આંસુનો હિસાબ
આંસુનો હિસાબ


દાદી’સા મા નાં આંસુ લૂછતાં આશ્વાસન આપી રહ્યાં હતાં. એ જોઈ યુવાનીના ઉંબરે ડગ માંડીને ઉભેલા સૂરજસિંહે પૂછ્યું,
“મા તુ કિકર રોવે હૈ?”
દાદી’સાએ પણ ભીની આંખ લૂછીને જવાબ આપ્યો,
“ઊંટારી દૌડમેં થારા બાપુ’સા ગુમ હોઈ ગયા થા. ઊણ સમે તુ ટાબર હો. થારા બાપુ’સા વાસ્તે વો દૌડ ઊણ સમે જીવન-મૃત્યુરો પ્રશ્ન થો.”
વર્ષો પહેલાં દરેક ગામના જાગીરદાર માટે અત્યંત પ્રતિષ્ઠિત કહેવાતી ઊંટદોડમાં જીતવાના મક્કમ નિર્ણય સાથે કરમસિંહ ઊંટ પર સવાર થયા પણ બાજુના કસ્બાના જાગીરદારની મેલી મુરાદ અને કાવાદાવા સાથે કરમસિંહના ઊંટને વચ્ચેથી અલગ દિશામાં વાળીને દિશાહીન કરી દેવામાં આવ્યું. અને....
એ પળથી એમના માથે કાયરનો સિક્કો વાગી ગયો. એ નાલેશી કરમસિંહ સહન ન કરી શક્યા અને એક રાત્રે એ રણની સફેદ ચાદર ઓઢીને ગાયબ થઈ ગયા.
બસ, ફરી એ જ ઊંટદોડમાં હિસ્સો લઇને પિતાના અપમાનનો બદલો લેવા સૂરજસિંહ તૈયાર થઈ ગયો હતો.
રંગબેરંગી પતાકાઓથી શોભતા પંડાલમાં કતારબંધ પાણીદાર ઊંટમાંથી એક ઊંટ પર દોડ માટે તૈયાર એવા જ પાણીદાર સૂરજસિંહના દિમાગ પર દાદી’સાનાં વાક્યો હથોડાની જેમ વાગી રહ્યા હતાં.
તુતી અને નગારાંના જોરદાર રણકાર સાથે ઊંટદોડ શરુ થઈ. દરેક ઊંટના અસવારને એના સાથીઓના શોરબકોરનું પ્રોત્સાહન અજબ જોશ પ્રેરી રહ્યું હતું.
આ બધા હલ્લાગુલ્લા વચ્ચે અચાનક સૂરજસિંહનું ઊંટ ખુન્નસથી બે બાજુ દોરી બાંધેલી સરહદની પાર પંડાલમાં બેઠેલા મુખિયા તરફ ધસી ગયું અને એને પછાડીને ફરી ઝનૂનભેર ઊંટને વીળીને સૂરજસિંહ સહુથી આગળ રેખા પાર કરી ગયો.
ટ્રોફી અને પરંપરાગત પાઘ લઇને ઘેર પાછા ફરેલા સૂરજસિંહે મા ને કહ્યું,
“અબે થારે રોવણ રી જરુરત કો ની. અબે સામણેવાળા રોવેલા.”
એ જ સફેદ રેતીના ગોટેગોટામાં દૂર ઝાડીઓમાંથી બે આંખ સંતોષથી ટાબરને નિહાળી રહી હતી. કદાચ કરમસિંહને પોતાની વાપસીનો રસ્તો મળી ગયો હતો.