Mariyam Dhupli

Drama Inspirational Tragedy

2.1  

Mariyam Dhupli

Drama Inspirational Tragedy

આખો દિવસ

આખો દિવસ

9 mins
771


"આરતી તને કહ્યું હતું કે એ લાલ ફાઈલ કેટલી મહત્વની છે ! આળસની પણ કોઈ હદ હોય ?"

" આળસ ? હું આળસી છું કબીર? "

" બીજું શું ? એક ફાઈલ સાચવીને ન રાખી શકાય ? "

" કબીર કેટલીવાર કહું કે ફાઈલ અહીજ આ ડ્રોવરમાંજ સાચવીને રાખી હતી. "

" તો પછી ઘરમાંથી ક્યાં ગાયબ થઇ ગઈ ? એ ફાઈલના હાથ પગ તો હતા નહીં કે બારણું ઉઘાડી નીકળી જાય . "

" પણ એમાં આટલું બધું ભડકવાનું કેવું ? "

" ભડકવાનું ? સાચેજ ? એ ફાઈલમાં મિટિંગ માટેની દરેક માહિતીઓ હતી. હવે અંતિમ સમયે ...."

" મારો વિશ્વાસ કરો કબીર ફાઈલ આજ ડ્રોવરમાં રાખી હતી . આ ડ્રોવરની ચાવી ફક્ત આપણા બેજ પાસે રહે છે. તો...."

" તો એનો અર્થ એ કે હવે તને કોઈ જરૂરી કામ ન સોંપાય. બેદરકારીથી મને નફરત

છે. એક કામ સોંપાયું હોય એ ક્યાં તો વ્યવસ્થિત કરવું અને જો ત્રેવડ ન હોય તો રહેવાજ દેવું . "

" એક કામ ? કબીર તને લાગે છે કે આખો દિવસ મારે ફક્ત એકજ કામ હોય ઘરમાં ? "

" નોકરી છોડ્યા પછી તારે હવે શું બહુ મોટું કામ રહેતું હોય છે ? આખો દિવસ ઘરમાં શું કરવાનું હોય ? મારે ઓફિસ જઈ બહારની દુનિયા જોડે લાખ માથાફોડ કરવાની હોય. વર્કલોડ અને વર્ક પ્રેશર શું હોય એ ઘરની બહાર પગ મુકીયે ત્યારે જ સમજાય. એમાં પણ જો તમારી પત્ની એક ફાઈલ સાચવવામાં સાથ સહકાર ન આપી શકે એટલે શું સમજવું ? "

" કબીર મારી નોકરી છોડવાના નિર્ણયને ફાઈલ સાથે શી લેવા દેવા? રેવતી પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી મને એના ઉછેર પાછળ ધ્યાન કેન્દ્રિત કરવું છે અને મમ્મીથી હવે ઓપરેશન પછી ચલાતું પણ નથી. એ બિચારા પોતાની તબિયત સાચવશે કે રેવતીને ? આજે જો મારા મમ્મી જીવતા હતે તો ...."

" ઓહ નો , ફરીથી એ બધા ઈમોશનલ અત્યાચાર શરૂ ન કર. સાચી વાત સીધેસીધી સ્વીકારી કેમ નથી લેતી ? એક ફાઈલ તારાથી સચવાતી નથી અને......"

કબીરનું વાક્ય અધૂરું છૂટી ગયું. પોતાની અલમારીના ક્રમબદ્ધ લટકી રહેલા સૂટ ને શર્ટની મધ્યમાંથી લાલ ફાઈલ ચમકતી ડોકાઈ રહી. સંવાદ અધૂરો છોડી ફાઈલને એણે અત્યંત ધીરજ જોડે બહાર ખેંચી. શરીરના સ્નાયુઓ જડતા છોડી ઢીલા બની રહ્યા. આંખોનો આક્રોશ પીગળી રહ્યો અને એની વચ્ચેથી આંખની બન્ને કીકીઓ છુપાવવાનો માર્ગ શોધતી અહીંથી ત્યાં ફરી રહી . સામે ઉભી આરતી સ્તબ્ધ હાથને એકબીજામાં સખત વીંટાળતી કબીરની આંખનો સંપર્ક શોધી રહી .

