Nayana Charaniya

Tragedy Inspirational

4.3  

Nayana Charaniya

Tragedy Inspirational

આંખોની ભાષા

આંખોની ભાષા

2 mins
285


આજ લાલ અને પીળા વસ્ત્રોમાં સજ્જ નેહા ખૂબ સુંદર લાગી રહી હતી. આમ પણ લગ્નનો બીજો દિવસ હતો એટલે ચહેરા પર ચમક તો હતી પણ એ સાથે સાથે ક્યાંક થાક પણ વર્તાઈ રહ્યો હતો. આ થાક હતો જ્યાં બાળપણ વિતાવ્યું હતું એ ઘરને છોડવાનો ! જે દીવાલો સાથે અનેક વાતો કરેલ એ દીવાલો સાથે હવે અબોલા લેવા પડ્યા હતાં કારણ કે હવે બીજા ઘરની દીવાલો સાથે સંબંધો બાંધવા હતાં ! એ ઓશીકું જે હંમેશા રાત્રિનો સાથી બન્યું હતું સુખ દુઃખના દિવસો સાથે ક્યાંક એ પણ હસ્યું- રડ્યું હતું ! એ ગામની શેરીઓ જ્યાં સખીઓ સાથે મળીને કઈ કેટલીય રમતો રમી અને રિસામણા મનામણાં કર્યા હતાં આજ જાણે વિદાય વેળાએ એ બધાની સાથે આંખો વડે વાતચીત છેલ્લી થયેલી જેમાં આંખોની ભાષા કહેલું હવે મારે બીજી શેરીઓ સાથે સંબંધો બાંધવા અને હવે સખીઓ નહિ પણ સાસરું સાચવવું હવે મારે રમતો નહિ પણ દરેક નવા સંબંધો શિખવા અને સાચવવા ! 

     રોજ કંઈ કેટલુંય કહ્યા વિના મારી આંખો અને ચહેરાના ભાવથી સમજી જતી મા પાસેથી હવે મને પણ શીખવું પડશે અન્યોની આંખોની ભાષા સમજવી ! એવું વિચારતા જ સવારે સૂરજ નીકળે એ પહેલાં ઊઠી જવું એવું રાત્રે સાસુએ કહેલ વાત યાદ આવી. ફટાફટ ઊઠી અને નહાવા ગઈ. હંમેશા ગરમ પાણીએ નહાવાની ટેવ હતી આજ ઠંડા પાણીથી નહાવું મેળ ન પડ્યો ! પણ હવે બધું જ બદલવાનું હતું ! ત્યાં સાસુનો ટહુકો સંભળાયો : "વહું બેટા ઉઠ્યા ? કૂવેથી પાણી ભરવા જવું રહ્યું આ સામે કંકુ માસીની વહું ઊભી જો તારી રાહ જોઈ. "

" એ હા મા આવી." 

મા શબ્દની સાથે એને કોઈ અલગ મૂર્તિ દેખાઈ જે પાણીનો ગ્લાસ પણ હાથમાં આપતી પણ કહેતી : ' સાસરે કૂવેથી પાણી ભરવા જવું પડશે ત્યારે યાદ આવીશ ! " 

  આંખોમાં ઝળઝળિયા આવી ગયા પણ ઝટ ઘડો લઈ માથે ઓઢી નીકળી કુવે પાણી ભરવા. એને હતું કે આમ તો પહેલો દિવસ એટલે કદાચ ઘરનાં ઉંબરે પગ બહાર નહિ કાઢવાનો હોય પણ આ બધાં વિચારો એક એક કરીને નવા વિચારોની અસર તળે દબાઈ જવા લાગ્યા ! એની આંખોમાં જે સવાલો હતાં એ જાણે એની રાહ જોઈ રહેલ કંકુની વહુએ ભાળ્યા પણ કોઈ પ્રશ્ન ન કર્યો ન કોઈ જવાબ ! 

 બંને વચ્ચે થોડી વાત થઈ ત્યાં કૂવે પહોંચી તો એણે અનેક નેહા જોઈ જેમની આંખોની ભાષા સમજવી એના માટે સરળ હતી ! કારણ કે એને દરેકની આંખોમાં એ સપના જોયા જેને ભૂલી હવે નવા જ સપનાઓ જોવાના હતાં પણ કોઈ બીજાની આંખોએ ! અહી એને કોઈ અલગ ન લાગ્યું બધામાં તે પોતાને જોઈ શકી તો વાતો ન થાય છતાં અનેક વાતો માત્ર આંખોથી થઈ ! હવે આ કૂવો જાણે એના માટે પોતીકો થઈ ગયો જ્યાં એને કેટલીય આંખો વાંચી શકતી અને કેટલીય આંખોને તે ! અહી કોઈ અજાણ્યું ન લાગતું !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy