Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Varsha Vora

Tragedy Others


4.5  

Varsha Vora

Tragedy Others


આંચકો

આંચકો

9 mins 244 9 mins 244

રીટા અને મીતા બે બેહેનો, એક ભાઈ અજય. બધા પરણીને પોતાના જીવનમાં ઠરીઠામ થઈ ગયેલા. રીટા મોટી. એને બે સંતાન અને એના પતિ અને સાસુ સસરા સાથે સુખેથી રહેતી હતી.

મીતા -એને ૧ વર્ષના બે જોડિયા સંતાન અને સાથે સાસુ સસરા અને એના પતિ. એ પણ ભર્યા ભાદર્યાં કુટુંબમાં સુખેથી રહેતી. પણ આખો દિવસ બીઝી રહેતી. એમાં એક દિવસ એના સાસુને અચાનક લકવો માર્યો એટલે એ પથારીવશ થઈ ગયા. મીતા ખુબ મૂંઝાઈ ગઈ પણ ધીમે ધીમે બધું થાળે પડી ગયું. સસરા અને એનો વર બંને સાથે બિઝનેસમાં એટલે ઘરમાં બધી જવાબદારી એના પર જ, પણ સુખી કુટુંબમા એટલે રસોઈયા અને કામવાળાઓના સાથથી એને બહુ વાંધો ન આવતો. એ બધું પહોંચી વળતી.

એનો ભાઈ અજય પણ સંયુક્ત કુટુંબમાં એટલે મુંબઈ જેવા શહેરમાં કઈ મળી ના શકાય પણ ફોન થી એકબીજામાં સંપર્કમાં તો રહેવાય જ.

મીતાનો વર - મીતેનને ધંધા માટે વિદેશ જવાનું રહેતું પણ પાડોશીઓને હિસાબે મીતાને એકલું ના લાગે. અને મીતેન પણ ૩-૪ દિવસ માટે જ જતો એટલે ચાલે. પાડોશ પણ સારો. વાડકી વહેવારનો ઘરોબો. એટલે બાજુવાળા માસી દિવસમાં બે વાર આવીને એના બે ટાબરિયાઓની અને એના સાસુની ખબર લઈ જાય. ત્યારે મીતાને જાણે એની માઁ આવીને મળી જતા હોય ને, એવું લાગે.

કહે છેને કે બધું સમુસુતરું કાયમ તો ન જ રહે. થોડા થોડા સમાચાર સાંભળવા મળતા હતા. બહારથી , કે કઈંક અજુગતું બની રહ્યું છે. દુનિયામાં કંઈક વિચિત્ર અને ચેપી રોગચાળો ફેલાઈ રહ્યો છે. સ્કૂલો બંધ કરશે કદાચ. મીતાના છોકરાઓ નાના હતા એટલે એને બહારની બહુ ખબર નહિ પણ એના બહેન અને એના ફ્રેન્ડ્સ પાસેથી એને માહિતી મળવા માંડી હતી. એના સસરા દુકાનેથી ઘરે આવી ગયા હતા. પણ એનો વર મીતેન હોંગકોંગ ગયો હતો. ૪ દિવસ માટે. એની બધાને ખુબ ચિંતા હતી. અને અચાનક સંપૂર્ણ લોકડાઉન આવી ગયું. પુરા દેશમાં. બધુજ બંધ. દુકાનો -ધંધાઓ , ફેરીવાળા , શાળાઓ, થીએટર વગેરે. ટ્રેન, ફ્લાઈટ, ગાડીઓ , રીક્ષાઓ, ટેક્ષીઓ બધું જ એટલે કહોને કે બધુજ. ગતિ થંભી ગઈ જાણે. અને માત્ર વાહન વહેવાર જ નહિ, જીવનની ગતિ પણ થંભી ગઈ જાણે. હજુ તો સમજતા અને કળ વળતા જ એને આંચકો લાગ્યો. મીતેન --- માય ગોડ, મીતેન કેવી રીતે પાછો આવશે? એની સાથે એના ત્રણ ફ્રેન્ડ્સ પણ છે. બધાની પત્નીઓને ફાળ પડી. હોંગકોંગમાં ચારેય વેપારીઓ સાથે છે એટલે આમ થોડી ધરપત હતી પણ આવે સમયે તો સૌ સૌના ઘરમાં હોય એનાથી વધુ સલામત શું હોઈ શકે?

આ બાજુ મીતેન પણ પરેશાન. મીતા એકલી શું કરશે? મમ્મી પથારીમાં, છોકરાઓ નાના અને પપ્પા પણ જવાન તો નથીજ. હા, થોડો ઘણો અને પાડોશી પર ભરોસો હતો. પણ સંપૂર્ણ લોકડાઉનની જયારે એને ખબર પડી અને એની અસરો સાંભળવા મળી ત્યારે એના તો હાંજા જ ગગડી ગયા. અરે બાપરે -- અત્યારે તો મારા ફેમિલીને મારી સખત જરૂરત છે. આ તો બધા ભરાઈ પડ્યા. કોઇકોઇને મદદકારી શકે એમ જ નથી. એક માત્ર સહારો છે એ ફોન અને ઇન્ટરનેટનો. ટી. વી ના સમાચારમાંથી બધું જાણવા મળે છે. હવે શું થશે?

આમ ને આમ થોડા દિવસ પસાર થયા અને સરકારોને પણ કંઈક પરિવારો છુટા પડી ગયેલા એવો અંદાજ આવ્યો અને એનાથી થઈ રહેલી અગવડો સમજાઈ એટલે સંપૂર્ણ બોડી ચેક અપ પછી સ્વસ્થ લોકોને હોમ કન્ટ્રીમા જવાની છૂટ આપવાનું નક્કી થયું. અને ફેમિલી રી -યુનિયન માટે ફ્લાઈટ ચાલુ કરી. અલબત્ત સ્વ ખર્ચે. પણ તોયે બધા તૈયાર થઈ ગયા. કારણકે આટલા દિવસની દુરીથી દરેક બંદાને એ ખબર પડી ગઈ હતી કે પૈસા કમાવાની આંધળી દોટ માં એ લોકો શું ગુમાવી રહ્યા હતા. પણ જે પહેલાં પ્રત્યક્ષ નહોતું એટલે એની કોઈ તમા નહોતી.

મીતેન અને એના બે વેપારી મિત્રો નસીબદાર નીકળ્યા. માત્ર એકને જવાની છૂટ ના મળી પણ એને એટલો સંતોષ થયો કે ચાલો, આજે નહિ તો ચૌદ દિવસ પછી પણ જવા તો મળશેજ ને.જે મળે એ પહેલી ફ્લાઈટમાં, જેટલા પૈસા થાય એ, પણ હવે આટલે દૂર, એકલા, અને એ પણ આ પરિસ્થિતિમાં ના રહેવાય. એમનું હેલ્થ ચેક અપ થઈ ગયું અને એમને ઘરે જવાની છૂટ મળી. હા - પણ અમુક શરતો પાળવી પડશે. મોઢા પર માસ્ક, શરીરે પર પીપીઈ કીટ, અને હાથમાં સેનિટાઇઝર -- અને પોતાના દેશ ગયા પછી પણ ૧૪ દિવસ એક હોટેલ માં આઇસોલેટ થવાનું. એ પણ પોતાના ખર્ચે. પણ આ બધું મંજુર હતું. આટલા દિવસની એકલતાએ બધાની હેકડી કાઢી નાખી હતી. સંજોગો એટલા વિચિત્ર હતા અને આગળ કઈ ઈલાજ પણ દેખાતો ન હતો એટલે મીતેને વિચાર્યું એક વાર મારા દેશમાં પહોંચી જવું પછી મારે ઘરે જતા વાર નહિ લાગે.

પોતાનો દેશ- પોતાનું શહેર અને પોતાનું ઘર,કદાચ અને પહેલાં એટલું વહાલું અને આત્મીય નહિ લાગેલું. કારણકે ઘરને ઘર સમજનારા લોકો ઓછા હતા. --- ઘર એ તો ચાર દીવાલો અને એક છત સાથેનો એકમાત્ર કાયમી વિસામો હતો. દુનિયા તો સૌની બહાર જ હતી. દેખાદેખી અને ચડસાચડસીની હરીફાઈમાં ક્યારેય શાંતિનો શ્વાસ લેવા જ નોહ્તો મળ્યો. દીવાલો અને છત ની હૂંફ શું છે એ આ વર્ષે, માનવ જાતી ના એક અજાણ્યા શત્રુએ સૌને એક ચપટીમાં શીખવાડી દીધેલું. હજુય ન સમજાયું હોય તો પૂછો આ રસ્તા પર રહેતા બેઘર લોકોને કે ઘર એટલે શું?

