આ અબ લૌટ ચલેં
આ અબ લૌટ ચલેં
“તુમ ઈતના જો મુસ્કુરા રહે હો,
ક્યા ગમ હૈ જિસકો છુપા રહે હો..”
ઓડિટોરિયમમાં પ્રેમલનો ઘુંટાયેલો અવાજ ગુંજી રહ્યો હતો અને શ્રોતાઓ તરબોળ થતા જતા હતા. એક પછી એક ગઝલ અને ગીત પ્રસ્તુત કરતા જતા પ્રેમલની દુનિયા જ જાણે આ હારમોનિયમ અને ગળામાંથી સ્ફુરતી જતી સરગમ સુધી સિમિત થઈ ગઈ હતી.
“મગર મુજકો લૌટા દો બચપનકા સાવન....”
અને આખા ઓડિટોરિયમની આંખ ટપક ટપક હતી.
અંતની ચાર પંક્તિઓમાં જાણે પ્રેમલ પોતે જ સમાઈ ગયો હતો.
“ઓ પરદેશકો જાનેવાલે,
લૌટ કે ફિર ના આનેવાલે,
સાત સમુંદર પાર ગયા તુ,
મુજકો જિંદા માર ગયા તુ..”
અત્યંત સફળ ગાયક પ્રેમલનો વધુ એક સફળ કાર્યક્રમ પૂરો થયો. આભારવિધિ બાદ પ્રેમલ બહાર આવ્યો અને ચાહકવર્ગ એને ઘેરી વળ્યો. પત્રકાર પણ એને સવાલ પૂછવા લાગ્યા.
“પ્રેમલજી, તમારા અવાજમાં એક દર્દ છે. એનું રહસ્ય તમારી જિંદગીમાં પણ કોઈ દર્દ છે કે માત્ર અવાજની જ કમાલ છે?”
પ્રેમલને વૈભવી યાદ આવી ગઈ. પણ.. એણે તરત જ પત્રકારને નમ્રતાપૂર્વક જવાબ આપ્યો,
“મારા અવાજ માટે હું ફક્ત ઈશ્વરનો આભારી છું અને રહીશ.”
આલિશાન ગાડીમાં બેસીને પ્રેમલ ઘર તરફ રવાના થયો. ઘેર પહોંચતાં તાઈએ પૂછ્યું,
“બેટા જમવાનું ગરમ કરાવું ?”
પ્રેમલે કહ્યું,
“ના તાઈ તું સુઈ જા. મને ભૂખ નથી.”
અને શયનખંડમાં એણે ડબલબેડ પર લંબાવ્યું. છત પર ધીમી ગતિએ ફરતા પંખાના દરેક વલયમાં જિંદગી પરોવાતી હતી.
***
“અરેરે વૈભવી! શું કામ આવું પગલું લીધું ? શું કમી રહી ગઈ મારા પ્રેમમાં !”
પ્રેમલની જિંદગી ત્રણ વર્ષ જાણે રિવાઈન્ડ થઈ.
શહેરમાં પ્રેમલ ભારદ્વાજનું નામ સંગીતના પર્યાય તરીકે લેવાતું. પ્રેમલને એના પિતા વારસામાં સરગમ આપી ગયા હતા. નાનપણમાં પિતા સાથે અને ત્યાર બાદ અલગ અલગ સ્વતંત્ર રીતે કાર્યક્રમો કરતાં કરતાં પ્રેમલ એક ઊંચાઈએ પહોંચી ગયો. બસ, આ જ અરસામાં વિમેન્સ કોલેજમાં ટેલેન્ટ ઈવનિંગમાં જજ તરીકે ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ મળ્યું. પહેલાં પ્રેમલને પોતાના મોભા કરતાં સહેજ નીચું કામ લાગ્યું પણ પછી તરત જ મનને ટપાર્યું કે સંગીત કોઈ પગથિયાંનું મોહતાજ નથી. નિયત સમયે સ્પર્ધા શરુ થઈ. એક પછી એક ગાયિકાઓએ પોતાનું ગીત શક્ય એટલું સુંદર રીતે રજૂ કર્યું. છેલ્લેથી ત્રીજા નંબરે વૈભવી વાસુદેવની પ્રસ્તુતિ આવી.
વૈભવીએ સ્ટેજ પર ચડતાં પહેલાં નીચા નમીને એને વંદન કર્યું એ પ્રેમલની પારખુ નજરથી છાનું ન કહ્યું.
