આનંદનો આવિષ્કાર
આનંદનો આવિષ્કાર


પિન્કી, બેટા તારા ટીવી નું વોલ્યુમ જરા ધીમું કરતો.જો દાદી પૂજા કરે છે ને? આટલા અવાજમાં ભગવાન નું નામ કેમ લેવાય? વસુધા એ પોતાની પૌત્રી ને બૂમ પાડી ને કહ્યું. સવારથીજ ગોરંભાયેલા આકાશની જેમ વસુધાનું મન પણ ઉદાસ હતું. કંઇ ગમતું ન હતું એટલેજ પૂજામાં મન પરોવીને શાંત થવા મથતી હતી.
વસુધા..એક જાજરમાન વ્યક્તિત્વની સ્વામિની, કુટુંબ ના કેન્દ્રબિંદુ સમ વ્યક્તિ. પરણીને આવી ત્યારથી આખા ઘરને સંભાળી લીધેલ. સાથે એક સ્કૂલ માં જોબ કરી પોતાની જાતને એણે સમાંતર પ્રવાહોથી હંમેશા સજ્જ રાખી હતી.
હવે પોતે નિવૃત છે, સંતાનો પોતાના સંસારમાં સ્થિર છે,પતિ ધંધામાં મશગૂલ છે. હવે એની પાસે ફૂરસદ જ ફૂરસદ છે. પણ હમણાંથી એને કંઈ ગમતું નથી. શરીર પણ નરમ ગરમ રહેવાથી એ હતોત્સાહ રહે છે. એટલેજ આજે એની સખી નયના એ ફોન પર એમની સાથે બદ્રીનાથ અને વેલી ઓફ ફલાવર આવવા આગ્રહ કર્યો ત્યારે એણે ના પાડી કે હવે મારાથી કઠીન મુસાફરી ન જ થાય. ખેર...આજે તો ભગવાન ના સાંનિધ્યમાં પણ શાંતિ નહીં મળે એવું લાગતા એણે પૂજા સમેટી લીધી.
ત્યાં તો અચાનક મોસમનો પહેલો વરસાદ તૂટી પડ્યો. જોરદાર હેલી ને પવન ના ઝપાટા. જલદી જલદી દોડી એણે ઘરનાં બારી બારણા વાસવા માંડયા , કયાંક વાછંટથી એને શરદી સળેખમ ન થઇ જાય!! એણે નાની પિન્કી ને મદદમાં આવવા બૂમ પાડી પણ પિન્કી કયાં? એ તો પણે આંગણામાં આનંદ થી ભીંજાતી બૂમો પાડે છે. વસુધા ને ફાળ પડી, પિન્કી બિમાર પડશે તો? એને ઘરમાં પાછી લાવવા દોડી પણ પિન્કી જેનું નામ! એણે તો વસુધા ના હાથ પકડી એના હાથમાં કાગળ ની હોડી પકડાવી દીધી. દાદી મેં આ હોડી બનાવી છે..તું જ એને તરતી મૂક. પિન્કી નું મન રાખવા ને પછીથી જલદી ઘરમાં જવાય એટલે વસુધા એ હોડી તરાવી.ને આ શું?હોડી આગળ વહેવા ને બદલે પાછળ ગઇ કે શું? વસુધા નું મન પચાસ વર્ષ પહેલાં ના સમયમાં સરકી ગયું..વરસાદ મા નાચતી કુદતી- ગામની ભરચક નદીમાં ધૂબાકા મારતી- વનવગડામા રખડતી- પ્રકૃતિના સાનિંધ્યમાં આનંદમય થઇ જતી વસુધા પાસે એ પહોંચી ગઇ...અવશ્ય પણે પિન્કીના હાથમાં રહેલ પ્લાસ્ટીકની થેલીમાંથી બીજી ત્રીજી એમ એક પછી એક હોડી ઓ લઇ એ તરાવવા લાગી. પિન્કી તો નાચતી કુદતી રહી એની સાથે સાથે એ પણ કયારે નાચવા ગાવા માંડી ખબર જ ન રહી. વરસાદની હેલીમાં એનું શરીર જ નહીં, મન આત્મા પણ જાણે ભીંજાઈ સ્વચ્છ થઇ ગયાં.
ઘણીવારે ઘરમાં આવી પોતાના ને પિન્કીનાં કપડાં બદલતા એને અહેસાસ થયો કે એની ઉદાસી એની વ્યગ્રતા તો કયાંય ગાયબ થઇ ગયા છે...
એણે તરતજ નયના ને ફોન જોડ્યો " હલ્લો નયના, મને લાગે છે હું તમારી સાથે ચાલીને વેલી ઓફ ફલાવર જરુર આવી શકીશ..હું આજથી જ પ્રેક્ટિસ શરૂ કરી દઇશ "
નયના એ હસતાં હસતાં પૂછ્યું " લે તને આવું જ્ઞાન આવી પ્રેરણા કયાંથી મળ્યા? વસુધા બોલી " પ્રેરણા ફક્ત ભારેખમ પુસ્તકો કે સફળ વ્યક્તિ જ થોડી આપી શકે? મારી પ્રેરણાદાયી તો છે મારી નાનકડી પૌત્રી જેના બાળસહજ ઉત્સાહ, કુતૂહલતા અને શંકારહિત હ્રદયે જ મને સમજાવ્યું કે આ જ તો છે જીવનની અનુભૂતિ જીવંત રાખવાની જડીબુટ્ટી.