વદે રાઈનો દાણો...
ના જાણજો મુજને નાનો, વદે રાઈનો દાણો
ધ્રુજે બ્રહ્માંડ ઊર્જા વિસ્ફોટે, એ પરમાણું નાનો
નાના બુંદને કહી બાપડું, રખે તમે રે હસતા
મહાસાગર થઈ બાપ સવાયા, સિંહ સમા ગરજતા
તમે માનો એટલા સૌને નાના ,ના જ સમજતા પ્યારા
વિશાળ વ્યોમને ભેગા મળી, કેવા ભરતા નાના તારા
નાનાં નાનાં પગલાંને વળી પંખ પંખીની નાની
સાત સાગરોની લાંબી ડગરો લાગે તેને ટૂંકી
નાજુક નમણાં નાનાં અંકુર રઝળે ઠોકર ખાતાં
જળ થળ સથવારે , ખીલી ખેલ કરે રુપાળાં
નથી જગે કોઈ નાનું ભાઈલા, સત્ય લેજો સ્વીકારી
સૂક્ષ્મમાં સંચિત વિરાટ શક્તિ, એ પરમેશ્વરને પ્યારી
હળવા હલકા થાવ અંતરથી, ભલે કહે સૌ નાના
મોટા એવા કરશે પ્રભુજી, સમાશે સર્વ અજવાળાં
રમેશ પટેલ(આકાશદીપ)