JHANVI KANABAR

Tragedy Inspirational Others

4  

JHANVI KANABAR

Tragedy Inspirational Others

આંગળિયાત

આંગળિયાત

7 mins
459


ઠનનનનનન અવાજ આવતા સ્નેહાનું ધ્યાન ગગડતા વાટકા તરફ ગયું. નાનકડી નેહાએ મમરા ખાઈ, રસોડામાં નીચે મુકેલો વાટકો સ્નેહાના સાસુના ઠેબે આવ્યો. અત્યારે સ્નેહાને પોતાનું જીવન આ ગગડતા વાટકા જેવું લાગી રહ્યું હતું. આ છેડેથી સાસરિયાઓના ઠેબે ચડી હતી તો પેલે છેડે પિયરિયાના ઠેબે. એના જીવનની દિશા અસ્તવ્યસ્ત થઈ ગઈ હોય એવું લાગતું હતું. આંખમાં બાઝેલા મોતીને અને ગળે બાઝેલો ડૂમો હવે એકાંત માંગી રહ્યું હતું. સ્મિતા ત્રણ વર્ષની નેહાને ઉંચકી અને પોતાના રૂમમાં ચાલી ગઈ. નેહાને પલંગ પર સુવાડી પોતે ઓસીકાને મો પર દાબી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. હાર્દિક સાથેનું પાંચ વર્ષનું સુખદ લગ્નજીવન વાગોળતા તેને શાંતિ અનુભવાતી હતી તો થોડીકજ વારમાં એ સ્મરણોમાંથી બહાર આવતા ભાંગી પડતી. સમયને પકડી તો શકાતો નથી પણ એ સમયે જીવેલું જીવન સ્મૃતિ સ્વરૂપે આપણને ફરી જીવવાની તક આપી શકે છે. સ્નેહા આવી તક છોડતી નહિ અને આમ જ રૂમમાં આવી એ સમયને ફરી જીવવાના પ્રયત્ન કરતી. એમાંય આ સમય તો બહુ દૂર ગયો પણ નહોતો. હજુ એક મહિના પહેલા જ તો હાર્દિકે કહ્યું હતું કે, `સ્નેહા ! મારે કંઈક કામથી જામનગર જવાનું છે તો તારા માટે ત્યાંની ફેમસ બાંધણીની સાડી લઈ આવુ ? તારા વોર્ડરોબમાં જોઈને કહે કે, કયો કલર નથી ? એ જ લાવું.’

સ્નેહાએ પણ હાર્દિકના ગળા ફરતે હાથ વીંટાળી કહ્યું હતું કે, `ડાર્લિંગ ! મારા વોર્ડરોબમાં જે પણ ડ્રેસીસ કે સાડી છે એ તમે જ લાવ્યા છો, તો તમે જ તમારા ચોઈસની કોઈપણ કલરની લઈ આવજો. એમ પણ તમારી ચોઈસ સુપર્બ છે !’ સ્નેહાએ હાર્દિકને અરીસા તરફ ખેંચી પોતાનું પ્રતિબિંબ બતાવ્યું.

હાર્દિકે સ્નેહાની કમર ફરતે હાથ વીંટાળી પોતાના ગાલ સ્નેહાના ગાલ સાથે ટકરાવતા આલિંગન આપ્યું. સ્નેહાની બંધ આંખોમાં એ દ્રશ્ય દેખાયું અને તેના હાથ હાર્દિકના ગળા તરફ આગળ વધે છે ત્યાં તો સ્વપ્ન તૂટી જાય છે અને ફરી સ્નેહાની આંખમાંથી દળ દળ આંસુ ટપકવા લાગે છે.

`સ્નેહા ! ઓ સ્નેહા ! બહાર આવો. તમારા મમ્મીપપ્પા આવ્યા છે તમને લેવા.’ સાસુમાનો કર્કશ અવાજ આવતા જ સ્નેહા થોડી સ્વસ્થ થઈ અને બારણું ખોલ્યું. પલંગ પર સૂતેલી નેહાને ઓઢાડી તે બહાર આવી. મમ્મીને જોતાં જ સ્નેહા તેમને વળગી રડવા લાગી. જ્યારથી હાર્દિક તેને છોડીને ચાલ્યો ગયો ત્યારથી જ્યારે પણ મમ્મીને મળતી, આમ જ તેને વળગીને આક્રંદ કરતી. સ્નેહાના મમ્મીપપ્પાએ તેને શાંત કરી. સ્નેહાનો સામાન સ્નેહાના પપ્પાએ ગાડીમાં ગોઠવ્યો. સ્નેહા સાસુમાને પગે લાગી, સૂતેલી નેહાને ખભે નાખી કારમાં બેઠી. સ્નેહાનો સામાન ગાડીમાં ગોઠવાઈ ગયો. સ્નેહા નેહા સાથે તેના મમ્મી પપ્પાને ઘરે થોડા સમય માટે રોકાવા આવી ગઈ. સ્નેહાનું હૈયુ હવે માના ખોળામાં માથુ નાખી ખૂબ રડવા અને હળવું થવા ઉતાવળું થઈ રહ્યું હતું. એ પળ પણ આવી ગઈ. મા-દીકરી ખૂબ રડ્યા. આમ ને આમ દિવસો વીતવા લાગ્યા. સ્નેહાના મામા, માસી, કાકા, ફોઈ વારાફરતી ખરખરો કરવા આવતા અને નાની ઉંમરે આવી પડેલા દુઃખ પર અફસોસ કરતાં. આમ ને આમ પંદરેક દિવસ વીતી ગયા.

સ્નેહાના પપ્પા દુકાનેથી ઘરે આવ્યા અને સ્નેહાના મમ્મી સાથે કંઈક ગુસપુસ કરી. રાતનું ભોજન લીધા બાદ સ્નેહાને તેના મમ્મી પપ્પાએ એક ફોટો અને બાયોડેટા દેખાડ્યો. સ્નેહા બધુ જ સમજી રહી હતી.

`બેટા ! એકલા એકલા આવડું જીવન ન નીકળે.. તારુ નહિ તો નેહાનું તો વિચાર ! અમે તો કેટલા દિવસ ? આ છોકરો ડિવોર્સી છે પણ સારો છે, ભણેલો છે. મમ્મી-પપ્પા અને એક નાના ભાઈ સાથે રહે છે. મલ્ટીનેશનલ કંપનીમાં જોબ છે.’ સ્નેહાની મમ્મીએ સમજાવતા કહ્યું.

`પણ ! પણ મમ્મી ! મારા હ્રદયમાં હાર્દિકનું જે સ્થાન છે એ કોઈને નહિ આપી શકું. પ્લીઝ મમ્મી !’ સ્નેહા પોતાની જાતને માંડ માંડ સ્વસ્થ કરતાં બોલી.

`બેટા ! તારા સાસરિયાઓના વર્તનથી તો સાફ ખબર પડે છે કે, તેઓ તને અને નેહાને બોજ સમજે છે. હાર્દિકના ગયા પછી એમનું તારા તરફનું વર્તન સાવ બદલાઈ ગયું છે. એક-બે વાર તો મારી સામે જ તને અભાગણી કહી દીધી હતી. નેહાની જગ્યાએ જો તને દીકરો હોત તો તું તેમને બોજ ન લાગત, પણ તારી દીકરી અને તારાથી એ જાણે કે છૂટકારો ઈચ્છતા હોય તેવું લાગે છે.’ નેહાના પપ્પાએ દુઃખી સ્વરે કહ્યું.

`કાશ પપ્પા તમે પણ મને ભણવા દીધી હોત.. બારમાં ધોરણમાં એસી ટકા આવ્યા છતાં પણ કોલેજ ન કરવા દીધી અને મારા માટે ઠેકાણા શોધવા માંડ્યા હતા. અઢાર વર્ષે મને પરણાવી દીધી. તમે પણ મને ત્યારે બોજ જ સમજી હતી ને ? આજે જો હું પગભર હોત તો તમને પણ બોજ ન લાગત !’ સ્નેહા મનોમન બબડી.

`તારા પપ્પા આવતા વર્ષે રિટાયર્ડ થઈ જશે. પેંશન પર આ ઘરખર્ચ, નેહાનો ઉછેર… ક્યાં સુધી આ બધુ ચલાવશું ? સમજ તો આપણા બધા માટે સારુ છે.’ નીચી આંખે સ્નેહાના મમ્મી પોતાની વ્યથા કહી રહ્યા હતા.

સ્નેહાના મમ્મી અને પપ્પા એક હારી ગયેલ સિપાહીની જેમ જાણે કે હથિયાર નીચે મૂકીને લાચાર નજરે સ્નેહાના ઉત્તર માટે તેની સામુ જોઈ રહ્યા હતા.

