આપણો વિસામો
આપણો વિસામો
રમણીય પહાડોની વચ્ચે સુંદર મજાની જગ્યા પર 'આપણો વિસામો' નામનું, સરસ એક વિશાળ ઘર આવેલું હતું. એક ભાઈ ત્યાં બાગબાની કરતા હતાં, અને છોડવા ઉછેરતા હતાં. રમેશ અને તેની પત્ની ફરવા નીકળ્યા હતાં અચાનક તેમની નજર આ 'આપણો વિસામો' પર પડ્યું તેથી ત્યાં ઊભાં રહ્યાં અને પેલાભાઈ સાથે વાતે વળગ્યાં.
રમેશભાઈ- "કાકા, આ પહાડો પર આટલું સરસ ઘર કોણે બનાવ્યું ?"
ઓહો ! અરે ! આવો બેસો ! હું તમને બધું જણાવું. મારું નામ રામજીભાઈ છે. બેટા આ મારું નહીં પણ મારા જેવા તમામ વૃદ્ધોનું ઘર છે, એટલે 'આપણો વિસામો' છે.
જ્યારે હું નાનો હતો, ત્યારે મારા દાદા- દાદીને ખૂબ ગરીબીમાં, અને ઘરમાં બધાથી હડદૂત થતાં જોયા હતાં. ત્યાંથી નક્કી કર્યું હતું કે હું એક ઘર બનાવીશ અને તેમાં બધા વૃધ્ધોને રાખીશ, એટલે મેં સારી નોકરી કરી, મારા પત્ની બાળકોને આ વાત મેં પહેલાં જ કહી દીધી હતી, એમની ઈચ્છાથી જ્યારે મારી નોકરી પૂરી થઈ અને મારી સંસારિક જવાબદારી પણ પૂરી થઈ, એટલે રિટાયરમેન્ટના પૈસાથી ઘર બનાવ્યું અને હું અને મારી પત્ની અહીં રહેતા બીજા વૃદ્ધો સાથે આરામથી, આનંદપૂર્વક, હસી ખુશીના પળ વિતાવીએ છીએ. અમને અમારો આ પરિવાર ખૂબ જ ગમે છે. અહીંની ખૂલ્લી ચોખ્ખી, હવા પાણીથી બધાના શરીર સ્વસ્થ રહે છે. બધા સવારે ઊઠીને યોગા કરે, મારી પત્ની નાસ્તો બનાવી આપે તે બધા મળીને આનંદથી આરોગે, પ્રભુ ભજન ગાય, નિરાંતે વાંચે, કેરમ રમે, ટીવી જૂએ, બાગ બગીચાની સંભાળ કરે, હસી ખુશીની વાતો કરતા, રમતો રમતા આનંદથી જિંદગી પસાર કરીએ છીએ, બધા એમના જીવનની ખટમધુરી વાતો યાદ કરે છે. એકબીજાની બીમારીમાં સંભાળ કરે છે. પોતાનાથી થાય તેટલું કાર્ય સ્વેચ્છાએ કરે છે, અને સંપીને એક પરિવારની જેમ રહે છે. અમે અહીં બધા તહેવાર તથા બધાના બર્થડે યાદ કરીને અવનવી રીતે પણ સાદાઈથી ઉજવી આનંદ મેળવીએ છીએ. બધા જ એકબીજાની દવાની, બીમારી તથા પરેજીનો ખ્યાલ રાખી મદદ કરે છે.
બેટા ! આ બધાની અંદર મને મારા દાદા દાદી દેખાય છે, અને તેમના અંતરના આશિષ મળે છે, માટે આ ઘર મારું નથી. 'આપણો વિસામો' છે. મારુ અને મારી પત્નીનાં પેન્શનથી અમે આરામથી બધાને જમાડી શકીએ છીએ. તમે મારું કાર્ડ લેતા જજો અને જો તમારી આસપાસ કોઈ એવા વૃદ્ધ હોય તો તેમને અમારા પરિવારમાં જોડાવા માટે મોકલી દેજો.
રામજીભાઈની વાત સાંભળી મારું મસ્તક આપોઆપ તેમની સામે ઝૂકી ગયું, ધન્ય છે આવા માણસો જે પોતાની જીવનભરની કમાણીથી સરસ કાર્ય કરે છે, સાચે જ હજુ પૃથ્વી પર પુણ્યશાળી આત્માઓ છે. અમે પણ તે દિવસ બધાની સાથે વિતાવી અનેરો આનંદ મેળવી ઘર તરફ રવાના થયાં.
અંતર મનમાં આજે દિવ્ય વ્યક્તિ દર્શનનો અનેરો આનંદ થયો.