એરપોર્ટ થી નજીકની હોટેલમાં ૧૪ દીવસ કાઢ્યા પછી, મીતેન ઘરે જવા બેબાકળો થઈ ગયો હતો. એને બધાની ચિંતા હતી પણ મીતા એકલી આ સંજોગોનો સામનો કેવી રીતે કરતી હશે એનો એને સૌથી મોટો ભય હતો. એ કઈ કરી શકે એમ નોહ્તો પણ ફોન થી અને વિડિઓ કોલથી સધિયારો આપતો.

પોતે બે બે કારનો માલિક હોવા છતાં એણે ઘરે પહોંચવા ઉબર બોલાવવી પડી. ઉબર ડ્રાઈવરે મીતેન નું ટેમ્પરેચર માપ્યું. મીતેન ને ઘૃણા ઉપજી. એક સામાન્ય ડ્રાઈવર, કંઈ ડૉક્ટર તો નોહ્તો જ, પણ અત્યારે જયારે આખી દુનિયા ઉપરતળે થઈ રહી હતી ત્યારે અમુક ના, ગમતી ન કલ્પેલી પ્રવૃત્તિ પણ નીચે નાકે સ્વીકારવી પડતી હતી. હા, ઉબરમાં એણે સેફ્ટી માટે પ્લાસ્ટિકનું આવરણ લગાડ્યું હતું. જે પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવાના કાયદાઓ બન્યા હતા અને જરૂર પૂરતુંજ પ્લાસ્ટિક વાપરવું અને એનો યોગ્ય નિકાલ કરવાની સલાહ આપવામાં આવતી હતી એ જ પ્લાસ્ટિક અત્યારે રક્ષણ આપવા માટે શ્રેષ્ઠ ઉપાય હતો.

પોતાનું સદા ગાજતું શહેર, રસ્તાઓ અને બિલ્ડીંગ બધું સુમસામ જોયા પછી એને ખુબ જ આંચકો લાગ્યો હતો. ઘરે પહોંચ્યા પછી મીતેને બધાને હેમખેમ જોયા એટલે એના હૈયે ટાઢક વળી. પણ મીતા -- મીતા તો મીતેનને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી જ પડી - કહોને કે લગભગ હીબકે જ ચઢી. મીતેન હેબતાઈ ગયો. શું થયું મીતા? અને હજુ એ રોતાંરોતાં મીતાએ કહ્યું, કે બહારગામનો ધંધો હવે બંધ. ઓછું મળશે તો ઓછું ખાશું , થોડા શોખ પણ ઓછા કરીશું. પણ હવે એકલા એકલા નથી રહેવું. અને પાછળ ઉભેલા મીતેનના પપ્પાએ પણ સૂર પુરાવ્યો,હા બેટા, તારા વગર અમે બધા નોંધારા થઈ ગયા હતા. પોતાના નાના બે છોકરાઓને પારણાંમાં શાંત સુતેલા જોઈને એને શાતા થઈ. માઁ ને જોવા મીતેન અંદરના રુમ માં ગયો. માઁ તો પલંગમાં શૂન્યાવશ પડ્યા હતા. છતાં દીકરાને ઘણે દિવસે જોઈને એમની આંખોમાંથી બે અશ્રુ સરી પડ્યા.

પોતે પણ ઘણો મૂંઝાયેલો અને ગભરાયેલો હોવા છતાં એણે બધાને હિંમત આપવી પડી. પહેલી વાર એને પોતાના પર કેટલા લોકો અવલંબે છે એનો અહેસાસ થયો. ડરશો નહિ. હવે હું આવી ગયો છુંને, સૌ સારા વાનાં થઈ જશે.

પપ્પા, તમે દુકાન તો બરાબર બંધ કરી છે ને ?

હા બેટા, પણ બધી ઉઘરાણી ને બધું જ બંધ છે. મીતેનને થોડો આઘાત લાગ્યો પણ એ જે પરિસ્થિતિ માંથી બહાર આવ્યો હતો એમાં એને આ બધું ગૌણ લાગતું હતું. હજુ અહીંયાની સમસ્યાઓ સમજવાની હતી. ચાર-પાંચ દિવસમાં એને બધો ખ્યાલ આવી ગયો. અત્યારે એણે એના પપ્પાની બચત કરવા માટેની, ખર્ચ ઓછા કરવાની , વાતે વાતે ટોકવાની ટેવ સમજાવા માંડી હતી. દુકાળ અને પૂર સાંભળ્યા અને જોયા પણ હતા.

આ તો પૅન્ડેમિક, વૈશ્વિક બીમારી, મહાબીમારી -- એ પણ ચેપી, રોગ પણ પાછો કેવો સાવ નવો એટલે એનો હજુ ઈલાજ પણ શોધાઈ રહ્યો હતો પણ આ વાઈરસ કોઈને કાઠું આપતો નોહ્તો. કોઈની હોંશિયારી ચાલે એમ નોહતી , ભલભલા ચમરબંધીઓ પણ ચોંકી ગ્યા'તા. બધા ધર્મગુરુઓ કે મોટા ખેરખાં જ્યોતિષીઓ આ બીમારીની આગાહી ના કરી શક્યા. કંઈક ધુરંધરો ઘરમાં બેસીને જાપ જપતાં હતા.

ધ્યેય -- જીવનનું ધ્યેય, અત્યારને તબ્બકે એક જ હતું. પોતાની ને પોતાના પરિવારની સુરક્ષા. ' જાન બચી તો લાખો પાયે' એ કહેવત જાણે અજાણે આપણા સૌના જીવનનો એક મુદ્રાલેખ બની ગઈ હતી. 'કમાઈ લેશું' એ વાણિયાનો વિશ્વાસ બોલતો હતો. અત્યારે તો મીતેન અને એના જેવા કંઈક, પોતાના પરિવારની ત્રણ પેઢીનો ટેકો અને આધાર હતા. કામવાળા, છાપાવાળા, શાકવાળા, ઇસ્ત્રીવાળા અને વગેરે ઘણા જે લોકો વગર આ જીવનનું ગાડું ચાલી ના શકે, એ બધા એમના ઘરમાં એમની અને એમના પરિવારની સુરક્ષામાં લાગ્યા હતા. બધુ જ બંધ, એકમાત્ર થોડો ઘણો જે વહેવાર ચાલતોહતો એ પણ આભડછેટ જેવો. પણ એ નિભાવવો પડે એમજ હતો કારણકે બધા એક જ હોડી ના મુસાફીર હતા.

એક જ શ્રદ્ધા --- અને એક જ વિશ્વાસ, આ અભાગિયા દિવસોમાંથી જેમ બને એમ જલ્દી સૌનો છુટકારો થાય. સૌનો? અત્યાર સુધી મેં હું, અને મારા સિવાય કોઈનો વિચાર જ નથી કર્યો અને અત્યારે સૌ ? મીતેન પોતાના જ વિચારોથી અચરજ પામી ગયો.

અચાનક છઠે દિવસે એને તાવ આવ્યો. અને ખાંસી ચાલુ થઈ.આવી ગરમીના વાતાવરણમાં ખાંસી અને તાવ? ઘરના સૌ ગભરાઈ ગયા. ડોક્ટરને ફોન કર્યો. એમણે મળવાની ના પાડીને સીધો કોરોના ટેસ્ટ કરવાનો કીધો. લે આ પાછું નવું. આટઆટલી તકેદારી લીધા પછી પણ -...............

અને ન બનવાનું બની ગયું.

મીતેનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. ઘરના બધાને ચેક કરાવ્યું. બે નાના છોકરાઓ અને પથારીવશ માતા સિવાય ત્રણેય પોઝિટિવ. પપ્પા ઉંમરવાળા હતા એટલે હોસ્પિટલમાં જવું પડ્યું. ઘરની સ્થિતિ જોતા મીતેન અને મીતાને ઘરે રહેવાની છૂટ મળી. પણ સંપૂર્ણ ક્વોરનટાઇન. નવો રોગ અને નવો ઈલાજ, આખા બિલ્ડીંગ ને બોર્ડ લાગ્યું એટલે મીતેન સૌની નફરતનો ભોગ બન્યો. અત્યાર સુધી જે લોકો મીતેનની ચઢતી થી જલતા હતા એજ લોકો, આપણા દેશમાં શું નથી કે પરદેશ કમાવા જવું પડે? જેવી ગુસપુસ કરવા મંડયા.