આખરે સ્નેહાએ મા-બાપની મજબૂરી સામે નમતુ જોખ્યું. સ્નેહાના મા-બાપે સ્નેહાના સાસુ-સસરા સાથે આ વિશે વાત કરી. તેમને તો જાણે કંઈ જ પડી નહોતી એમ જવાબ આપ્યો કે, `તમારી દીકરી છે. જે કરવું હોય તે કરો. અમે કોઈ જ જવાબદારી લઈશું નહી.’

અહીં “જવાબદારી” શબ્દનો અર્થ “નેહા” થતો હતો. સ્નેહા બીજે લગ્ન ભલે કરે પણ નેહા નામની જવાબદારી સાથે લઈ જાય. અમે તેને પાળવા માટે તૈયાર નથી.

સ્નેહાએ પુનઃ લગ્ન માટે 'હા' પાડી પણ `દીકરી નેહાથી અલગ રહેશે નહિ’ એ શરત મૂકી. સામે પક્ષે શરત માન્ય રખાઈ અને સ્નેહાના હિમાંશુ સાથે સાદાઈથી લગ્ન કરવામાં આવ્યા. નેહા “આંગળિયાત” બની મા સાથે ગઈ. પહેલી જ રાતે નેહાને માથી અલગ સૂવા માટે હિમાંશુની મમ્મીએ સમજાવી. નવી જગ્યાએ સ્નેહા જાણે કે પોતાને લાચાર અનુભવતી હતી. તેણે કમને સંમતિ તો આપી પણ નેહા રડવા લાગી અને મમ્મી સાથે સૂવાની જીદ કરવા લાગી. આ જોઈ હિમાંશુનું મોં ફરી ગયું. સ્નેહાએ વિનંતીભરી નજરથી હિમાંશુના મમ્મી તરફ જોયું. હિમાંશુના મમ્મીએ ન ગમવા છતા સંમતિ આપી. આમ ને આમ એક અઠવાડિયુ વીતી ગયું. સ્નેહા ઘરના લોકોને અને ઘરના વાતાવરણને અનુકૂળ થવા લાગી હતી પણ ત્રણ વર્ષની નેહાને આ બધુ અપનાવતા વાર લાગી રહી હતી. ઘરમાં બધાએ સ્નેહાને તો અપનાવી લીધી હતી પણ તેની દીકરી નેહા જાણે કે બધાને ખૂંચતી. સ્નેહાને ઘણીવાર નેહાની અવહેલના થતી એ દેખાઈ આવતું. મનોમન તે ખૂબ જ દુઃખી થતી, પણ શું કરે ? નેહાના સારા ઉછેર માટે તેણે બધુ જ સહન કરવાનું જ વ્યાજબી ગણ્યું. દિવસો વીતતા હતા. એક વાર નેહાથી ડાઈનીંગ ટેબલ પર હિમાંશુ માટે મુકેલી ચા ઢોળાઈ ગઈ. ઢોળાઈ ગયેલી ચા જોઈ હિમાંશુનો પારો ગયો અને તેણે નાનકડી નેહા પર હાથ ઊગામ્યો. સ્નેહા દોડતી આવી અને તેણે હિમાંશુનો હાથ પકડી લીધો. નાનકડી નેહાના હાથ પર ચા પડી હોવાથી તે દાઝી હતી. સ્નેહાએ તેને ઠંડા પાણીથી હાથ ધોવડાવ્યા, દવા લગાવી અને છાતી સરસી ચાંપી રડવા લાગી.

`અમે કંઈ એના દુશ્મન નથી. હિમાંશુની પણ દીકરી છે એ. તે એને બાપનો દરજ્જો આપ્યો છે તો શું એ તેને કંઈ કહી ના શકે ? એમાં આટલી ઉશ્કેરાઈ શેની જાય છે ?’ હિમાંશુના મમ્મીએ હિમાંશુનો પક્ષ તાણતા સ્નેહાને સંભળાવ્યું.

`બાપનો દરજ્જો આપ્યો એ વાત સાચી, પણ જો હિમાંશુ તેને દીકરી માનતો હોય તો માત્ર ઢોળાયેલી ચા જ દેખાઈ ? તેનો દાઝેલો હાથ ન દેખાયો ? હું કેટલાય દિવસથી જોઉં છું કે નેહા સાથે બધાનું વર્તન કેવું છે ?’ સ્નેહાએ રડતા રડતા કહ્યું.

`હા, તો સાંભળી લે, જો આ ઘરમાં તારે ને તારી દીકરીને સ્થાન જોઈતું હોય તો અમને આ ઘરનો વારસ દે.. જો પછી તને કેટલું માન સન્માન મળે છે !’ હિમાંશુના મમ્મીએ રસોડામાં જઈ હાથમાંનો વાટકો પછાડતા કહ્યું.

વાટકો દળ દળ કરતો હિમાંશુના પગના ઠેબે આવ્યો. વળી સ્નેહાની નજર એ ઠેબા ખાતા વાટકા પર ગઈ. ઠેબા તો જાણે તેના જીવનનો હિસ્સો બની ગયા હતા.

`જ્યાં જુઓ ત્યાં દીકરો દીકરો દીકરો.... જો મેં દીકરો જણ્યો હોત તો બધે માન-સન્માન મળે. દીકરી જણી તો બોજ ગણે ! નથી રહેવું મારે એવી જગ્યાએ જ્યાં મારી દીકરીનું કે મારુ માન ન જળવાય.’ કહી સ્નેહાએ પોતે પહેરેલા સાસરિયા તરફના તમામ દાગીના કાઢી ટેબલ પર મૂકી દીધા. રૂમમાં જઈ બેગ પેક કરી અને નેહાને લઈ નીકળી ગઈ. હિમાંશુના મમ્મી-પપ્પા અવાક્ થઈ સ્નેહાને જતી જોઈ રહ્યા.

સ્નેહા તેના મમ્મી પપ્પા પાસે ગઈ અને તેને પોતાની પરિસ્થિતિ કહી. સ્નેહાના મમ્મી-પપ્પા દીકરીની આવી દશા જોઈ દુઃખી થયા પણ હવે તેમની પાસે સ્નેહાને આધાર આપવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. સ્નેહાએ પણ આ શહેર છોડી ક્યાંક દૂર સ્થાયી થઈ, સ્વતંત્ર જીવન જીવવાનું અને નેહાને એકલે હાથે ઉછેરવાનું નક્કી કર્યું. તેની પાસે હવે માત્ર તેના પિયરથી મળેલ ચાર સોનાની બંગડી, એક સોનાનો ચેન અને બે સોનાની વીંટી તથા બુટ્ટી હતી. સ્નેહાએ નેહાને અઠવાડિયા માટે પોતાના મમ્મી-પપ્પા પાસે મૂકી અને પોતાની પાસે રહેલુ સ્ત્રી ધન વેચી બરોડા ગઈ. ત્યાં તેની બચપણની સહેલી નિહારિકાની મદદથી એક ઘર ભાડે લીધું અને બરોડાની એક કોલેજમાં એડમિશન લીધું. નેહાને પણ મમ્મી પપ્પા પાસેથી બોલાવી લીધી અને તેને ભણવા મૂકી. ધીમે ધીમે તેણે ઘરમાં જ ટ્યુશન લેવા માંડ્યા અને થોડી ઘણી આવક ઊભી કરી દીધી. થોડા જ દિવસમાં તેનું જીવન ગોઠવાઈ ગયું. તેણે યુપી.એસ.સીની પરીક્ષા પાસ કરી અને ગવર્મેન્ટ જોબ મેળવી. નેહા પણ સમજણી થવા લાગી અને મમ્મીમાં જ પોતાના પિતાની છાયા જોવા લાગી.

આજ એ વાતને આઠ વર્ષ વીતી ગયા હતા. રસોડામાં નીચે પડેલો વાટકા પર નજર જતાં જ સ્નેહાએ તેને ઉઠાવ્યો અને તેની જગ્યાએ મૂક્યો. ઠેબા વગરનું સ્થાયી, શાંત અને સન્માનનીય જીવન જીવવાનો અધિકાર તેણે સમાજની વિચારધારા સામે લડીને લીધો.

મિત્રો ! હું પુનઃવિવાહની વિરુદ્ધમાં નથી, પરંતુ વિવાહનો હેતુ સાથે જીવવાનો અને સુખદુઃખમાં સાથે રહેવાનો હોવો જોઈએ. નહિ કે, સ્ત્રીનો પુરુષ પર આર્થિક આધાર કે સ્ત્રીનો એકલતા પ્રત્યે ડર હોવો...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy