આંધળાની આંખોથી !
આંધળાની આંખોથી !
“અરે ! તમે તો આંખનું ઓપરેશન કરાવ્યું હતું ને?”
“હા.”
“જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તમારી આંખનું ઓપરેશન સફળ પણ રહ્યું હતું.”
“હા.”
“તો પછી આ આંખે પાછા કાળા ચશ્માં કેમ! અને આ હાથમાં લાકડી?”
“મેં મારી આંખો એક જરૂરિયાતમંદને દાન કરી દીધી.”
“નેત્રદાન કર્યા? એ પણ જીવતેજીવ! પણ કેમ?”
“દોસ્ત! આંખો મળતા મારી આંખો ખુલી. અરે! કલ્પનામાં જોઈ હતી તેવી હકીકતમાં આ સૃષ્ટિ નહોતી. માનવીઓના પાપે આજે નદીઓ છે પ્રદુષિત. જળ છે દુષિત. પહાડો છે વૃક્ષોથી વંચિત. અંતરીક્ષ છે ધુમાડા મિશ્રિત. જંગલો! અરે! હવે એ પણ થઈ રહ્યા સંક્ષિપ્ત. મેં નહોતી વિચારી મારી કલ્પનામાં આવી સૃષ્ટિ. ના જરાયે નહીં.. આવી સૃષ્ટિ મારાથી નહોતી જોવાતી. વળી મારી કલ્પનાઓ પણ મારાથી નહોતી ભુલાતી. હૃદયમાં અપાર પીડા મને થતી. આખરે જીવતેજીવ કરી નેત્રદાન થયો હું પ્રફુલ્લિત. હવે હું મસ્ત છું કલ્પનામાં મારી. એ જો લીલા ડુંગરની લીલોતરી. એ જો નભમાં ઉડતા પંખી મસ્તીથી. એ જો. એ જો. આ આંધળાની આંખોથી!”