આપવીતી
આપવીતી
શહેરના વિશાળ સભાખંડમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી હતી ! કોઈના જન્મદિન, લગ્નદિન કે બીજી કોઈ પાર્ટીનું આયોજન ન’હોતું કરાયું. અહીં તો પીડિતો માટે દિલ ખોલીને હળવા થવાની, દુઃખોને દળી જીવનની સાચી ઉજાણીની વાતો કરવાની હતી !
“આપ સૌને જણાવી દઉં કે આ પીડિતોમાં દરેક વયના લોકો આવ્યા હતા. જીવનની ઢળતી સંધ્યાએ જ્યારે મારું શરીર કેન્સરગ્રસ્ત બન્યું ત્યારે પરિવારજનો દ્વારા તરછોડાયેલી તથા વૃદ્ધાશ્રમ દ્વારા અપનાવાયેલી હું પણ એ પીડિતાના લિસ્ટમાં ત્યાં હાજર હતી. મનમાં એક પ્રશ્ન હતો કે કોને પીડિતા કહી શકાય ? શું જેનું શરીર કોઈ રોગથી પીડાય છે એને ? કે પછી કોઈ મનથી પીડાય છે એને ?
ત્યાં ઉપસ્થિત લોકોનું નિરીક્ષણ ચાલુ કર્યું. કેટલાક લોકો શારીરિક રોગોથી પીડાતા હતા. તો કેટલાક માનસિક. પીડિતામાં સ્ત્રી, પુરુષ અને સમાજ દ્વારા તિરસ્કૃત થતી ત્રીજી જાતિનો પણ સમાવેશ થતો હતો.”
એક ખૂબ જ મોટી સેવાકીય સંસ્થા તથા મનોચિકિત્સકો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઘણા બધા સ્વૈચ્છિક રીતે તો વળી, કેટલાક અન્યના દબાણપૂર્વક આવ્યા હતા. પીડિતોએ સ્ટેજ પર જઈ પોતાના દુઃખો, પીડા અન્ય સમક્ષ વ્યક્ત કરવાના હતા !
કેટલીક બળાત્કારનો તેમજ એસિડ એટેકનો ભોગ બનેલી દીકરીઓએ આગળ આવી પોતાની પીડા તથા સમાજની માનસિકતા અંગેની વાતો કરી. તો વળી, કેટલીક દહેજ પ્રથાનો ભોગ બનનાર, છૂટાછેડા લીધેલી યુવતીઓએ પોતાની સંઘર્ષગાથા વર્ણવી. નારીના ઉપેક્ષિત પાત્ર ગણિકાઓએ પણ પોતાની વેદનાને વાચા આપી. કેટલાકને પત્નીથી તો વળી કોઈને પતિ, સાસુ, પુત્રવધુ, દીકરીથી ફરિયાદો હતી. પોતાના મનની વાતો જીવનમાં કરેલી ભૂલો, ગુસ્સો, પ્રેમ, બેવફાઈ વગેરે આમ જાહેરમાં રજુ કરવું હિંમત માંગી લે તેવું કાર્ય હતું. પરંતુ આટલા વર્ષોથી પીડાતા મનને અહીં બધાની વચ્ચે ઠાલવવાથી સૌને પોતાના દુઃખો ઓછા લાગ્યા. લોકો કન્ફેશન બોક્સની જેમ અહીં પોતાની વ્યથા બીજા આગળ તથા મનોચિકિત્સકો આગળ વર્ણવતા !
કાર્યક્રમ પૂર્ણાહુતિના અંતિમ ચરણમાં હતો. સ્ટેજ પર આ સેવાકીય સંસ્થા ચલાવનાર નિયતિમેડમ ઊભા થયા. લાલ રંગની સુંદર સાડી, વર્કવાળા કાળા બ્લાઉઝ સાથે એમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા ! વળી, શરીર પરના મોંઘા ઘરેણાં, ઊંચી સેન્ડલ, છુટા વાળ તેમની સુંદરતાની સાથેસાથે તેમની આર્થિક સ્થિતિ પણ દર્શાવી રહ્યા હતા. નિયતિબેને માઈક હાથમાં લીધો. “આપ સૌએ તમારી પીડાને શબ્દોમાં વર્ણવવાનો પ્રયાસ કર્યો. હવે મારો વારો આપવીતી કહેવાનો.” સભામંડપમાં ગણગણાટ ચાલુ થયો. આ તો પીડિતા માટેનો કાર્યક્રમ અને નિયતિ તો તન અને મનથી એકદમ સ્વસ્થ લાગે છે.
