તો કેવું !
તો કેવું !


સ્નેહના વાદળમાં તું ને હું ભેગાં થઈ,
ઝરમર મેહુલા સાથે વરસીએ તો કેવું !
પ્રીતની વાદળીમાં ખોવાઈ જઈ,
નીતરતા આભમાં ભીંજાઈ જઈએ તો કેવું !
મેઘરાજાની મહેરમાં તરબોળ થઈ,
અનરાધાર હૈયું હરખાવીએ તો કેવું !
રૂપેરી ધરા પર પગલાંની છાપ બની,
મોરના ટહુકાર સંગ નાચીએ તો કેવું !
રચાયું છે મેઘધનુષ આભમાં, તું રંગીન બની,
નજરમાં મારી રંગો ભરી વસી જાય તો કેવું !
મંદ મંદ વાતાં વાયરા સાથે ડોલી,
કાનમાં મારા મધુરું ગુંજન બને તો કેવું !
આંખોથી આંખો મળી તારી ને મારી,
વરસાદ હવે મુશળધાર વરસે તો કેવું !