STORYMIRROR

Rahul Makwana

Action Crime Thriller

3  

Rahul Makwana

Action Crime Thriller

આખરી ચુકાદો

આખરી ચુકાદો

8 mins
311

આ સમાજમાં સારા અને સદગુણી માણસો રહેલાં છે, તેનાં લીધે જ આપણાં સમાજમાં "માનવતા" ધબકી રહે છે. સાથે સાથે એવું પણ કહેવાય છે કે "જ્યાં સુધી સારા માણસો સારા છે ત્યાં સુધી સારું છે, પણ જ્યારે સારા માણસો બગડે છે ત્યારે તે આપણાં સમાજની બધી સીમાઓ પાર કરી બેસે છે. માટે સારા માણસોને શક્ય હોય ત્યાં સુધી ના છંછેડવામાં જ ભલાઈ છે, આ સારા વ્યક્તિઓ ક્યારેક કોઈ લાચાર વ્યક્તિને ન્યાય મેળવવા, અસત્ય પર સત્યનો વિજય મેળવવા, એકલી અને નિસહાય યુવતીની ઈજ્જત બચાવવા, સમાજમાં બેખોફ બનીને બેફામ ઘૂમતા ગુનેગારોને તેનાં કર્મોની સજા આપવાં માટે કાનૂન પોતાનાં હાથમાં લેતાં હોય છે, જે ન્યાયની દ્રષ્ટિએ ચોક્કસપણે ગુનો કે અપરાધ ગણી શકાય પરંતુ સમાજની દ્રષ્ટિએ એ આપણાં સમાજ પર કરેલ મોટા ઉપકાર સમાન ગણી શકાય.

સમય : સવારનાં 10 કલાક.

સ્થળ : ડિસ્ટ્રીકટ કોર્ટ.

કોર્ટમાં બધાં જ લોકો આવી પહોંચેલ હતાં, ધીમે ધીમે સરકારી વકીલો, બચાવ પક્ષનાં વકીલો, પોલીસ કર્મચારીઓ, સ્ટેનોગ્રાફર, કોમ્યુટર ઓપરેસ્ટર અને બેલીફ આવી પહોંચ્યા હતાં, બસ માત્ર જજ આવે એની જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. ત્યાં હાજર રહેલાં લોકો હકીકતમાં "જજ સાહેબ" ની જેટલી આતુરતાપૂર્વક રાહ જોવાય રહી હતી, તેનાં કરતાં તે વધુ "અભિનવ રાજપૂત" ની રાહ જોઈ રહ્યાં હતાં.

બરાબર એ જ સમયે ત્રણ ચાર પોલીસ કર્મચારીઓ "અભિનવ રાજપૂત" ને પોતાની સાથે લઈને આવી પહોંચે છે. તેનાં હાથમાં હાથ કડીઓ પહેરાવી હતી. અભિનવને આવી રીતે કોર્ટમાં આવતાં જોઈને ત્યાં હાજર રહેલાં તમામ લોકો અભિનવને આદર અને માન આપવાં માટે બધાં જ લોકો ઊભાં થઈ જાય છે, બરાબર એ જ સમયે "રવિ શાસ્ત્રી" જે આ ડિસ્ટ્રીકટ કોર્ટમાં જજ હતાં તેઓ પ્રવેશે છે, અભિનવ રાજપૂતને આવી રીતે માન આપવાં માટે ઊભા થયેલાં લોકોને જોઈને રવિ શાસ્ત્રીનાં મનમાં એકસાથે ઘણાં બધાં પ્રશ્નો જેવાં કે, "કોણ હશે...આ અભિનવ રાજપૂત ? શાં માટે લોકો એને આટલું બધું માન કે આદર આપી રહ્યાં છે ? અભિનવે કયો ગુનો કે અપરાધ કરેલ હશે ? શું અભિનવ કોઈ પીઢ ગુનેગાર હોય તો લોકો શાં માટે આટલું બધું માન આપી રહ્યાં હશે ? શું અભિનવ ખ ખરેખર ગુનેગાર હશે ? શું તેનાં દ્વારા અજણાતાં જ ગુનો થયેલ હશે કે પછી જાણી જોઈને અપરાધ કરેલ હશે ? એવી તે કેવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું હશે કે અભિનવે આ અપરાધ કરવું પડ્યું હશે ? આવા વગેરે પ્રશ્નો ઉદભવી રહ્યાં હતાં. 