“હા..ય.. ! હું નિયતિ, માત્ર નિયતિ. હું મારી પાછળ બીજા કોઈનું નામ નથી જોડવા માંગતી. આ સફર છે મારી અને ખબર નહીં મારા જેવી કેટલી યુવતીઓની ?
મને બરાબર યાદ છે હું લગભગ છ વર્ષની હતી ત્યારે મારી માતાએ મને જણાવ્યું હતું કે હું એનું સંતાન નથી. નાના બાળકોને બહુ સમજ નથી હોતી એવી ગેરસમજ આપણને હોય છે પરંતુ એ કુમળી વયે પણ મારા હૃદયમાં ધ્રાસકો પડ્યો ! તો કોણ છે મારી માતા ? એમણે મને કેમ તરછોડી ? મારું નાનકડું મન ચકડોળે ચઢ્યું ! પછી તો હંમેશા જોયું કે મમ્મી ભાઈને જેટલો પ્રેમ કરે છે એટલો મને નથી કરતી. મારું બાળમન મા ના પ્રેમ માટે તરસતું. વર્ષો વીતતાં ગયા. મનને સમજાવ્યું કે મને છોડી જનાર કરતાં મને સાચવનાર આ સ્ત્રી મારી જનેતા કરતા ચઢિયાતી કહેવાય. હું ઘરના દરેક કાર્યોમાં મારી મમ્મીની મદદ કરતી. મારી મમ્મી મને ખૂબ જ વ્હાલી ! પણ મને ક્યાં ખબર હતી કે અનાથને સાચવનાર કદાચ મળે પણ પ્રેમ કરનાર ના મળે.
કિશોરાવસ્થામાંથી મેં જ્યારે યુવાનીમાં પગ મૂક્યો ત્યારે ખબર પડી કે યુવતીઓની સુરક્ષા માત્ર ઘરની બહાર જ નહીં પણ ઘરમાં પણ જરૂરી છે. કેટકેટલાં મારા સગા સંબંધીઓ મારા શરીર સાથે અડપલા કરતા. ત્રણ વખત તો કહેવાતા સ્વજનો દ્વારા બળાત્કારનો ભોગ પણ બની છું. પોતાના જ સગાં વિશે ફરિયાદ કરતા અને શારીરિક શોષણની વાતો કોઈને જણાવતા સ્ત્રી હંમેશા ડરે છે. આપણો સમાજ આવી પીડિતા સામે એ રીતે જુએ છે જાણે કે એ ઘટનાની ગુનેગાર એ સ્ત્રી પોતે હોય. શરીરની પીડાનો તો ક્યારેક અંત આવે પણ મનની પીડા કોને કહેવી ?”
નિયતિની સાથે સાથે ઓડિયન્સની આંખોમાં પણ આંસુ છલકાયાં ! નિયતિએ થોડી સ્વસ્થ થઈ.
“લગભગ હું ૧૯ વર્ષની હતી ત્યારે એક યુવકે મને કહ્યું, “નિયતિ હું તને ખૂબ જ પ્રેમ કરું છું. જો તું મારા પ્રેમને નહીં સ્વીકારે તો હું આત્મહત્યા કરી લઈશ.” હું થોડી ગભરાઈ. આટલા વર્ષોમાં મને કોઈ તરફથી પ્રેમની અનુભૂતિ નથી થઈ. ધીમેધીમે મારા વેરાન હૃદયમાં પ્રેમના બીજ રોપાયા. જિંદગી પહેલી વખત આટલી સુંદર લાગી. આખો દિવસ એના પ્રેમમાં, વિચારોમાં તથા એની સાથે લગ્ન કરવાના સપના જોવામાં પસાર થતો પરંતુ ઈશ્વરે નિયતિની નિયતિમાં કંઈ બીજું જ લખ્યું હતું. મારા પ્રેમીએ મને સપના બતાવી મારા સપના તોડ્યા. મને સમજાયું કે
“તારા વગર હું મરી જઈશ.” આ ડાયલોગ દરેક પ્રેમીનો કોમન હોય છે.
“સમય મારા આંસુ સાથે વહેતો ગયો. મમ્મી પપ્પાની ખુશી માટે મેં લગ્ન કર્યા. પતિનો પણ પ્રેમથી સ્વીકાર કરી લગ્નજીવનની અને મારા સુખી જીવનની શરૂઆત કરી. મનમાં વિશ્વાસ હતો કે હવે આ હૃદયને કોઈ પીડા નહીં મળે. પરંતુ મારી ખુશીઓનું આયુષ્ય પતંગિયાના જીવન જેટલું જ કદાચ હશે. જે ઘરમાં પુત્રવધૂ બનીને આવી હતી. ત્યાં હું એક નોકર બનીને રહી ગઈ. ઘરના તમામ સભ્યો કાંચિડાની જેમ રંગ બદલતા. જે ઘરને હું મારું ઘર સમજીને આવી હતી એ સાસરિયાનું હતું. એક સ્ત્રીનું ઘર ક્યાં ? જીવનના ૨૫ વર્ષે પણ સુખ જાણે મૃગજળની જેમ મારાથી દૂર ભાગતું હતું. માતા બનવું દુનિયાનું સૌથી મોટું સૌભાગ્ય ગણાય છે. મારા નશીબમાં તો ત્યાં પણ વાંઝીયાપણું હતું.
રાતો આંસુ સારવામાં જતી. મને લાગે છે પીડિતાનું સૌથી મોટું પ્રમાણ સભ્ય સમાજમાં જ જોવા મળે છે. જ્યાં સ્ત્રી ઘરેલુ હિંસાનો શિકાર બની, સ્મિતનું મહોરું પહેંરી, પોતાની જવાબદારી હૃદયપૂર્વક બજાવે છે.”
નિયતિની વાતો સાંભળી સૌને થયું કે સમાજમાં કેટલી બધી આવી નિયતિ હશે ?
નિયતિએ આગળ બોલવાનું શરૂ કર્યું. “જીવન આંટીઘૂંટીમાં ગૂંચવાયેલું હતું. પિયર તો મારું હતું જ નહીં અને છૂટાછેડા લઉં તો સમાજ શું કહેશે ? મન ડિપ્રેશન અનુભવતું. ઘણી વખત આત્મહત્યાના વિચારો આવતા.”
અચાનક લાઈફમાં યુ ટર્ન આવ્યો. એક પરિણીત પુરુષે મારી સાથે પ્રેમથી વાતો કરી અને હું એને પ્રેમ સમજી બેઠી માન, સન્માન, પ્રેમ એ જ તો મારી લાચારી હતી. મન એના તરફ ઢળવા લાગ્યું પણ પરિણીત થઈને પ્રેમ કરાય ? પણ પ્રેમ ક્યાં કરવાનો હોય છે પ્રેમ તો થઈ જાય છે ! થોડો સમય પ્રેમમાં જીવી. સોરી... ભ્રમમાં જીવી ! એ પુરુષને પણ માત્ર મારા શરીરમાં રસ હતો.
“હાય ! નાઈસ ડી. પી.”થી શરૂ થયેલી લવસ્ટોરીનો કરૂણ અંત આવ્યો. ફરી એકવાર આંસુ સાથે ખૂબ જ હિંમતપૂર્વક હૃદયના ટુકડા જોડ્યા. જીવનના મધ્ય ચરણમાં પહોંચી પરંતુ મારી પ્રેમની ખોજનો કે દુ:ખોનો અંત ના આવ્યો. પરંતુ હા આટલી ઠોકરો અને બલિદાનો બાદ જિંદગી મને જિંદગી જીવતા શીખવી ગઈ ! જીવનના આ તબક્કે મને સમજાયું કે નિયતિ તારી નિયતિ તારે જ લખવાની છે અને આજે તમારી સામે ઊભી છે હર ક્ષણ ખુશ રહેતી નિયતિ !
મિત્રો આજે એટલું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી તમે પીડિતા બન્યા રહેશો ત્યાં સુધી તમારા દુઃખોનો અંત નહીં આવે. આપણી ખુશીઓના માલિક આપણે જાતે બનીએ. પીડિતા એ નથી જે તનથી પીડાય છે પીડિતા એ પણ છે જે રોજ મનથી પીડાય છે. બસ જીવનનો ધ્યેય છે કે હવે કોઈ પીડિતા ના બને. તમે જ્યાં સુધી પીડિતા બન્યા રહેશો ત્યાં સુધી લોકો તમારા દુઃખોને ખરોચતા રહેશે. તો ચાલો, ભૂતકાળ ભૂલી ઉજ્જવળ ભવિષ્ય તરફ ડગ માંડીએ.”
નિયતિની વાતોને સૌ પીડિતાએ આંખોમાં એક નવી ચમક સાથે વધાવી લીધી.
બાળપણથી હડધૂત થયેલી નિયતિથી લઈને ઈન્ટરનેશનલ બિઝનેસ વુમન નિયતિ સુધીની સફર અઘરી ચોક્કસ હતી પણ અશક્ય નહીં.
