વલોણું
વલોણું


મહિયારી જાગીને પ્રભાતે વહેલી
નવશેકા નીરે ધુવે વલોણું પહેલી
આડસર હેઠે ઊભો સોટો સજાવ્યો
મહીની મટકી અલબેલો લાવ્યો
ગોરા કુંભારની છે ગોરી ઘાટીલી
રાધાએ ચોડી રુડી ભાલમાં ટીલી
થાંભલે બાંધી રુડી રવાઈ ઘૂમતી
માંકડી ઢાંકી ને કેરડા કેરી કૂમતી
માટલે પૂર્યા દહીં ને મહી ચૂમતા
ગોરી ઘુમાવે ઘમ વલોણું ઝૂમતાં
નેતરાં ચલાવે ગાઈ પ્રભાતિયાં
માખણ તરવાને મારે હવાતિયાં
ઘોળ થાકી થઇ ગઈ ધોળી છાશ
માખણ જોઈ ઉજળી આવી આશ
હળવે હાથથી નવનીત તારવ્યું
કોમળ કાના હોઠે કોળિયો ફેરવ્યો
શીતળ કાઢી છાશ દોણી ભરીને
ગોરી ને રવૈયા ધોયા ફરીફરીને
મહિયારી જાગીને પ્રભાતે વહેલી
પછી જશે જળ ભરવા સંગ સહેલી.