"તો આજનાં કેસની દલીલો પેશ કરવામાં આવે." કોર્ટમાં રવિ શાસ્ત્રી પોતાની ખુરશી પર બેસ્યા બાદ હાજર વકીલોને જણાવતાં બોલે છે.

"જી ! માય લોર્ડ...તમારી સામે વિટનેસ બોક્ષમાં ઉભેલ અને એક્દમ સામન્ય દેખાતો આ વ્યક્તિ વાસ્તવમાં એક ખૂંખાર ગુનેગાર છે, તેણે બે રહેમીથી બે નિર્દોષ લોકોનું નિર્દયતાથી ખૂન કરેલ છે." સરકારી વકીલ અભિનવનાં કેસની માહિતી આપતાં કેસ લડવાની શરૂઆત કરવામાં આવે છે.

"એકકયુઝ મી ! માય લોર્ડ...અભિનવે અપરાધ કરેલ છે, એ સો ટકા સાચી વાત છે, પણ જેમ મારા વકીલ મિત્ર ખુરાનાએ જણાવ્યું તે મુજબ જેઓનું ખૂન અભિનવ દ્વારા કરવામાં આવેલ હતું, તેઓ નિર્દોષ તો બિલકુલ ન હતાં જ…!" અભિનવાનાં વકીલ રાજ્યગુરુ જજને જણાવતાં બોલે છે.

"મિ. રાજ્યગુરુ..એ વાત તમે સારી રીતે જાણતાં જ હશો કે કોર્ટ હંમેશા વાતો પર નહીં પરંતુ પુરાવા કે સબુતો પર આધાર રાખે છે. તમે હાલ કોર્ટને જે જણાવી રહ્યાં છો, એ બાબતનો તમારી પાસે કોઈ પુરાવો પણ છે ખરો…?" જજ રવિ શાસ્ત્રી વકીલ રાજ્યગુરુની સામે જોઇને બોલે છે.

"યસ ! માય લોર્ડ…! આ રહ્યાં એ બંને વ્યક્તિઓનાં ક્રિમિનલ રેકોર્ડ કે જે મને આપણાં સીટી પોલિસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થયેલાં છે." વકીલ રાજ્યગુરુ રવિ શાસ્ત્રીના હાથમાં પ્રિન્ટ આઉટ આપાતાં આપતાં બોલે છે.

  આમ કોર્ટમાં સરકારી અને વિપક્ષી વકીલો વચ્ચે એક પછી એક ઘણી બધી દલીલો ચાલે છે, કોર્ટમાં હાજર રહેલાં બધાં જ લોકો "અભિનવ" ના પક્ષમાં જજ ન્યાય આપે તેવી મનોમન ઇશ્વરને પ્રાર્થનાઓ કરી રહ્યાં હતાં. જ્યારે જજ બંને પક્ષનાં વકીલો દ્વારા કરવામાં આવતી દલીલો ઝીણવટ અને ચીવટ પૂર્વક સાંભળી રહ્યાં હતાં, બંને પક્ષનાં વકીલોની દલીલો સાંભળ્યા બાદ રવિ શાસ્ત્રી અભિનવ રાજપૂતની સામે જોઇને પૂછે છે.

"તો મિ. અભિનવ રાજપૂત તમે તમારા સ્વબચાવ માટે કોર્ટને કંઈ જણાવવા માંગો છો ?" 

