આપણાથી નિમ્નવર્ગની દિવાળી
આપણાથી નિમ્નવર્ગની દિવાળી
આવી દિવાળી, આવી દિવાળીની બૂમો પાડતી નાનકડી ચીકુએ ઘરમાં પગ મૂકતાં જ ધમાચકડી મચાવી દીધી. લાડલી ચીકુ આવતા જ દાદાના ખોળામાં બેસીને કહેવા લાગી કે દાદાજી, "હું તો આ વખતે આકાશમાં ફૂટે એવા ફટાકડા લઈને આકાશમાં ફોડીને આકાશને પચરંગી બનાવીશ." મારે તો મોન્ટુના ઘરની જેમ જ હજારોની સંખ્યામાં દીવડા કરીને ઘરને પણ ઝગમગાવવું છે દાદાજી. દાદાજીએ હસીને કહ્યું,"હા બેટા, તું આજ નહીં માને એવું લાગે છે" કહીને બધા જ ખિલખિલાટ હસવા લાગ્યા. આજના જમાનામાં આવું ભલું ઘર જોવા પણ ના મળે એવી ખાનદાની મીઠાશ ઘરના બધા સભ્યોમાં હતી.
મોન્ટુ બાજુની જ શેરીમાં રહેતો હોવાથી બંને રોજ સાંજે સાથે રમતા. મોન્ટુ ભણવામાં થોડો નબળો હતો, જયારે ચીકુ તો અવ્વલ નંબરે જ હોય. મોન્ટુના મમ્મી ઘણીવાર ચીકુને ગણિતના દાખલા શીખવવા માટે ચીકુને પોતાના ઘરે બોલાવતા. નાનકડી ચીકુ બધાની લાડલી હતી. લાંબા કર્લી વાળ, પરીઓના દેશમાંથી જાણે કોઈ પરી નીચે ઉતરી આવી હોય એટલી નમણાશ, લટકતી ચાલ, વાતોડિયણ ચીકુની વાતની મીઠાશ જ જાણે સૌને મંત્રમુગ્ધ કરતી.
ચીકુના દાદા ગોવિંદભાઈ સરકારી સ્કૂલમાં માસ્ટર હતાં. નિવૃત્તિ બાદ પણ મફત સેવા સ્કુલમાં આપતા. તેમજ કોઈપણ બાળકોને ગમે ત્યારે કંઈપણ સવાલ હોય દાદા પાસે જ દોડી આવતા. આખા ગામમાં દાદાથી જ ઓળખાય. તેમનો દીકરો અંકુર બાજુના શહેરમાં બેન્કમાં ક્લાર્કની નોકરી કરતો. અંકુરના દાદીની તબિયત ખરાબ રહેતી હોવાથી હોસ્પિટલના ખર્ચા વધી જતાં. છતાં, અંકુર ઘરમાં પૈસાની ઉણપ વર્તાવા ના દેતો. મોંઘાદાટ ખર્ચા પરવડે એમ નહોતા. આમ છતાં ખાધે પીધે તેમજ માનસિક સૌ સ્વસ્થ હતાં. આમ, ગામમાં પૈસેટકે શાહુકાર તો નહીં પણ મોભાદાર ખોરડું ગણાતું.
