પૂનમ વૈશાખની
પૂનમ વૈશાખની
પૂનમ વૈશાખની..
ગુફા મધ્યે નીરખી રહ્યો , સૌમ્ય મૂર્તી બુધ્ધની
આડે પડખે જમણે અંગે, પરમ શાન્તિ પમાડતી.
પંદરસો વર્ષ પૂર્વે , હશે કેવી આ ધન્ય ઘડી
વધાવે જન્મ વૈશાખી પૂનમ,મહામયી! તું ભાવ ધરી.
ચાંદની ખુદ શાતા ઝીલે, પ્રકૃતિ દીસે સુખદાયિની
પૂર્ણ રૂપે વૈશાખી ખીલી , પૂર્ણ સંગ બ્રહ્માંડે રમી.
ત્યાગી ગૃહ તપી ભમી, પુનિત પીપળે આંખો ઢળી
શીતલ વાયુ સુગંધ ઢોળે, પ્રસન્ન ફરી પૂનમ વૈશાખની.
અનંત સુખ રમે મુખે, અનંતો દર્શનના સત્યો લાધી
અનેરી તૃપ્તી, વનકન્યા સુજાતા, ધરે ખીર ભાવે હસી.
સંઘ વિહારથી ઉઠી લહર , બુધ્ધત્વના પંથે દોરે જગત
અહિંસા પ્રેમથી રંગો જીવન, શિલ્પી કોતરે અમૃત વચન.
કુશીનારાનો ચંદ લુહાર, ધરે અંતિમ ભીક્ષા ભગવંતને
ધન્ય વૈશાખી પૂનમ, એંશી વર્ષ, દેવે દીધાં સુખ જગતને.
સુણો અંતિમ બોધ, "આત્મ દીપ થાવ" બોલી મીંચ્યા નયન
વરતે જગે આણ ચક્રવર્તી, 'આકાશદીપ' ભાવે વંદે ચરણ.
ગાઉ મહિમા કોનો વધારે, વંદનીય વૈશાખી મહામયી પૂનમ
ના વીસરીશું એ ભાવ દર્શન શિલ્પી,જે કંડાર્યા પ્રભુનાં શયન
રમેશ પટેલ(આકાશદીપ)