આથી અભિનવ રાજપૂત પોતાની સાથે બનેલ ઘટનાં વિશે કોર્ટને વિગતવાર માહિતી આપતાં જણાવે છે.

એક મહિના પહેલા..

સમય : રાતનાં દસ કલાક.

સ્થળ : શહેર બહાર આવેલ નિર્જન રસ્તો.

અભિનવ રાજપૂતએ શહેરમાં આવેલ રાઇસમિલનો માલિક હતો, એક દિવસ સાંજે જ્યારે અભિનવ મિલેથી પોતાનાં ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે તેનાં મોબાઈલમાં તેની પત્ની સરોજબા નાં બે ત્રણ કોલ આવી ગયેલાં હતાં, પરંતુ ડ્રાઇવિંગ કરી રહેલો હોવાથી કોલ રિસીવ કરતો નથી. એવામાં અભિનવ શહેરનાં નિર્જન રસ્તે આવી પહોંચે છે. સામાન્ય રીતે આ રસ્તે દિવસ દરમ્યાન લોકોની અવર જવર રહે છે, પણ સૂર્યાસ્ત પછી આ નિર્જન રસ્તે એકદમ નીરવ સન્નટ્ટો છવાય જાય છે. રસ્તે સાંજ પડતાની સાથે જ એકદમ ઘનઘોર અંધકાર છવાઈ જાય છે. એમાં પણ આ નિર્જન રસ્તાની બંને બાજુએ રહેલ ઝાડીઓમાંથી પવનના સુસવાટાનો અવાજ, અને કીટકોનો અવાજ ભલભલાનાં મનમાં ડર પમાડે તેવો ભયંકર અને ડરામણો હોય છે. અભિનવ કાયમિક આ જ રસ્તે રાતે નવ વાગ્યાની આસપાસ પસાર થતો હોવાથી તેનાં માટે આ વાતાવરણ કંઈ નવું નહોતું.

જ્યારે અભિનવ આ નિર્જન રસ્તે પસાર થઈ રહ્યો હતો, બરાબર એ જ સમયે તેનાં કાને કોઈ નિ:સહાય અને લાચાર યુવતીની દર્દ ભરેલ "બચાવો...કોઈ મને બચાવો…મારી મદદ કરો…!" આવી દર્દનાક ચીસ સંભળાય છે. આ દર્દનાક ચીસ સાંભળતાની સાથે જ અભિનવ પોતાનું બાઇક ઊભું રાખે છે. અને આ ચીસ જે દિશામાંથી આવી રહી હતી, તે દિશામાં પોતાનાં મોબાઇલની ટોર્ચ ચાલુ કરીને આગળ વધે છે. 

આગળ વધાતાની સાથે જ અભિનવે જે દ્રશ્ય જોયું એ સાથે જ તેનાં પગ હેઠળની જમીન જાણે ખસી ગઈ હોય તેવો આઘાત લાગે છે, તેનાં હૃદયના ધબકારા અને શ્વાસોશ્વાસ એક્દમથી વધી જાય છે. કારણ કે તેની આંખોએ જે દ્રશ્ય જોયું તે દ્રશ્ય ખૂબ જ કરુણ અને હૃદયદ્રાવક હતું. તેણે જોયું કે અઢારેક વર્ષની આસપાસની એક યુવતી અર્ધનગ્ન હાલતમાં જમીન પર પડેલ હતી, તેનાં હાથ અને પગ બાંધેલા હતાં, તેની આસપાસ ચાર હવસખોર શેતાન ઉભેલાં હતાં, જેનાં ચહેરા પરથી હવસ લાળની માફક ટપકી રહી હતી. આથી "તમારી તો હમણાં કવ એ…!" એવું બોલીને ગુસ્સા સાથે પેલાં હવસખોર હેવાન તરફ દોટ મૂકે છે.