“યે આંખે બોલતી હૈ,
જો હમ ના બોલ પાયેં..”
અને પ્રેમલ વૈભવીની ગાયકીમાં ખોવાતો ચાલ્યો. પ્રથમ નંબરની ટ્રોફી વૈભવીને એનાયત કરતી વખતે પ્રેમલે એની સાથે બે-ચાર પરિચયનાં વાક્યોની આપ-લે પણ કરી લીધી. મોબાઈલ પર ચેટ અને ધીરે ધીરે વાતો શરુ થઈ. પ્રેમલ વૈભવીને પોતાના કાર્યક્રમોમાં સ્થાન આપવા લાગ્યો. વૈભવી પ્રેમલની તાલિમ હેઠળ વધુ સુંદર ઘડાતી ગઈ. બંનેની જોડી શહેરમાં મશહુર થતી ચાલી અને સફળતાનાં શિખરો સર થતાં ગયાં. બહારના કાર્યક્રમો અને પછી તો વિદેશના પણ નિમંત્રણ સ્વિકારાતાં ગયાં. બંને વચ્ચે સંગીતમય પ્રેમ પાંગરતો ગયો.
નવરાત્રિ આવી રહી હતી. બંને પાસે મબલખ ઓફર્સ આવી રહી હતી. અંતે કેનેડાનો પ્રસ્તાવ બંનેને બધી રીતે યોગ્ય લાગતાં એના પર મહોર મરાઈ. ટીમ રાત-દિવસ રિહર્સલમાં ડૂબી ગઈ. પ્રેમલ અને વૈભવી નવાં ગીતો, નવા ગરબાઓ, નવાં કમ્પોઝિશન્સ તૈયાર કરવામાં વ્યસ્ત થતાં ગયાં.
જવાના બે દિવસ પહેલાં પ્રેમલે વૈભવીને પ્રપોઝ કરતાં કહ્યું,
“વૈભુ, કેનેડાથી આવીને પછી જ્યાં કાર્યક્રમ કરીશું ત્યાં હવે મિસ્ટર એન્ડ મિસિસ પ્રેમલ ભારદ્વાજ તરીકે જઈએ એવી મારી હાર્દિક ઈચ્છા છે.”
અને...વૈભવીને સહેજ આંચકો લાગ્યો.
“પ્રેમ, હજી મેં એ બાબતમાં જરા પણ વિચાર્યું નથી હોં ! મને સમય આપ. હું મારી કારકિર્દીને સહુથી વધુ પ્રેમ કરું છું."
પ્રેમલ ઓઝપાયો છતાં કેનેડાથી આવવા સુધી ધિરજ ધરવાની મનમાં ટેક રાખીને કેનેડા પ્રયાણ કર્યું. સતત, સળંગ, અવિરત અત્યંત સફળ કાર્યક્રમોની વણઝાર અને પ્રેમલ-વૈભવીની જોડીનું નામ આકાશને આંબતું થયું. એક મહિનાની સફર બાદ બંને દેશ પરત ફર્યાં. ત્યાર પછીના મહિનાઓ તો જાણે કાર્યક્રમોની
તારીખ નક્કી કરવા માટે જ હોય એમ અલગ અલગ દેશ-વિદેશમાં બંને સફળતાનો ઝંડો ફરકાવતાં રહ્યાં.
ન્યુયોર્કના દસ દિવસના રહેણાક બાદ છેલ્લે દિવસે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા ગયેલ આખી ટીમ ફોટા અને સેલ્ફીમાં વ્યસ્ત હતી ત્યારે વૈભવીએ પ્રેમલને એક બાજુ લઈ જઈને કહ્યું,
“પ્રેમલ, મારી વાતને જરાય ખોટા અર્થમાં ન લેતો. તારી તાલિમ અને તારા હાથની મદદ ન હોત તો હું કદાચ આટલી સફળ ન થઈ શકી હોત. પણ સ્વતંત્ર કારકિર્દી ઘડવાની મારી પણ ઈચ્છા હોય. આજે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોઈ મને હિંમત આવી કે મારી લિબર્ટી વિશે તને જાણ કરું. મારી તારી સાથેની સફર કદાચ આટલી જ હતી. હું અહીયાં જ રોકાઈ જવાની છું. તને ઘેરથી જાણ કર્યા વગર અહીં સુધી આવી તે બદલ દિલગીર છું. પણ આપણી દોસ્તીને જરાય આંચ નહીં આવવા દઉં. અહીયાં મારો નાનો ચાહકવર્ગ છે જેમાંથી એક ચિરાગ છે. એણે મારા રહેવાની અને કારકિર્દીને વેગ મળે એ માટે તમામ વ્યવસ્થા પહેલેથી કરી રાખી છે. તને આઘાત લાગશે પણ સમય જતાં વૈભુના નામ પર પણ પડદો પડી જશે.”
