વિશ્વરૂપમ
વિશ્વરૂપમ
તારી નબળાઈઓ પર નહિ,
શક્તિઓ પર ધ્યાન આપ...
જો સ્વયં ન સ્વીકારે પરાજય તું,
તને કોઈ હરાવી શકવાનું નથી..!
પથ્થરોનાં ઘા એજ વૃક્ષ ઝીલતું,
મીઠા ફળ હંમેશ આપ્યાં જેણે..
સદીઓથી ઘવાઈ છે માનવતા,
સંસારનું આ સત્ય બદલાવાનું નથી..!
છો વિશેષ પ્રતિભાશાળી અન્યથી
આથી તો તુજ પર ટીકા-પ્રહાર થયાં..
લક્ષ્યથી વિચલિત ન થા, અડગ બન,
હોય લઘુતાગ્રંથિ તો સફળ થવાતું નથી..!
ઓળખ તુજ આંતરિક શક્તિઓને,
જે થકી તું મહામાનવમાં પરિણમ્યો..
તુજ આત્મવિશ્વાસ આયનો છે તારો
અંદર નિરખ્યાં સિવાય વિશ્વરૂપ દેખાતું નથી..!
દીપાવલી, ભલેને તું લાખ સરળ હો,
બેઠાં-બેઠાં દિવાસ્વપ્નમાં રાચવાનું છોડ..
બળવાન સંકલ્પોજ તારી શકે તુજને,
સ્વપ્નોમાં મહામાનવ બનવાથી કંઈ જીવાતું નથી..!
