને શાંત અને સરળ રાખો જેમ કે શ્વેત વસ્ત્ર.. આમ પણ શ્વેત રંગ ઉપાસના માટે સૂચક ગણાય છે. શ્વેત રંગ સ્વસ્થતા માટે પણ સૂચક ગણાય છે.. અને શ્વેત રંગ સમજૂતી માટે સૂચક છે.. તો આવો મનની સ્વસ્થતા અને વિચારોની એકાગ્રતાથી નવરાત્રીમાં માતાજીની આરાધના કરીએ.. સમજણનો નાનકડો દીવો પણ જીવનખંડમા જલી ઉઠશે તો અંતર આનંદની અમીરાતથી ઉભરાવા માંડશે.
બોલો સર્વ દેવીની જય હો.