પ્રેમલ મહા પ્રયાસે પોતાની જાતને સંભાળીને સ્વદેશ પરત ફર્યો. પ્રેમલ ભારદ્વાજના મીઠા અવાજમાં હવે નિચોવાયેલા હ્રદયનું દર્દ ભળી ચૂક્યું હતું.
***
તાઈએ ઢંઢોળ્યો ન હોત તો પ્રેમલ હજી અતીતમાં જ ડૂબેલો રહેત.
“પ્રેમ, કોફી તો પી. તેં ખાધુંય નથી. અને આ દુ:ખી ગઝલો ગાવાની બંધ કર. તેં પાપ નથી કર્યું તે આટલી મોટી સજા તારી જાતને આપે છે.”
પ્રેમલને એ રાતે સરગમ અને સૂર માટે એક અણગમો થઈ ગયો. પ્રથમ હરોળના ગાયક પ્રેમલે સંગીતને તિલાંજલી આપ્યાના સમાચાર દેશ-વિદેશમાં આગની જેમ પ્રસરી ગયા. થોડો સમય મિડિયા અને જાહેર ક્ષેત્રોમાં એની ચર્ચા રહી પછી બધું થાળે પડતું ગયું. પ્રેમલ હવે મસમોટા બંગલાના એક ભાગમાં ટ્યુશન ક્લાસ ખોલીને નાનાં ભૂલકાંઓ સાથે સમય વિતાવીને હળવો થતો જતો હતો. નિર્દોષ બચપનની સાથે પોતે પણ જગતની કડવી સચ્ચાઈ અને કાવાદાવાયુક્ત જિંદગીથી પર થતો જતો હતો. એ દિવસે સવારથી એટલો વરસાદ હતો કે ટ્યુશનમાં કોઈ ન આવી શક્યું. પ્રેમલ તાઈના હાથની ગરમાગરમ કોફીનો મગ લઈને વરંડામાં હિંચકે બેઠો બેઠો કુદરતને માણી રહ્યો હતો ત્યાં મોબાઈલ રણક્યો.
“હલ્લો..”
“હલ્લો હું ન્યુયોર્કથી બોલું છું.”
પ્રેમલના કાન ચમક્યા પણ બીજી પળે નિસ્પૃહ થઈ ગયા.
“હા તો ?”
“વૈભવી મેડમે તમારો નંબર આપ્યો છે. એમણે કહ્યું કે પહેલાં હું ફોન કરીને જાણ કરું.”
“હવે વર્ષો બાદ શેની જાણ કરવી છે ? અને મને હવે વૈભુ.. ઓહ સોરી વૈભવી મેડમની કોઈ વાતમાં રસ નથી એમ એમને જણાવી દેજો.”
“અરે પણ સાંભળો તો ખરા!
વૈભવી મેડમ બહુ બિમાર છે. એમણે માત્ર તમારું નામ અને નંબર આપ્યાં અને કહ્યું કે જગતમાં એક જ નામ મને ખબર છે.”
પ્રેમલના મન અને મગજ વચ્ચે સંવાદ રચાયા.
“વાહ રે સ્વાર્થી દુનિયા ! સફળતા મેળવવા જેને ધક્કો માર્યો, તકલીફમાં એની જ તરફ હાથ લંબાવે ? જરા પણ શરમ ન નડી ?”
“પણ કદાચ સહુથી નજીક અને અંગત તું જ રહ્યો હોય એમ પણ બને.”
“હા હા હા હા! દિલકો બહેલાને યે ખયાલ ભી અચ્છા..”
છતાં.. બીજી સવારે તાઈને જણાવ્યું કે અચાનક ન્યુયોર્ક જવાનું થયું છે. ચાર દિવસ બાદ ટિકીટ મળી.