બરાબર જ સમયે એકાએક કોઈ વ્યક્તિ અભિનવના માથે લાકડી દ્વારા માર મારે છે, આ મારને લીધે અભિનવ પેલી યુવતી તરફ ફંગોળાય જાય છે, અને તે યુવતીની એકદમ નજદીક જઈને પડે છે. ત્યારબાદ અભિનવ પોતાની નજર ઊંચી કરીને પેલી યુવતી તરફ કરે છે. યુવતી તરફ નજર કરતાંની સાથે જ અભિનવની આંખો ગુસ્સામાં લાલચોળ થઈ જાય છે. તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. જેનું કારણ એ હતું કે જમીન પર અર્ધનગ્ન હાલતમાં જે યુવતી પડેલ હતું એ બીજું કોઈ નહિ પરંતુ પોતાનાં હૃદયના ટુકડા સમાન પોતાની વ્હાલી દીકરી "રેવાબા" હતી. આથી અભિનવ પોતાની પાસે જમીન પર રહેલ ચપ્પુ ઉઠાવી પોતાનાં જેટલી પણ હિંમત હતી, તે બધી હિંમત એકઠી કરીને તેની નજીક જ ઉભેલાં અને દાનવોની અટ્ટહાસ્ય કરી રહેલાં બંને પર ચપ્પુ વડે એટલાં જોરથી પ્રહાર કરે છે કે તે બંનેના સ્થળ પર જ રામ રમી જાય છે. 

ત્યારબાદ અભિનવ પોતે જે બ્લેઝર પહેરેલું હતું તે બ્લેઝર કાઢીની પોતાની નજર ઝુકાવીને "રેવાબા" તરફ કરે છે, રેવાબા એ બ્લેઝર પહેરીને પોતાનાં પિતાના ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. પરંતુ પોતાનાં પિતાને અજાણતાં જ સમયસર આવી પહોચેલા જોઈને રેવાબાને એક અલગ જ આનંદ અને ખુશીઓ હતી. કદાચ જો એનાં પિતા સમયસર ઘટનાસ્થળે ના પહોંચ્યા હોત તો, રેવાબા કે અભિનવ સમાજમાં પોતાનું મોં કોઈને બતાવવા લાયક ના રહેત." આથી અભિનવ એક આદર્શ પિતાની માફક રેવાબાની પીઠને થબથબાવી મનોબળ આપતાં આપતાં રેવાબાની સામે જોઇને બોલે છે.

"બેટા ! જરાપણ ચિંતા ના કરીશ...ઈશ્વરનો આભાર માન કે હું સમયસર જ આ સ્થળેથી પસાર થયો અને મને તારી ચીસ સંભળાય, પહેલાં તો મને એ બાબતનો તો જરાપણ ખ્યાલ ન હતો કે આ દર્દ ભરેલ ચીસ મારી પોતાની જ દીકરીની હશે...મેં તો કોઈ નિ:સહાય અને લાચાર યુવતીની મદદ કરવાનાં આશયથી જ અહીં તારા સુધી આવેલ હતો. એમાંપણ મને જ્યારે ખ્યાલ આવ્યો કે એ લાચાર યુવતી મારી પોતાની જ દીકરી છે, આ જોઈ હું મારા ગુસ્સા પર કાબુ ગુમાવી બેકાબુ થઈ ગયો હતો, અને મને એ સમયે જે યોગ્ય લાગ્યું એ કર્યું...પરંતુ અફસોસ એ બાબતનો છે કે બીજા ત્રણ હવસખોર હેવાનો ત્યાંથી પલાયન થઈ ગયાં, પણ કાંઈ વાંધો નહીં તું હેમખેમ છો એટલે હું ખુશ છું.

