ટકરાવ ઠાલા
ટકરાવ ઠાલા
કોઈ કંપન આમ ના ટકરાવ ઠાલા,
આગિયાના વીજના ઝબકાવ ઠાલા,
પાંપણે સંતાયુ છે ચોમાસુ આખું,
માવઠા, ના એક બે વરસાવ ઠાલા,
ગ્રંથ આખો યાદ છે તારી કથાનો,
અવસરોને આમ ના વિસરાવ ઠાલા
ઝાંઝવા શું ? રણ મેં પીધાં ધોમ ધખતા,
રેતનાં વંટોળ ના ચકરાવ ઠાલા,
લાગણીથી તરબતર પત્રો લખ્યાં મેં,
ઝાકળે તું આમ ના પલળાવ ઠાલા,
પર્ણ પીળાં છે બધાં આ વૃક્ષનાં ,તો
ખેરવી એને તું ના થથરાવ ઠાલા,
આ હ્ર્દય ધબકી ચૂક્યું છે ઠેસ ખાઈ,
સ્પંદનો, ના લઇ નવા ધબકાવ ઠાલા,