Rajeshri Thumar (Youtuber)

Others

3.9  

Rajeshri Thumar (Youtuber)

Others

નવરાત્રી - નવધા ભક્તિ

નવરાત્રી - નવધા ભક્તિ

2 mins
201


નવલી નવરાત્રીમાં મા દુર્ગાના ભક્તો મા નવદુર્ગાનું પૂજન, અર્ચન તેમજ ઘરે ગરબાની સ્થાપના કરી નવ દિવસ-રાત અંખંડ ગરબો જલતો રાખે છે. આ નવેનવ દિવસ અલગ અલગ માતાજીનું પૂજન કરવામાં આવે છે. ઘણા ભક્તો નવ દિવસનો ઉપવાસ સાથે મા દુર્ગાની ઉપાસના કરે છે. આ નવ દિવસ સુધી મા દુર્ગાએ અસત્ય સામે લડીને નારીને અબળા સમજનારની મનોસ્થિતિ ભાંગીને સત્યનો વિજય મેળવ્યો હતો. જે દિવસે વિજય થયો તેને આપણે વિજયાદસમી તરીકે ઉજવીએ છીએ. નવરાત્રી વર્ષમાં ચાર વાર આવે છે. ચૈત્રી નવરાત્રી, અષાઢી (ગુપ્ત)નવરાત્રી, આસો નવરાત્રી અને પોષ નવરાત્રી. પાંચમી નવરાત્રી જે મહા મહિને આવે છે તેને વૈકલ્પિક નવરાત્રી પણ કહેવાય છે.

બંગાળમાં દુર્ગાપૂજાનું ખાસ મહત્વ જોવા મળે છે તેવી જ રીતે ગુજરાતમાં મા અંબા, બહુચરાની સ્તુતિ થાય છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે નવરાત્રીની ઉજવણી જ થઈ શકી નથી. હા, ગયા વર્ષે શેરી ગરબાની ઓછા માણસો સાથે છૂટ મળી હતી. તો પણ ખેલૈયાઓ મન ભરીને ગરબે રમ્યા હતાં. આ વર્ષે ગુજરાતીઓ તડામાર તૈયારીઓ હોંશે હોંશે કરી રહ્યા છે, તેમજ રાતને રંગીન બનાવવા ઝળહળતી રોશનીઓ ઠેર ઠેર લગાવેલી જોવા મળી રહી છે. મા અંબેના ગરબા લાઉડ સ્પીકરના માધ્યમથી ગવાતા હોય ત્યારે વાતાવરણ ખુબ જ ભક્તિમય બની જાય છે. આ ગરબાના તાલે નાના ભૂલકાઓ હોય કે મોટાઓ સૌ કોઈ ઝૂમી ઊઠે છે.

આજકાલ, અર્વાચીન ગરબાનું ચલણ ખુબ વધી રહ્યું છે. માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો પણ હાથમાં દાંડિયા લઈને ઢોલના તાલે રાસ રમતા જોવા મળે છે. પહેલા તો ગામેગામના ચોકમાં નાની નાની બાળાઓ માથે ગરબો લઈ ગરબે રમતી જોવા મળતી. એ ઘણું ખરું અલિપ્ત થતું જોવા મળી રહ્યું છે. હવે તો ઠેર ઠેર પાર્ટી પ્લોટના મેદાનોમાં યુવક અને યુવતીઓ રંગબેરંગી કેડિયા અને ચણિયાચોળી પહેરી દોઢિયાં લેતા જોવા મળે છે. મોટા શહેરોમાં તો નવરાત્રીએ માઝા મૂકી છે. આજના નવયુવાનો છડેચોક ડિસ્કો ડાન્સના સ્વરૂપે ગરબા ખેલતા જોવા મળે છે. આ નવ દિવસ યુવાનોને ખુલ્લેઆમ ગરબા ખેલવાના નામ પર બહાર રખડપટી કરવાની પરમિશન ઘરેથી જ મળતી હોય છે. જો ઘરે આ પરમિશન ના મળે તો કોલજીયનો નિતનવા પેંતરા રચીને પણ જાય છે. આ છૂટછાટના આડમ્બરમાં જ યુવતીઓ જોડે પ્રેમના નામે છળકપટ કરી યુવતીઓને ફસાવતા પણ જોવા મળે છે.

આ નવરાત્રીનો મતલબ એ જ છે કે નવ દિવસ મા શક્તિની ઉપાસના અને આરાધના કરીને ઘર તેમજ ગામને પણ ભક્તિમય બનાવીએ. મનમાં ખરાબ વિચારો, છળકપટ, ઈર્ષા છોડીને માનવ કલ્યાણના કામો કરીએ. આપણે આપણા પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા ફિલ્મી ગીતો પર નૃત્ય કરવા કરતા મા આદ્ય શક્તિના ગુજરાતી ગરબે જ ઝૂમીએ.

સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા: |

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુ:ખ ભાગ્યવેત્ |


Rate this content
Log in