હરિ આવોને..!
હરિ આવોને..!
ખુલ્લાં મૂક્યાં ઉરના દ્વાર હવે તો હરિ આવોને,
કરી પ્રતિક્ષા મેં પારાવાર હવે તો હરિ આવોને,
થાકી જિહ્વા રટીરટી પ્રભુ હરપળ નામોચ્ચાર,
લોચને અવિરત અશ્રુધાર હવે તો હરિ આવોને,
નિતનિત નૂતન આશા જાગે આવશે કિરતાર,
દ્રવજો દીનાનાથ દાતાર હવે તો હરિ આવોને,
ધીરજ ખૂટી તોયે દીપ શ્રદ્ધાનો હજુ જલનાર,
જીવમાત્રના ગુણ જોનાર હવે તો હરિ આવોને,
વિહ્વળ હૈયું કેવું ધબકે હર ધબકારે છે પોકાર,
તુજ વિણ ના કોઈ આધાર હવે તો હરિ આવોને,
લાજ રાખો રઘુનંદન સેવક શ્વાસ થકી રટનાર,
ધનુર્ધારી ના તડપાવો વારંવાર હવે તો હરિ આવોને,
ભક્તવત્સલ બિરુદ હરિવર કેટલી હજુએ વાર ?
દોષો ભૂલીને અંતર વાંચનાર હવે તો હરિ આવોને.
