મહિલા દિવસની ઊજવણી
મહિલા દિવસની ઊજવણી
"ચમક ઉઠી સન સતાવન કી વહ તલવાર પુરાની થી, ખુબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી."
આજે 8 માર્ચે મહિલા દિવસ છે. તો આજે આપણે ઘણી એવી શૂરવીર મહિલાઓને યાદ કરીએ. અને એમની જેમ જ કાયરનો કોશેટો તોડી બહાર સફળતા અને સિદ્ધિ હાસિલ કરવા એક મોટી છલાંગ લગાવીએ.
ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ જ આગવું સ્થાન આપવામાં આવ્યું છે. "નારી તું નારાયણી" અને એમ પણ ઉલ્લેખ છે કે જે ઘરમાં નારીનું માન સન્માન કરવામાં આવતું હોય ત્યાં ખુદ ભગવાન આવીને નિવાસ કરે છે. ભગવાનને પણ જન્મ દેનારી એક નારી જ છે. આખા વિશ્વ જેના દમ પર ચાલે એ જન્મદાતા પબ એક નારી જ છે.
મધ્યકાલીન સમયે મહિલાને "ભોગની વસ્તુ" સમજીને પુરૂષ તેના પર જોહુકમી ચલાવતો. સ્ત્રી પ્રત્યે ખુબ જ સંકુચિત માનસ ધરાવતો હતો. પરંતુ હવે જમાનો જ બદલાઈ ગયો છે. સરકાર પણ મહિલાઓ માટે ખાસ આગળ વધવા માટે ઘણી જોગવાઈઓ કરી રહી છે. મહિલા માત્ર ઘરના કામ કાજ માટે જ નહિ પણ પોતે ઘરની બહાર નીકળીને પોતાની બુધ્ધિમતાથી ઘણી આગળ વધી શકે તે માટેના ઘણા સારા પ્રયત્નો પણ કરી રહ્યા છે.
ભૂતકાળમાં પણ આપણે ડોકિયું કરીએ તો દેશને આઝાદ કરવામાં પણ ઘણી મહિલાઓએ પોતાનો ભાગ ભજવેલો. રાજનીતિ હોય કે પોલીસ ડીપાર્ટમેન્ટ કે પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય, કે પછી રમતગમત હોય, બધે જ મહિલાઓએ પોતાનું આગવું સ્થાન પોતાના દમ પર જ બનાવ્યું છે.
આ ન્યૂ એરામાં તો મહિલાઓએ પણ દેશને ઉજ્જવળ બનાવવા માટે દોટ મૂકી છે. કોઈપણ વિભાગમાં જોશો તો તમને એક મહિલા તો સારા
પદ પર જોવા મળશે જ. મહિલાઓમાં શક્તિ તો પહેલા પણ હતી. આમ છતાં મહિલાને બહાર કામ કરવા માટે સ્વતંત્રતા નહોતી. પુરુષ પાસેથી પરમિશન લેવી પડતી. આજે તે ખુદ ડિસિઝન પણ લઈ શકે છે. તેમજ આ માટે સ્વતંત્રતાના હકો પણ પોતે મેળવી લીધા છે.
સાથે સાથે નવા ભારતના નિર્માણમાં મહિલાઓ માટે શું વધુ કરી શકીએ તેના પર પણ વિચાર કરવો જોઈએ. ઘણી જગ્યાએ હજુ મહીલાઓ સલામત નથી. કામનું ક્ષેત્ર હોય કે કોલેજ, દરેક સ્ત્રીને સલામતી આપવી એ આપણી નૈતિક ફરજ છે.
ઘરમાં એક નારીના પણ ઘણા કિરદાર છે. જીવનમાં પહેલો કિરદાર દીકરી તરીકે પપ્પાના ઘરે જ ચાલુ થાય છે. દીકરીના વિવાહ થાય ત્યારે સાસરે એક પત્ની તરીકે કિરદાર. સ્ત્રીને પોતાનું ધર મૂકીને પારકા ઘરની જવાબદારી સંભાળવાની, બાળકો, પતિ અને ઘર બધાનું ધ્યાન રાખવાનું, જે માત્ર એક નારી જ કરી શકે જેનામાં અતુટ સહનશકિત ભરેલી છે. પછી ચાલુ થાય એક મા નો કિરદાર. જે હંમેશા દુઃખને પણ પી જાય છે. ભગવાને પણ એટલે જ એક મા ની રચના કરી હશે કેમ કે "જ્યાં હું ના પહોંચી શકું ત્યાં ઘેર ઘેર એક મા પહોંચી શકશે." ભગવાનના તોલે પણ ના આવે એ આપણી જનેતા છે.
પણ હવે સમય આવી ગયો છે કે બધી મહિલાઓએ પોતે જ પોતાના જીવનમાં કંઇક સ્થાન બનાવવું. પોતાના હુન્નરને બહાર કાઢીને સમાજને અને દેશને કામ આવી શકે એવા કર્મો કરવા. અને એકતા બનાવી રાખવી અને વધુ લોકોને મદદ થાય તેવા પ્રયત્નો કરવા. પોતાને ગમતા કોઈપણ કાર્યો કરીને ઘરને પણ ઉપયોગી થવું તેમજ પોતાની જાતને ચાર દિવાલમાં કેદ ના કરવી.