જાય છે
જાય છે
વૃક્ષથી પર્ણ સુક્કાં ખરી જાય છે,
પાનખર ત્યાં જ એને નડી જાય છે.
ક્યાં સુધી રોકવો શ્વાસ વાસંતી, પણ,
ખુશ્બૂ ભીનો પવન આભડી જાય છે.
ઊર્મિઓ સિંચું છું મૂળમાં હેતથી,
ત્યાં નવું પાંદડું ફરફરી જાય છે.
ટેરવે સ્પર્શનાં વર્તુળો ખીલતા,
ડાળમાં સ્પંદનો સળવળી જાય છે.
હુંફ સ્પર્શી ગઈ જર્જરિત વૃક્ષને,
શ્વાસ લેતાં પછી આવડી જાય છે.