Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Sharad Trivedi

Romance Inspirational


5.0  

Sharad Trivedi

Romance Inspirational


આઇ એમ હેપી વીથ યુ

આઇ એમ હેપી વીથ યુ

4 mins 535 4 mins 535

એ વખતે તમે માત્ર ગ્રેજ્યુએટ હતાં શિવાન. કંગાળ આર્થિક સ્થિતિ ધરાવતાં અને માત્ર ગ્રેજ્યુએટ હોય એવા સામાન્ય દેખાવ ધરાવતાં છોકરાને કોઈ છોકરી પસંદ કરે એ વાત માન્યામાં આવતી નથી, પણ ખુશીએ તમને પસંદ કરેલાં. આર્થિક રીતે કંગાળ તમારા પિતા પર લાખોનું નહી પણ હજારોનું દેવું હતું. પૈસા વગર સમાજ પણ ઈજજત કરતો નથી તો દેવાદાર માણસની શું ઈજજત હોય. છતાં પણ ખુશીને તમે ગમતાં હતાં. એની બહેનપણીઓએ એને પાગલ અને ના સમજ ગણાવેલી. તમે દેખાવમાં પણ કઈ રાજકુમાર ન હતા, ખુશી પરી હતી, આજે પણ છે. તમારા મિત્રો તમને અને ખુશીને જોઈને 'કાગડો દહીંથરું લઈ ગયો' એમ કહેતાં,આજે પણ કહે છે, શિવાન.

તમે અને ખુશી કોલેજમાં સાથે હતાં. કોલેજના એક ટેલેન્ટ શો દરમિયાન તમારી અને ખુશીની મુલાકાત થયેલી. પછી અવારનવાર મુલાકાત થતી રહેલી. તમે તમારી પરિસ્થિતિથી વાકેફ હતા એટલે ખુશી જેવી પૈસાદાર છોકરીને પ્રેમ કરવાનો વિચાર સુદ્ધાં કરેલો નહીં. પણ કોણ જાણે કેમ ખુશી તમારા જેવા બે થી ત્રણ જોડી કપડાં ધરાવતા અને વારાફરતી એ જ પહેરીને કોલેજ આવતા છોકરા પર મોહી પડેલી. એક દિવસ કોલેજથી છૂટતા એની ગાડી સુધી તમારી સાથે ચાલતી જતી ખુશીએ તમને 'આઇ લવ યુ' કહ્યું ત્યારે ઘડીભર તો તમને સપનું આવ્યું હોય એવું લાગેલું. તમે સ્થિર આંખે ખુશીને જોઈ રહેલાં અને પછી તમે કહેલું 'ખુશી, શું મજાક કરે છે યાર? ખુશી એ કહેલું 'આ મજાક નથી હકીકત છે, આઇ લવ યુ વેરી મચ,શિવાન' તમે એને કહેલું 'હું હાલ પરિસ્થિતિમાં છું એ પરિસ્થિતિ મને પ્રેમ કરવાવાળી છોકરી સાથે લગ્ન કરીને એને ખુશ રાખી શકું એમ નથી, તે ક્યારેય દુઃખ નથી જોયું અને મારી જિંદગીમાં સુખ નામનો શબ્દ નથી. હું જેને પ્રેમ કરું છું એની સાથે લગ્ન કરવામાં જ માનું છું. પ્રેમ મારે માટે એન્જોય કરવાની વસ્તુ નથી, એટલે તું આ વિચાર માંડી વાળ ખુશી' ખુશીએ તમને જવાબ આપેલો 'એવું નથી શિવાન, પ્રેમ મારે માટે પણ એન્જોય કરવાની વસ્તુ નથી. હું પ્રેમ કરીને તારી સાથે લગ્ન કરવા માગું છું અને તને વચન આપું છું કે તારી સાથે ગમે તે પરિસ્થિતિમાં ખુશ રહીશ, મહેરબાની કરીને મારા પ્રેમનો સ્વીકાર કર'

એ દિવસે એક રાજકુમારી અને એક કંગાળ માણસના પ્રેમની શરૂઆત થઈ હતી. ખુશીનો તમારા પ્રત્યેનો પ્રેમ માત્ર આકર્ષણ ન હતું પણ ખરેખર સાચો પ્રેમ હતો એની થોડા દિવસમાં જ તમને ખબર પડી ગયેલી. ખુશી જીવનના કોઈ પણ તબક્કે તમને દગો નહીં આપે એવી તમને ખાત્રી થઈ ગઈ. તમે અને ખુશીએ મિત્રોની મદદથી કોર્ટ મેરેજ કરી લીધેલા. ખુશીના પપ્પાએ લગ્નનો ખૂબ વિરોધ કરેલો પરંતુ મિત્રોનો સાથ-સહકાર અને ખુશીની મકકમતાને કારણે એમના હાથ હેઠા પડેલાં. એમણે ખુશીના નામનું નાહી નાખેલું.