" એક્ચ્યુલી કાલે રાત્રે ડ્રોવરમાંથી ફાઈલ કાઢી હતી. કામ પત્યા પછી અહીં અલમારીમાં ...."

કબીરના શબ્દો ઉપર જાણે વિશ્વાસ ન આવતો હોય એ રીતે દર વખતની જેમ હાથ, ખભા અને ડોકું એકીસાથે ધૂણાવતી આરતી શયનખંડમાંથી બહાર તરફ અન્ય રાહ જોઈ રહેલ કાર્યો અને માનવીઓ તરફ પ્રયાણ કરી રહી. એના શબ્દો એની લાગણીઓ જેવાજ ઉદાસી અને ક્રોધથી સંમિશ્રિત હતા.

" આખો દિવસ ઘરે હું શું કરું છું? એ તો એકદિવસ હું એ બધા કામ કરવાનું છોડી દઈશ ત્યારેજ તને સમજાશે. "

શયનખંડનું બારણું ધડામ કરતું પછડાયું.

કબીરના કાનમાં મોબાઈલની કોઈ રિંગટોન અત્યંત ધીમા સ્વરથી ધીમે ધીમે ઊંચો સ્વર પકડતી સંભળાઈ રહી. આ સમયે કોનો કોલ ? અચાનકથી આજુબાજુ કમ્પ્યુટરના કી-બોર્ડ અને ફોન પર વ્યસ્ત વાર્તાલાપોએ એને ઢંઢોળ્યો. અરે , પોતે ઓફિસમાં હતો . સામે ઢગલો બની પડેલી પેન્ડિંગ ફાઈલ નિહાળતાંજ વર્તમાનનું વર્કલોડ ટ્રાફિકની લાલ બત્તી જેવું એના શરીરને ભૂતકાળમાંથી ખેંચી લઇ વર્તમાનની ગંભીરતા તરફ સીધું દોરી ગયું . છેલ્લા એક મહિનાનું કામ એક મોટો ગૂંચવાડો બની આંખ અને મગજને પજવી રહ્યું . આટલું બધું પેન્ડિંગ કામ ......

આગળ ચિંતા અને તાણ વધુ ઘેરી બને એ પહેલા સતત વાગી રહેલી રિંગટોનને મૌન કરવા કમને એણે કોલ લીધો. સામે તરફથી સંભળાઈ રહેલો સ્વર કબીરની પોતાની પરિસ્થિતિ સમોજ ધીર ગંભીર હતો.

" આપ શ્રીમાન કબીર , રેવતીના પિતા ? "

" જી ,હા . "

" હું રેવતીની સ્કુલની પ્રિન્સિપલ બોલું છું. રેવતીને શાળામાં અચાનક ખુબજ તાવ આવ્યો છે. આપ પ્લીઝ શીઘ્ર આવશો. એને ડોક્ટર પાસે લઇ જશો. અને હા , આવતા અઠવાડિયે ફાઇનલ પરીક્ષાઓ શરૂ થશે . આઈ હોપ શી વિલ ગેટ વેલ સુન."

કોલ કપાયો ને જાણે કબીરના માથે હથોડા પડી રહ્યા. તાણથી મૂર્છા સમા આંખો આગળ અંધારા છવાઈ રહ્યા. પણ એની પાસે બેહોશ પડવાનો સમય ન હતો. આંખો આગળ પહાડ સમી ફેલાયેલી ફાઈલો ઉપર એક સ્થિર નજર થોભી અને બીજીજ ક્ષણે એ બોસ સામે નજર ઝુકાવી ઉભો હતો.

" આ એકજ મહિનામાં ત્રીજી વાર બન્યું છે . જો આવુજ ચાલતું રહ્યું તો ....હજી અંતિમ મહિનાનો રિપોર્ટ પણ સબમિટ નથી થયો .....આ વખતે હું લિવ આપું છું . જસ્ટ બિકોઝ ઓફ યોર ડોટર ...નહીંતર બીજી વખત ...તમને તમારી જોબના ટર્મ અને કન્ડિશન હું ન શીખવી શકું ....."