ચીકુએ જ્યારથી મોન્ટુનું રોશનીથી ઝળહળતું ઘર જોયું ત્યારથી મનમાં કંઈક સવાલો કરી રહી હતી. કેમ મારાં મમ્મી આવું ઘર નહીં શણગારતી હોય !, કેમ મારાં નાના ભઈલા માટે શેરીમાં ચાલે એવી રિમોટવાળી મોટી કાર નહીં લાવી દેતા હોય !, કેમ અમે બીજાની જેમ કાર નથી લેતા !, નાનકડી ચીકુના મન પર આવા અનેક સવાલોએ તો કબ્જો જમાવ્યો. સાંજે પપ્પા આવતા જ કેવા લાગી કે, પપ્પા પપ્પા, મારા માટે મોટું કાર્ટન ભરીને ફટાકડા લેતા જ આવો, મોન્ટુના ઘરે છે એવા દીવડા પણ આજે જ લેતા આવો. મારે પણ મોન્ટુ જેવું ઘર શણગારવ
ું છે. એના જેવા જ ફટાકડા લેવા છે. ચીકુની જિદ સામે દાદાજી પણ ઘડીભર મૂંઝાયા. રડતી ચીકુ ને દાદાજી અગાસી પર ગયા. દાદાએ ચીકુને ખાટલા પર સુતા સુતા તારાઓનો ઝગમગાટ બતાવ્યો અને કહ્યું, બેટા ભગવાને આટલી સરસ રોશની તો આપી છે. જો હજુ ઘરને વધુ રોશની આપવી જ હોય તો આપણા સંસ્કારથી ઘરને શણગારીએ. મહેનતરૂપી દીવડાને સન્માનરૂપી તેલથી પ્રગટાવીએ. આકાશમાં તો ભગવાને ફટાકડા કરતા પણ વધુ સરસ લબુક ઝબુક તારલાઓથી આકાશને શણગાર્યું છે. ફટાકડા ફોડવાથી ધુમાડો થવાથી શુદ્ધ વાતાવરણ પ્રદુષિત થાય. તેમજ બેટા નાનપણમાં પૈસાનો ખોટો બગાડ કરવો પણ ના જોઈએ. કોઈના બંગલા જોઈને આપણા ઝૂંપડા બાળવા ના જોઈએ બેટા, તેમજ આ દેખાદેખીથી જ આપણું શાંત જીવન ડહોળાય છે. પૈસાનો સદઉપયોગ કરીને જરૂરિયાતમંદને ઉપયોગી થાય એવા કામ કરવા જોઈએ. તેથી જ આપણે એક કહેવત છે કે "શિયાળાનું છાણું ને નાનપણનું નાણું." નાનપણનું નાણું ઘડપણમાં કામ આવે બેટા.
નાનકડી ચીકુ દાદાની વાત સાંભળીને ખુશ થઈને કહ્યું કે દાદા મારે ફટાકડાના ધુમાડા નથી કરવા. દાદા હું પણ ખોટા કોઈ વેન નહીં કરું. દાદાની વાતો સાંભળીને રડતી ચીકુ શાંત થઈ ગઈ. દાદાને પણ હાશકારો થયો કે ચીકુ નાની છે તો એને આવી જ ભાષામાં સમજાવવી પડે. આપણે આંધળા ખર્ચા ના કરી શકીએ, " પછેડી હોય એવડી જ સોડ તણાય" એવું કહીને આ કુમળુ મગજ ના જ સમજત. થોડીવારમાં દાદા અને દીકરી બંને હસતા રમતા નીચે આવ્યા. પપ્પા તો ખુશ ચીકીને જોઈને જ સમજી ગયા કે મારી સમજદાર ચીકુ ભલે સમજી ગઈ પણ મારી લાડકીને હું મોન્ટુ જેટલાં ફટાકડા તો નહીં લાવી શકું, પણ હા ચીકુને ગમતી બીજી ઘણી ગિફ્ટ લાવીશ જેથી મારી ચીકુ ખુશ થઈ જાય.
ઘણા પરિવારોમાં આ દિવાળી પર સારા નવા કપડાં લેવાના પણ પૈસા ન હોય, ઘણાને માટીના કોડિયાનો દીવો કરવો પણ નસીબ ના હોય. ઘણા ઘરોમાં બાળકો આવા દેખાદેખીથી વેન કરે ત્યારે મા-બાપ મોટી મૂંઝવણમાં મૂકાય જાય છે. સગવડ ના હોવા છતાં બાળકોની જિદ આગળ પોતાના મોજશોખ તો નેવે મૂકી જ દે છે સાથે સાથે દેવું કરતા પણ અચકાતા નથી. સૌ પોતાનાથી બનતું બાળકો માટે કરવા હંમેશા તૈયાર જ હોય. "ભગવાનને ઘેર પણ દેર છે અંધેર નહીં." એ પણ "કીડીને કણ અને હાથીને મણ આપે જ છે." એવું વિચારીને સૌ પોતાના પરિવાર માટે દેવું કરતા પણ અચકાતા નથી.