આઈ મીસ યુ
આઈ મીસ યુ


આજે ઉત્તરાયણ હતી. આકાશમાં પતંગોનો મેળો જામ્યો હતો. નાના - મોટા સૌ પતંગ ઉડાડવામાં વ્યસ્ત હતા સામસામે અગાશીમાં પતંગોનું યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. શૈલી પણ અગાશીમાં આવી ઊભી હતી અને પતંગોત્સવ માણતાં યુવાન હૈયાને નિહાળતી હતી.
અચાનક એક પતંગ તેના પગ પાસે કપાઈને આવી. તેમા લખ્યું હતું " આઈ મિસ યુ ડિયર" શૈલીએ પતંગ હાથમાં લીધી અને તેના શબ્દો વાંચતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા. તે તેના ભૂતકાળમાં સરી ગઈ. વર્ષો પહેલાં તે પણ આમ જ પતંગોત્સવ ને માણતી અને તેની જીંદગીની સોનેરી ક્ષણમાં તે ખોવાઈ ગઈ. તે અને તેની ખાસ મિત્ર સીમા બંનેની જોડી બાળપણની દોસ્તી હતી. તે બંનેનું બાળપણ એક જ ફળિયામાં વિત્યું હતું. બંને વચ્ચે ક્યારેય મતભેદ કે અબોલા થયા ન હતા. બંનેના કુટુંબ વચ્ચે પણ સારો એવો ઘરોબો હતો.
દર વર્ષે ઉત્તરાયણ આવે ત્યારે શૈલી ખુશ થઈ જાય. તેનો મન ગમતો તહેવાર તે વહેલી સવારે અગાશી પર પતંગ લઈ ચડી જાય. તે અને તેની ખાસ મિત્ર સીમા પણ પતંગ ઉડાડવાની શોખીન, આ વર્ષે સીમાનો માસીનો દીકરો સમીર ઉત્તરાયણ કરવા મુંબઈથી અમદાવાદ આવેલો. અને ત્રણેય એ સાથે મળીને ઘણીબધી પતંગો કાપી. અને મજા માણી.
આમતો તે સમીરને નાનપણથી જ ઓળખતી હતી. પણ મોટા થયા પછી તે પહેલીવાર ઉત્તરાયણ કરવા અમદાવાદ આવેલો. તે બેંગ્લોરમાં ભણતો હતો અને પછી ત્યાં જ તેને જોબ મળતા તે સેટ થઈ ગયો હતો..
તે નાનપણમાં પણ જ્યારે આવતો ત્યારે તે પતંગ ઉડાડતો અને સીમા અને શૈલી તેની ફિરકી પકડતાં. તે બંનેને પતંગની દોરી પકડવા દેતો અને પતંગ ઉડાડતાં શીખવાડતો. ત્રણેય એ તેમની નાનપણની વાતો ને યાદ કરી. અને એ બાળપણની વાતો યાદ કરતા કરતા સમીર અને શૈલીની યુવાન નજરમાં એક હલચલ મચી ને દિલના એક ખૂણે સમાઈ ગઈ. અને બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ. એ પછી દરવર્ષે સમીર ઉત્તરાયણ કરવા આવતો. શૈલી ઉત્તરાયણની રાહમાં ખોવાઈ જતી. તેમનાં પ્રેમની પતંગ સપનાના આકાશમાં વિહરતી થઈ ગઈ. દિલની પતંગ પર સંદેશાઓ લખાતા રહ્યા.
તેમની પ્રીતને કોઈની નજર લાગી ગઈ કે પછી કુદરતને મંજૂર ન હતું. એક ઉત્તરાયણ સમીરના જીવનમાં વાવાઝોડું બનીને આવી. તે પતંગ કાપવાના હોંશ મા ને હોંશમાં અગાશી પરથી પસાર થતા વીજળીના તારમાં તેની પતંગ ફસાઈ જતાં તે કાઢવા માટે અગાશીની પાળી પર ચડી ગયો અને અચાનક તેને કરંટ લાગતા તે નીચે પડ્યો.
સીમા અને શૈલી તરત જ નીચે ઉતરી આવ્યાં શૈલીએ સમીરનું માથું તેના ખોળામાં લીધું. સમીર ના શ્ચાસ ચાલુ હતા તેના હોઠ કંઈક કહેવા ઈચ્છતા હતા. તેણે તૂટક તૂટક શબ્દોમાં શૈલીનો હાથ પકડીને " આઈ લવ યુ" કહ્યું !
અને સમીર બધા સ્વજનો વચ્ચેથી વિદાય લઈ ગયો. બધા ને કારમો આઘાત લાગ્યો.
અને ત્યાર પછી શૈલી અગાશી ઉપર આવે સમીર ને યાદમાં ઉત્તરાયણ એકલી ઊભી ને પતંગ ને જોતાં જોતાં "આઈ મીસ યુ" અચૂક બોલે. આજે પણ આ શબ્દો લખેલી પતંગ હાથમાં લઈને લાગ્યું કે આ સમીરનો જ સંદેશો છે.