આ કેવા દિવસો આવ્યા છે
આ કેવા દિવસો આવ્યા છે
મંદિર ખાલી, જાન નથી, આ કેવા દિવસો આવ્યા છે,
પથ્થર છે, ભગવાન નથી, આ કેવા દિવસો આવ્યા છે,
તાક્યું જ્યાં નિશાન નવું, મન બોલ્યું ખોટું થાશે આ,
સાચું શરસંધાન નથી, આ કેવા દિવસો આવ્યા છે,
તકલીફો વધતી રહેતી મન ગભરાતું સમજાય નહીં,
હોઠો પર મુસ્કાન નથી, આ કેવા દિવસો આવ્યા છે,
રોજ સલાહો આપ્યા કરતા સંભાળો ને જાત અહીં,
આજે એને ભાન નથી, આ કેવા દિવસો આવ્યા છે,
એક દિવસ ભૂલો પડજે ભગવાન અહીં છે આમંત્રણ,
આજ ઘરે મહેમાન નથી, આ કેવા દિવસો આવ્યા છે,
સાંજ પડે દીવો કરવાનો રિવાજ અહીં આજે ત્યાં,
ધૂપ અને લોબાન નથી, આ કેવા દિવસો આવ્યા છે,
કાજલ બોલી ઘરમાં શાંતિ ગમતી પણ આ શરતે નહીં,
આંગણમાં તોફાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.
