ત્યારે કવિતા રચાય છે
ત્યારે કવિતા રચાય છે
મૃત્યુ પામે કેટલાય અરમાનો ત્યારે કવિતા રચાય છે,
આમ સઘળી વ્યથા અને દર્દોને શબ્દોનું રૂપ અપાય છે.
રાત આખી એનાજ વિચારોમાં પસાર થાય છે,
આમ એનીજ વાતોને કવિતામાં વર્ણવાય છે.
થોડા અલંકાર થોડા પ્રાસથી કવિતા શણગારાય છે,
બસ એનાં સુંદર ચહેરાની શબ્દો દ્વારા આકૃતિ રચાય છે.
કહેવું છે જેને એને મોઢામોઢ ક્યાં કહેવાય છે !
આમ કવિતા દ્વારા દિલનો સંદેશો એના સુધી પહોંચાડાય છે.
વિરહની વેદના અને મિલનની મધુરતા એમાં લખાય છે,
આ પ્રેમની દાસ્તાન આમ શબ્દોમાં ઉલેખાય છે.
કહેવું તો છે મારે ઘણુ શબ્દો દ્વારા,
પણ શબ્દો પણ મારા પ્રિયતમ જેવા,
જોને વારંવાર રિસાય છે !
આમ કવિતામાં એનાં પ્રત્યેની ફરિયાદ રજૂ કરાય છે.
આમ આ વિરહની વાતો મહેફિલમાં ક્યાં કરાય છે !
બસ એ વાતો તો અલ્ફાઝ દ્વારા આમ રજૂ કરાય છે.
મૌન ધારણ કર્યું છે અધરો એ મારા,
પણ આ આંખોથી ક્યાં ચૂપ રહેવાય છે !
બોલતી આંખોની વાત આમ ગીત રૂપે મહેફિલમાં ગવાય છે.