ખુશી અને તમારા સંઘર્ષમય જીવનની શરૂઆત થઈ ગયેલી. બાર રૂમના વિશાળ મકાનમાં રહેતી ખુશી દસ બાય દસની પતરાવાળી રૂમમાં તમારી સાથે રહેવા લાગી. શરૂઆતના દિવસોમાં તો તમારે બાફેલા બટાકા અને ગાજર ખાઈને દિવસો ઓછા કરવા પડેલાં. તમારી તો ઠીક પણ ખુશીની આ સ્થિતિ જોઈને તમારી આંખમાં પાણી આવી જતાં, ત્યારે ખુશી તમારા આંસુને લૂછીને એટલું જ કહેતી 'આઈ એમ હેપી વીથ યુ' એનું મોહક સ્મિત તમને હસવા માટે મજબૂર કરી દેતું. ચોમાસા દરમિયાન તૂટેલા પતરામાંથી ટપકતા પાણીને રૂમમાં ફેલાતું અટકાવવા માટે તે જગ્યાએ-જગ્યાએ વાટકા મૂકતી હતી, ત્યારે બહાર પડતાં વરસાદ સાથે તમારી આંખોમાં પણ વરસાદ શરૂ થઈ ગયેલો. ત્યારે પણ ખુશી એ તમારા ખભા પર હાથ મૂકીને કહેલું 'શિવાન,આઈ એમ હેપી વીથ યુ'

ત્યારબાદ તમે સોળસો રૂપિયામાં મેડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે નોકરી શરૂ કરેલી અને ખુશીએ સાતસો રૂપિયાના પગારથી ખાનગી પ્રાથમિક શાળામાં નોકરી શરૂ કરેલી. એક દિવસમાં સાત હજાર રૂપિયા વાપરનારી ખુશીના આખા મહિનાનો પગાર હતો સાતસો રૂપિયા. જ્યારે એના હાથમાં એનો પહેલો પગાર આવેલો ત્યારે એણે તમારા માટે એમ. આર તરીકેની નોકરીમાં જરૂરી ટાઈ તમને ભેટ આપેલી. તમે ખુશીને કહેતા ખુશી મે તારી સાથે લગ્ન કરીને તારી ખુશી છીનવી લીધી. એ કહેતી 'શિવાન, મહેરબાની કરીને આવું ના બોલ,આઈ એમ હેપી વીથ યુ'

એમ. એ. માં સારા માર્કસ હોવાના કારણે તેને બીજા વર્ષે બી. એડ્માં એડમિશન મળી ગયેલું. મહેનત કરીને એણે બી. એડ્માં સારા માર્ક્સ લાવેલ. જિલ્લાની એક અંતરિયાળ સરકારી શાળામાં ખુશીને શિક્ષક તરીકેની કાયમી નોકરી મળી ગયેલી. તેને શહેર છોડવું પડેલું તેણે ક્યારેય ગામડું જોયું ન હતું. ગામડાના કાચા મકાનમાં એણે રહેવાનું શરૂ કરેલ. તેણે તમારી નોકરી છોડાવી દીધેલ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવાનું શરુ કરાવેલ.

એના ચાર હજારના ફિક્સ પગારમાં એણે હસતે મોઢે તમારા ઘરની જવાબદારી ઉઠાવી લીધેલી. એ સમય દરમિયાન એ એક બાળકની માતા પણ બનેલી. સવારે સાડા પાંચ વાગ્યે શરૂ થતો એનો દિવસ રાત્રે અગિયાર વાગ્યે પૂરો થતો. ક્યારેક બાળકને ઠીક ના હોય ત્યારે એને અને તમારે રાતભર પણ જાગવું પડતું. આવી વિકટ પરિસ્થિતિમાં પણ તમે ખુશીના મોઢે 'આઈ એમ હેપી વીથ યુ' જ સાંભળેલું. તમારી સખત મહેનત છતાં તમે રાજ્ય સેવાની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ ન થયાં ત્યારે પણ ખુશી હિંમત હાર્યા વગર તમારી પડખે ઉભી રહેલી અને કહેલું 'ટ્રાય અગેઇન,શિવાન. આઈ એમ હેપી વીથ યુ' એના આ શબ્દોએ તમને જીવાડી દીધેલાં શિવાન.

આજે તમે રાજ્ય સેવાની પરીક્ષા પાસ કરી દીધી છે. ચારે તરફથી તમને અભિનંદન મળી રહ્યાં છે. ટૂંક સમયમાં જ તમે ડેપ્યુટી કલેકટરની પોસ્ટ પર કામ કરતાં નજરે પડશો. આજે સૌથી વધુ ખુશ ખુશી છે. આજે એણે સાબિત કરી દીધું છે કે એની પસંદગી ખોટી નહોતી.

તમે તમારી ખુશી શેર કરવા ખુશીની આંખોમાં આંખો પરોવો છો, ખુશીની ખુશીથી છલકાતી આંખો કહી રહી છે 'આઇ એમ હેપી વીથ યુ, શિવાન.'


Rate this content
Log in

More gujarati story from Sharad Trivedi

Similar gujarati story from Romance