આંસુ
આંસુ


જયારે મોટાભાઈનો ફોન આવ્યો ત્યારે હું બહુ જ ખુશ હતી. મને હતું જ કે દર વર્ષની જેમ મોટાભાઈનો ફોન આવશે જ કે તું રાખડી બાંધવા આવજે. મેં તો કહી દીધું કે મેં તો બુકિંગ કરાવી દીધું છે. આમ પણ તહેવારોમાં કેટલી બધી ભીડ હોય છે. હું તો વહેલી સવારે નીકળી ને નવ વાગ્યા સુધી આવી જઈશ.
પણ હમેશા કંઈ આપણું ધાર્યું ન થાય. તે રાત્રે હું પથારીમાંથી ઉઠીને ચક્કર આવ્યા. હું પડી ગઈ અને પગે ફેકચર થઈ ગયું. બીજા દિવસે વહેલી સવારે હું જવાની હતી ભાઈ ને રાખડી બાંધવા.
ઘણી વખત શારીરિક પીડા કરતાં માનસિક પીડા વધુ થતી હોય છે. દવાઓ ને કારણે દુઃખાવો તો થતો ન હતો. પરંતુ ભાઈ ને રાખડી બાંધવા નહીં જવાનું દુઃખ વધુ હતું. બીજા દિવસે તો હું બહુ જ રડતી હતી. બધા ને લાગતું હતું કે મને દુખાવો થાય છે. મારા પતિ મારી બાજુમાં આવીને બેઠા ત્યારે મારી નજર એમની બહેને બાંધેલી રાખડી ઊપર પડી. અને હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મને મારો ભાઈ બહુ જ યાદ આવી ગયો. મારા આંસુ વહે જતા હતા. હું કેમેય કરી ને છાની રહેતી ન હતી.
ત્યાં જ મારા પતિ મારી સામે જોઈ હસતા હસતા બોલ્યા, "જો તો ખરી કોણ આવ્યું છે? " દરવાજા આગળ મારો ભાઈ ઊભો હતો એને જોતાં જ હું એકદમ ખુશ થઈ ગઈ. તે વખતે પણ મારી આંખમાં આંસુ હતા પણ હરખના. હું ભાઈને બાઝી પડી. અમે બંને ભાઈ બહેન એકબીજાની સામું જોઈ હસી રહ્યા હતા. હકીકતમાં મારા પતિએજ રાત્રે ફોન કરી ને સમાચાર આપેલા ને કહેલું કે આ વખતે તમે આવો. હું તો રડતાં રડતાં પણ ભાઈ ને જોઈ ને હસી ઊઠી.
ત્યારે મારા પતિ એ કહ્યું કે, "હું તારી આંખમાં આંસુ જોવા માંગુ છું પણ એ આંસુ હર્ષના હોવા જોઈએ. જેમ આજે તું રડતાં રડતાં હસી ઊઠી અને આંખમાંથી હર્ષના આંસુ વહ્યાં. " ને હું રડતાં રડતાં હસી પડી.