વૃક્ષ
વૃક્ષ
ગામના પાદરુ શોભતા વડ ને પીપળા થકી,
ગોંદરે રમતા છોકરા શાખા ચડી જતા છકી,
મધ્યાહને સૂતેલા ભાભલા મળી જતા નક્કી,
વૃક્ષને આશરે જગ સજીવ સૃષ્ટિ રહેતી ટકી,
ઝાડની ગોદમાં કઈં હૈયે રોજ પ્રણય પાંગરે,
નિત નવી નવી વાર્તા ઘડાતી મારા કાંગરે,
ટગલી ડાળે કાળી રાતે ભૂત પલીત ગાંગરે,
નિશાચર ને ચોર ભાગ પાડવા કેવા નાંગરે,
ગ્રીષ્મમાં છાંયડો શિશિરમાં પર્ણથી તાપણું,
બારે માસ પ્રાણવાયુ તણું સદાવ્રત આપણું,
પર્ણ ઝીલતા વરસાદને ખુલ્લી કરી પાપણું,
વરસ ભર સંઘરી રાખતા જળ કેરી થાપણું,
પૂજાતા વૃક્ષ કંઈ પિતૃને પાણી પહોંચાડતા,
આવળે બાવળે શૂળ કંટકથી કેવા રંજાડતાં,
પ્રેમને ઊભરે ખાટી ને મીઠી આમ ચખાડતાં,
અમે તમને ને તમે અમને પ્રેમથી રમાડતાં.