ગાડી ચલાવતા કબીરના હાથ ધ્રુજી રહ્યા હતા. ધ્યાન ડ્રાયવિંગને બદલે દરેક સ્થળે ભમી રહ્યું હતું. સભાનતા ઊંડો શોક ખાઈ બેઠી હતી. પણ મગજની આ નિષ્ક્રિય હાલતમાં પણ દરેક ફરજ બજાવવાની હતી.

રેવતીને શાળામાંથી પીકઅપ કરી એ તરતજ ડોક્ટર પાસે પહોંચ્યો. વાયરલ ફીવર હતો. ગળામાં કંઈક ઇન્ફેક્શન થયું હતું. એક અઠવાડિયા માટે તાવ ઉપર નીચે થશે. આરામ અને પરેજીનું ભોજન. એન્ટિબાયોટિક્સ અને દવાના પ્રિસ્ક્રિપશન વચ્ચેથી પ્રિન્સિપલના શબ્દો પડઘો પાડી રહ્યા.

" એક અઠવાડિયા પછી ફાઇનલ પરીક્ષાઓ શરૂ થશે ..."

મોઢા ઉપરથી પરસેવા જોડે ચોંટેલી ચિંતાઓ એણે રૂમાલથી મટાડવાનો તદ્દન નિષ્ફ્ળ પ્રયત્ન કર્યો. રેવતી જોડે કેમિસ્ટમાંથી બધીજ દવાઓ ખરીદી લીધી. રાત્રીના ભોજન માટે બહારથીજ જમણ પણ ખરીદી લીધું. ઘરે પહોંચ્તાજ રેવતીના કપડાં બદલાવી એને જમાડવાનો પ્રયત્ન કર્યો. તાવને લીધે અને ગળાના ઇન્ફેક્શનને લીધે કશું ગળાના નીચે ન ઉતર્યું. છેવટે થોડું જ્યુસ અને બિસ્કિટ મહેનત કરી, રમત કરી,મનાવી આખરે ગળાના નીચે ઉતર્યું . પલંગ ઉપર આરામ કરતા રેવતી પોતાના ગમતા કાર્ટૂન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી.

" પપ્પા , મમ્મી ? "

રેવતીના પ્રશ્નથી કબીરના ચહેરા ઉપરની ગંભીરતા વધુ વેધક થઇ ઉઠી.

" તું આરામ કર બેટા. મમ્મીને જલ્દી લઇ આવીશ. હું દાદી પાસે છું ."

સખત કરેલા હૃદય જોડે એ બાના ઓરડામાં પ્રવેશ્યો. પોતાનું જમવાનું પણ બાના ભોજન જોડે એમના ઓરડામાંજ લઇ લીધું. પણ પોતે બહુ કાંઈ જમી શક્યો નહીં. ઓરડાને પોતાના તરફથી થોડો વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો.

" તું ચિંતા ન કર. આજે સુધા સવારે મળવા આવી હતી. એને વાત કરી છે. કોઈ કામવાળી મળી રહે તો ....."

બાના દવાનાં ડબ્બા પર તકાયેલી કબીરની આંખોએ બાના શબ્દોને કોઈ પ્રત્યાઘાત આપ્યા નહીં . ઉજાગરાઓથી એ પણ કબીર જેવી નિઃશબ્દ બની બેઠી હતી . પ્રિસ્ક્રિપશન લેટર ઉપરથી દરેક ટીકડીના કાગળ ઉપર એણે સમય અને માત્રાની નોંધ કરી લીધી . એની યાદશક્તિ આરતી જેવી ધારદાર થોડી કે ડબ્બો ખોલતાંજ કઈ દવા ક્યારે ,કેટલી આપવી એ માટે આંગળીઓ ઓટોમેટિક મોડ પર આવી રહે ! બાની ભોજન પછી લેવાની ટીકડીઓ ટેબલ પર પાણીના ગ્લાસ સાથે ગોઠવી એ ખરડાયેલા વાસણ જોડે રસોડામાં પહોંચ્યો.