અને મીતેન ને મીતા સૌ અચંબાઈ ગયા હતા. આ શું થઈ ગયું? ક્યાંથી આ રોગ આવ્યો હશે? ઉબર ડ્રાઈવર? એ આપણું ટેમ્પરેચર માપે તો આપણે એનું કેમ ન માપ્યું ? કેમ મને સમજ ન પડી?

પણ, સધિયારો હતો. કોનો? સાવ નાના કહેવાતા માણસોનો. જેને સમાજ માં આપણે નગણ્ય ગણતા. કદાચ માનવતા હજુય એમનામાં જીવંત હતી. વૉચમૅન, ડ્રાઈવર, ઝાડુવાળો,દૂધવાળો.....જેને દિવાળીમાં બીજા કરતા થોડીક વધારે બક્ષીશ મેં આપી હતી. જાણે કે લુણ નું ઋણ ચૂકવવા આવ્યા હતા.

અને પાડોશી--- કહેવાય છે કે પહેલો સગો પાડોશી , પણ અત્યારની અવસ્થા જ એવી હતી કે સગાઓ પણ કંઈ ન કરી શકે તો પાડોશી સાથે તો માત્ર લાગણીની સગાઇ, ક્યાં લોહીની?

બાજુવાળા માસીનો ફોન આવી ગયો.

જો મીતા- બનેતો તારું બારણું બંધ જ રાખજે. અને હમણાં જે પણ કંઈ હોય એમાં ચલાવી લેજે. અમારી કોઈ આશા રાખીશ નહી. અમારા બંને બાળકો પરદેશમાં છે. અમે અહીં એકલા છીએ એટલે એમનો આગ્રહ છે કે અમારે અમારું ધ્યાન રાખવાનું છે. ખરાબ લગાડીશ નહિ. બધું સારું થઈ જશે.

મીતાને આંચકો લાગ્યો, જબરદસ્ત આંચકો, આ એજ માસી છે કે જે મારા ઘરમાં દિવસમાં બે બે વાર આવતા ને હું એમનામાં મારી માઁ ખોળતી હતી. હજુ તો મેં કશી મદદ માંગી પણ નથી. જમવાનું ટિફિન પણ બહારથી આવે છે. મારા માઁ-બાપ અને ભાઈ બેન પણ કશું કરી શકે એમ નથી તો કમ સે કમ તમે તો ?

કોણ કેહ્તું હશે કે પહેલો સગો પાડોસી? એ ખરેખર કે અમસ્તુજ

મીતા એની બહેન રીટાને કહેતી હતી. રીટાએ દિલાસો આપ્યો કે જો મીતા સંજોગોનો સ્વીકાર કરીને આગળ વધ. કદાચ એમનો પણ જીવ બળતો હશે. એવું કહેતાં એમની જીભ પણ નહી ઉપડી હોય. પણ આજના આ અજાણ્યા રોગ સામે સૌ લાચાર છે. જોને અમે પણ ક્યાં કંઈ મદદ કરી શકીએ એમ છે. લાચાર જ છીએ ને.

પંદર દીવસ થયા. મીતેનના પપ્પા હેમખેમ ઘરે પાછા આવી ગયા. સૌનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને ઘરનાને હાશ થઈ. ખાસ તો બિલ્ડીંગ પરનું બોર્ડ ઉતર્યું એટલે સૌને હાશ થઈ પણ પણ-- બાજુવાળા માસીએ બારણું ન ખોલ્યું. કે ન ફોન કર્યો.

મીતાના મનનો અજંપો કેમે શાંત થતો ન હતો. કહે છે કે દીવાલો ને પણ કાન હોય છે તો બાજુવાળા માસી ને મારી વેદના, મારા હીબકાં નહી સંભળાયા હોય? અને નવા ઉદ્ભવેલા સંજોગોનો સામનો કરવા અસમર્થ એવી મીતા રડી પડી.

છતાંયે બાજુવાળા માસીનું બારણું ન ખુલ્યું. ન ઘરનું કે ન એમના હૃદયનું.


Rate this content
Log in

More gujarati story from Varsha Vora

Similar gujarati story from Tragedy