ત્યારબાદ રેવાબા અને અભિનવ બાઇક પાસે આવી પહોંચે છે, બરાબર આ જ સમયે અભિનવનાં મોબાઈલમાં રિંગ વાગે છે, આથી અભિનવ ડિસ્પ્લે પર નજર કરે છે, તો તેનાં પત્ની સરોજબા નો કોલ હતો આથી સરોજબા અભિનવને ફોન પર જણાવે છે કે,

"સાંભળો ને ! આપણી દિકરી રેવાં રાતના 10 વાગવા છતાંય ઘરે પરત નથી ફરી, મેં તેનાં બધાં મિત્રોને, તેના ટ્યુશનમાં, શિક્ષકને કોલ કર્યો તો તેઓએ એવું જણાવ્યું કે રેવા તો અહીંથી ક્યારની નીકળી ગઈ છે, આજ સાંજથી મારો જીવ ખૂબ જ ગભરાય રહ્યો છે, મને સતત ચિંતાઓ સતાવી રહી છે...તમે જલ્દી ઘરે આવો !" સરોજબા ચિંતાતુર અવાજમાં અભિનયને જણાવતાં બોલે છે.

"સરોજ ! ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી, રેવા મને મળવા માટે આપણી રાઇસમિલ પર આવેલ હતી, હાલ રેવા મારી સાથે જ છે, હું અને રેવા થોડી જ મિનિટમાં ઘરે આવી પહોંચીશુ…માટે તું જરાપણ ચિંતા ના કરીશ..!" આટલું બોલી અભિનવ કોલ ડિસ્કનેક્ટ કરી નાખે છે.

જ્યારે આ બાજુ અભિનવ અને રેવાબા પોતાનાં ઘર તરફ જતાં રસ્તે બાઇક દોડાવે છે, અને થોડીવારમાં તેમનાં ઘરે પહોંચી જાય છે.અને આ ઘટનાનાં બીજા જ દિવસે અભિનવ પોતાની જાતને કાનૂનના હવાલે કરી દે છે."

હાલનાં સમયે

અભિનયની વાત સાંભળી રવિ શાસ્ત્રી અને કોર્ટમાં હાજર રહેલાં બધાં જ વ્યક્તિઓની આંખોમાં ઝળઝળિયા આવી જાય છે, અને બધાં જ લોકો ભાવુક બની જાય છે.

"મિ. અભિનવ તમે જે અપરાધ કરેલ છે, તેની બધી વિગતો અને માહિતી જાણ્યા અને તપાસ્યા બાદ મને એવું લાગી રહ્યું છે કે એક પિતા તરીકે તમે જે કર્યું એ યથાયોગ્ય છે, અને તમારી જગ્યાએ આપણા સમાજનો કોઈપણ બાપ હોત તો તેણે પણ ચોક્કસપણે આવું જ કર્યું હોત...પણ તમારે આ બાબત વિશે પોલીસને જાણ કરવાની જરૂર હતી, અને તમે કાનૂન પોતાનાં હાથમાં લઈને ગુનો તો કરેલો છે, પણ તમે એક સારા નાગરિક તરીકે સામે ચાલીને પોતે કરેલ ગુના બદલ સરેન્ડર પણ કરેલ છે, આ બધી બાબતોના આધારે આ કોર્ટ તમને 5 વર્ષની સખત કેદ ફરમાવવાની સજા આપે છે, અને આ સાથે જ પોલીસ ડિપાર્ટમેન્ટને આ ઘટનાં સ્થળેથી નાસી છૂટેલા બીજા ત્રણ નરાધમ, હવસખોર હેવાનોને યુદ્ધનાં ધોરણે પકડવા માટે કડક સૂચના પણ આપે છે." રવિ શાસ્ત્રી પોતાની નિર્ણય કે અંતિમ ફેંસલો સંભળાવતાં બોલે છે, રવિ શાસ્ત્રીએ પોતાનાં જીવનકાળમાં ઘણાં બધાં ચુકાદાઓ કે સજાઓ ફરમાવેલ હતી, પરંતુ આજે અભિનવને સજા ફરમાવતા ફરમાવતા પહેલીવાર પોતાનાં હાથ ધ્રુજી રહ્યાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Action