એક દ્રષ્ટિ એણે ઓપન કિચનમાંથી ચારે તરફ ઘર પર ફેરવી. કામવાળી બાઈ એક અઠવાડિયા માટે અન્ય શહેર લગ્ન માણવા ગઈ હતી . હજી બેજ દિવસ થયા હતા . પણ આખું ઘર કોઈ ભંગારની દુકાન જેવું દીસી રહ્યું હતું . કપડાઓ ઢગલા બની ચારે તરફ ફેલાયા હતા . કચરો કોઈએ સમેટયો ન હતો . ધૂળની માત્રા ધીરે ધીરે વધી રહી હતી . આખું રસોડું અસ્તવ્યસ્ત પડ્યું હતું . સીન્કમાં ભેગા થયેલા ઢગલો વાસણ ચીઢ ઉપજાવી રહ્યા હતા.

એક ક્ષણ માટે ઘરનાં મુખ્ય દરવાજા ઉપર નજર થંભી . બધુજ પડતું મૂકી કશેક ભાગી જવાની વિચિત્ર ભાવના મનમાં ઈચ્છાનું સ્વરૂપ ધારણ કરી રહી .

પણ એ શક્ય ન હતું.

નહીંવત જમેલા શરીર જોડે ઘરને થોડું ઘણું પણ સાફસૂથરું કરવા આખરે પ્રયાસ આદર્યો . તદ્દન એ બાળકની જેમજ જેને ઘરકામ ન કરવું હોય પણ કરવા સિવાય છૂટકો ન હોય. વલોવાયેલું મન , થાકેલું શરીર , ચિંતામાં ફફડી રહેલી આત્મા છતાં ફરજ માટે ઉપડેલા બાહુઓ.

બે કલાકની સતત મહેનત પછી આખરે ઘર થોડું ઘણું વ્યવસ્થિત તો થયું . પણ પરસેવા અને થાકની મધ્યમાંથી ઘરની અન્ય છબી સ્મૃતિ તટ ઉપર ઉજળી ચમકી રહી . આરતી તો ઘરને કેવું મહેલ જેવું રાખતી ! એક વસ્તુ અહીંની ત્યાં ન થાય. બધુજ એની જગ્યા ઉપર. એના હાથની સાફસફાઈ, એના હાથનું ભોજન, એની નાની મોટી દરેક મદદ અને કાર્યની ચોક્કસતા. બાને રેવતી તો જાણે ઘરમાં હોય એની કબીરને જાણ પણ ન થાય. બધુજ સમય પર પાર પડી જાય ....

સમય ? કબીરના વિચારો પર પૂર્ણવિરામ લાગ્યું . સાત વાગી ગયા હતા . સાડા સાતે પહોંચીજ જવું પડશે. નહિતર એ નીકળી જશે તો ...પરત થઇ હજી આખી રાત ઓફિસના કાર્યો વચ્ચે પસાર કરવાની હતી.

વારાફરતી એણે બા અને રેવતીના શયનખંડની તપાસ કરી . બાની વૃદ્ધ આંખો દવાના ઘેનમાં સરી પડી હતી . રેવતી પણ કાર્ટૂન નિહાળતા નિહાળતાંજ ઊંઘી ગઈ હતી . બન્ને શયન ખંડની વીજળી ઓલવી એણે શીઘ્ર ગાડીની ચાવી તરાપ મારતા ઉપાડી લીધી. કાંડા ઘડિયાળ પર ઉતાવળસભર નજર ફેંકી . એક કલાક હતો એની પાસે. એક કલાકના મર્યાદિત સમયમાંજ મુલાકાત સમેટવી પડશે.

અવાજવિહીન ડગલાં જોડે એ શીઘ્ર ઘરની બહાર નીકળ્યો . પડોશના ઘરની ડોરબેલ વગાડી . પડોશી સુધાબહેને બારણું ઉઘાડ્યું . કબીરની આંખોમાં ફેલાયેલી આજીજી દર વખતની જેમ શબ્દોના આશ્રય વિના એ કળી ગયા. મોટા હ્રદયે, લાગણીસભર હય્યા જોડે દર વખતની જેમ એમણે મદદ માટે તત્પરતા દર્શાવી.

" આપ ચિંતા ન કરો . હું રેવતી જોડે છું . આપ જઈ આવો . "

આંખોથી જ આભાર વ્યક્ત કરતા એણે ઘરની ચાવી સુધાબહેનને થમાવી.

