વીર અભિમન્યુ
વીર અભિમન્યુ
વીર અભિમન્યુ …..રમેશ પટેલ(આકાશદીપ)
સૂણે સુભદ્રા શ્રીકૃષ્ણ મુખે, સાહસ ભરતા રંગ
ઝીલી ગર્ભમાં સંસ્કાર યુધ્ધના, હરખે અંગેઅંગ
ઝૂલે પારણે લાલો વ્હાલો, વીર પાર્થનો પ્યાર
ક્ષાત્ર તેજ શોભંત વદનપર, રક્ત પુંજ અપાર
સિંહ સુભદ્રાનો ઊછળી રમતો, ધીર અભિમન્યુ બાળ
પાંડવ યદુકુળનો અંશ જાણે, મહા સાહસનો સમ્રાટ
વીર ગતિથી થાવ જ અમર તું, શંખ ધ્વનિના રાગ
કુરુક્ષેત્રે મંડાણું મહાભારત, લઈ ઈર્ષાની આગ
સેના શત્રુની હણવા જ હાલ્યો, પાર્થ રણે અંતરાળ
સમય પારખી ઢ્રોણે રચીઓ, ચક્રવ્યૂહનો દાવ
સોચે પાંડવો કોને હવે દેવું? આ સૈન્યનું સૂકાન
બીડું ઝડપવા ઊભો થયો, સોળ વરસનો વાઘ
વદે યુધિષ્ઠિર ઓ અભિ તું, ખૂબ જ કોમળ બાળ
અસ્ત્રશસ્ત્ર ને પ્રપંચીઓ ને, કેમ સમજે તું લાલ?
છું હું પાંડવ, કેમ દેખી શકું પાંડવ પક્ષ લાચાર ?
ખેલું નીત હું પરાક્રમે ને, ના ભયનો ઓથાર
માત સુભદ્રાના ઉરમાં જ ભણ્યો, હું છ કોઠાનો ભેદ
કાકા ભીમ હોય જ સાતમે તો, ના મને કોઈ ખેદ
જોશે કુરૂક્ષેત્ર કાલે જ મારું, શૌર્ય જ રણમેદાન
બીડું ઝડપ્યું ભર સભામાં, ધીર વીર એ શાન
રચ્યો ગુરૂ ઢ્રોણે ચક્રવ્યૂહ, શું લડશે આ બાળ?
કર્ણ દુર્યોધન હૈયે મલકે, યુધિષ્ઠિર માથે ઘાત
ઊભા ગુરૂ વદતા પહેલા કોઠે , આજ વરસસે આગ
પાછો વળીજા અભિમન્યું તું, નહીં પામશે રે તાગ
કૃપાચાર્ય અશ્વત્થામા સંગમાં, ને શલ્ય કર્ણ છે વીર
મરદ મૂછાળો પણ દૂધમલિયો, કેમ ટકશે તું ધીર?
આજ રમાડીશ રણભૂમિ આ, ગજવી અંબર આણ
ધસીશ વેગથી ધરણ ધ્રુજાવી, છોડી બખ્તર વેધી બાણ
ધસ્યો અભિમન્યું લશ્કર લઈને, ઢ્રોણ દીસે લાચાર
ધોળામાં ધૂળ નાખી ધમરોળે, પરાક્રમ દીસે અપાર
ભેદી કોઠો પ્રથમ, કર્યો શંખ હુંકાર
હાલ્યો રણે અભિ, લઈ ધનું ટંકાર
આવ્યા રોકવા કૃપાચાર્ય, ગૂંથતા તીરની જાળ
ત્રાટક્યો અભિ તાંડવ રૂપે, પડ્યા કૃપ ચોપાટ
તૂટી ધ્વજા હણાયા અશ્વ, માન ભંગ બચાવે પ્રાણ
હાલ્યો રણબંકો ચક્ર વ્યૂહે , લઈ ધનુષને બાણ
આવો અશ્વત્સ્થામા ને શૈલ્યજી, કરો વીર થઈ યુધ્ધ
કેમ ઝંખવાયું કૌશલ્ય રે, જુઓ સેના છોડતી જુધ્ધ
તૂટ્યા અંગના બખ્તર ને ,ચૂભ્યા અભિના જ ઘાવ
હાલ્યો રણબંકો ચક્ર વ્યૂહે , લઈ ધનુષને બાણ
આવ્યો રોકવા યુધ્ધે કર્ણ, ગગન ગાજે ટંકાર
આવો આજ દઉં જ કસોટી, અભિ ધરે જ હુંકાર
અસ્ત્ર-શસ્ત્રથી ગાજ્યું અંબર, જાણે ડણકે સાવજ ઝૂંડ
શૌર્ય સંગમાં ક્રોધ ભભૂક્યા, દોડ્યા ગજ ઊંચકીને સૂંઢ
કર્ણ વિચારે કયા શસ્ત્રથી તોલું,ત્યાં જ ઘવાયું અંગ
વાહ લડવૈયા બાહુ બડવૈયા, ધન્ય અભિ તવ રંગ
દેખ દુર્યોધન બંધુ કર્ણનો, રણમધ્યે રોળે મમ તીર
મૂર્છિત કર્ણ, છૂપે કૃતવર્મા, સૌ પરાજીત તવ વીર
જીતી યુધ્ધ કોઠા છઠ્ઠાનું, અભિ જુએ ભીમની રાહ
રોકી રાહ ઊભો જયદ્રથ, ઢ્રોણ ગુરુએ ભીડ્યા દ્વાર
હારેલા દુશાસન દુર્યોધન સંગે, રથીઓની છૂટી લાજ
તૂટી રે પડ્યા એકી જ સાથે, પાછો પાડો એને આજ
મારો સારથી તોડો ધનુષ, અભિમન્યું દીસે વિકરાળ
એકલ વીરને ચડ્યું પોરસ, ના જીતવા દે આ બાળ
શસ્રો ખૂટતાં ઘેરાયો વીરો, એ ઝીલે જ ખડગથી વાર
ધરી રથ ચક્ર હાથે એ ઘૂમે, અધર્મી કરે પૂંઠથી પ્રહાર
વદે અભિમન્યું , નથી ઢળ્યો હું, ઢળી ગઈ છે કૌરવ જાત
અધર્મી થઈ લડ્યા તમે તો, કાલે નહીં જ છોડે મમ તાત
યુગો યુગો સુંધી કીર્તિ અજવાળશે, રણશૂરા અભિમન્યું તારૂ નામ
મર્દાનગીથી રણે રમ્યો ધનુર્ધર, વીરનું રળી ગયો તું યશનામ.(2)
રમેશ પટેલ(આકાશદીપ)
