ઊંડાઈ
ઊંડાઈ
સ્વપ્નના સમુદ્રોને સૂકવીને,
આંસુઓને ખારા બનાવ્યા,
માપી શકાય તો માપી લો,
પાંપણ બીડેલી આંખોની ઊંડાઈને,
હાસ્યના ફૂવારા ઊડાડતાં રહેલા,
પાછળ સૂકાઈ ગયેલા મનના ખૂણાને,
માપી શકાય તો માપી લો,
વ્યથિત હૃદયની ઊંડાઈને,
સવાલો તો કંઈક ઊઠ્યા જીવનમાં,
છતાં હોઠ બીડાયેલા રહ્યાં,
જવાબો હૈયામાં ધરબાયેલા રહ્યાં,
માપી શકાય તો માપી લો,
ચૂપકીદી પાછળની ઊંડાઈને,
માટીનો જીવ માટીમાં મળવાનો,
છતાં અસ્તિત્વથી અંત સુધી,
માનવી સદા દોડતો રહ્યો,
માપી શકાય તો માપી લો,
દોડ પાછળની ઊંડાઈને.