થોડીજ મિનિટોની અતિ ઝડપી ડ્રાયવિંગ થકી એ નિશ્ચિત સ્થળે પહોંચી ગયો . લિફ્ટ લઇ દર વખતની જેમ પાંચમે માળે આવી પહોંચ્યો. ઘડિયાળમાં સમય તપાસ્યો . ૭ : ૨૫ . સમયસર પહોંચી રહેવાથી જીવમાં જીવ આવ્યો . વિઝિટિંગ આવર્સની વચ્ચે રાહ જોઈ રહેલ લોકો વચ્ચે થોડી પ્રતીક્ષા કરી . આખરે એનો વારો આવ્યો અને કેબિનમાં પ્રવેશ મળ્યો.

એ બંધ કેબિનમાં ઉચ્ચારાયેલા શબ્દો આઈ સી યુ ના સૂના,નીરવ ઓરડામાં પણ ગુંજવા લાગ્યા , જ્યાં એ જડ આંખે આરતીને તાકી રહ્યો હતો.

" લેટ મી ટેલ યુ ફેરલી . પરિસ્થિતિ ન વણસી રહી છે, ન સુધરી રહી છે. તટસ્થ છે. પણ આ તટસ્થતાની કોઈ પ્રમાણભૂતતા નથી. તમે જાણો છો કે અકસ્માત સમયે ઘણું લોહી વહી ગયું. માથાનો ઘા પણ ઊંડો છે. કોમા ના આ સ્ટેજ ઉપર હું ભવિષ્ય અંગે કોઈ પણ આગાહી કરવા અસમર્થ છું . ફક્ત એટલુંજ કહી શકું કે હેવ ફેઈથ. "

આઈ સી યુ નો શાંત ઓરડો જાણે કોઈ ચર્ચનો કન્ફેશનરૂમ હોય એ રીતે આરતીના શરીર જોડે એકાંતમાં બેઠા કબીરની આંખો નિયમિત પશ્ચાતાપમાં કળી રહી. માથું નમાવી ફરીથી આજે એજ માફી શબ્દેશબ્દ પુનરાવર્તિત થઇ.

" તું સાંભળે છે ને આરતી. આ'મ સોરી . મને માફ કરી દે . હું સમજી ચુક્યો છું તું આખો દિવસ શું કરતી હતી ? મારા માટે પણ અને ઘર માટે પણ ....."

મૌન ધ્રૂસકા એક કલાક સતત વહેતા રહ્યા.

સમય સમાપ્ત થયો અને એ ભાગતે ડગલે ઘેર પહોંચી ગયો.

થોડા મહિનાઓ પછી ઓફિસના એજ ટેબલ ઉપર કબીર શુન્ય મનસ્ક બેઠો હતો . ફાઇલોના થર મનને હતાશ કરી મુકવા પર્યાપ્ત હતા . મોબાઈલની રીંગ રણકી . યાદોમાં ખોવાઈ ચૂકેલો કબીર સતર્ક થયો . આજુબાજુના ટેબલ ઉપરથીજ એજ કી-બોર્ડના કર્કશ અવાજો અને લોકોના વાર્તાલાપ કાનમાં દુઃખાવો આપી રહ્યા હતા. હતાશ મન હારીને મેદાન છોડીને ભાગવા ઇચ્છુક યોદ્ધા જેવું બેભાન હતું. આ સમયે કોનો કૉલ ? ફરી પાછું શું થયું ? કઈ નવી સમસ્યા ? બોસનો કડવો ચ્હેરો આંખ આગળ સ્પષ્ટ ડોકાયો. આ વખતે લિવ નહીં ઓફિસમાંથી હંમેશ માટેની છુટ્ટી મળશે, એ માટેની માનસિક સજ્જતા જોડે એણે કોલ ઉપાડ્યો.

સમાચાર સાંભળતાજ આંખોમાંથી અખૂટ ધોધ વરસ્યો અને ધ્રૂજતું શરીર ટેબલ ઉપરની ફાઈલો ઉપર પછડાઈ પડ્યું.

કોલ હોસ્પિટલથી હતો.

સમાચાર ખુશીના હતા ....!


Rate this content
Log in

Similar gujarati story from Drama