એરપોર્ટ પર વૈભવીની ગાડી લેવા આવી હતી. રસ્તાઓ પાર કરતાં કરતાં એપાર્ટમેન્ટમાં ગાડી પાર્ક થઈ. ચોવીસમા માળે લિફ્ટ લઈ ગઈ. ડ્રાઈવરે ડોરબેલ મારી. દરવાજો કોઈ નેનીએ ખોલ્યો. પ્રણયને ચોવિસ કલાકની શારિરીક મુસાફરી કરતાં છેલ્લા એક અઠવાડિયાના માનસિક પરિભ્રમણનો થાક વધુ લાગ્યો હતો.
વૈભવી રુમમાંથી બહાર આવી. પ્રણયની નજર એના પર સ્થિર થઈ ગઈ. હજી.. હજી એટલી જ સુંદર અને સ્વસ્થ દેખાય છે. એ જ રતુંબડી ત્વચા, એ જ ગાલ પર રમતી લટ, એ જ સહેજ સ્મિતભર્યા હોઠ, એ જ અંગલટ.. તો ? તો પછી દુ:ખ ક્યાં છે ?
“પ્રેમલ ક્યાં ખોવાયો છે ?”
વૈભવીએ બે ખભા પકડીને હલાવી નાખ્યો.
“હેં ? વૈભવી તું તો એકદમ સ્વસ્થ છે. તો મને દોડાવવાનું કારણ ?”
“પ્રેમ તું બેસ. જરા ફ્રેશ થા. પછી નિરાંતે વાતો કરીએ.”
“ના વૈભવી ફરી વાર શબ્દોની સંતાકૂકડીમાં મારે નથી ફસાવું. ચોખ્ખી વાત કર. મારે પાછા જવાનું છે. તારી અને મારી જિંદગી હવે એક નદીના બે સમાંતર કિનારા છે.”
“પ્રેમ કોઈ જ ઢાંકપિછોડા વગર મારી વાત કરીશ. તું ગયા પછી હું લિબર્ટીના દેશમાં આસમાનમાં ઉડવા માંડી. કાર્યક્રમો મળતા ગયા અને હું સફળ થતી ગઈ. સફળતા અને ઉંચાઈ પામવાની ઝનૂની મહાત્વાકાંક્ષામાં જીવનનાં કેટલાંય નૈતિક મુલ્યો વગર વિચારે હોમી દીધાં. અને દરેક જણ તારા જેવું તો ન જ હોય ! આમ પણ સફળતાની સીડી એકબીજા પર પગ મુકીને જ ચડાતી હોય છે ને!
જે લોકોએ મને પ્રતિષ્ઠિત બનાવી હતી એમને એક નવું નામ મળ્યું અને હું એમની નજરમાંથી નીચેના પગથિયે ઉતરી. ચિરાગ સંપૂર્ણપણે બિઝનેસમેન સાબિત થયો. ધીરે ધીરે પ્રોગ્રામ મળવાના બંધ થયા. ચાહકોનો પ્રવાહ બંધ થયો. એકાંત કોરી ખાવા માંડ્યું છે. અને હવે મારો અંતરાત્મા મારા ભૌતિક અસ્તિત્વ સાથે પળ પળ સંવાદ-વિવાદ કરે છે. મને આ દરેક પળે માત્ર તારું જ નામ, તારા આદર્શ, તારી ચોખ્ખી વાતો યાદ આવે છે. જિંદગીની બાકી રહેલી પળમાં તને મળવાની, તારી માફી માંગવાની એકજ અંતિમ ઈચ્છા બચી છે.”વૈભવીએ શ્વાસ લીધો. પ્રેમલ મૌન હતો. પણ મનમાં ઘમાસાણ ચાલ્યું હતું.
ચાર દિવસ બાદ એરપોર્ટ પર વૈભવીની ગાડી ઉભી હતી. વૈભવી નીચી નજરે કડવી યાદો સમેટીને પ્રેમલ સાથે સ્વદેશ આવી રહી હતી. ચેક ઈન કરીને બંને ગેટ પર આવ્યાં ત્યારે વૈભવીની આંખમાંથી આંસુ ટપક ટપક જાણે અહીંની બધી સ્મૃતિ અહીં જ વહાવીને જવી છે.
પ્રેમલે બિસલેરીની બોટલ ધરતાં કહ્યું,
“ચિંતા કેમ કરે છે ? આ અબ લૌટ ચલેં.''