સુહાગણ બનાવી
સુહાગણ બનાવી
મેં તો ગરબો કોરાવ્યો માના નામનો રે,
માનો ગરબો ઘૂમે સકળ લોકમાં રે,
તારો ખૂબ ખૂબ આભાર મારી માવડી રે,
મેં તો માંગ્યો ખોબો ને તેં તો દીધો દરિયો રે,
મેં તો માંગી માથાની નાની ટીલડી રે,
તેં તો સિંદુર આપી સુહાગણ બનાવી રે,
મેં તો માંગી હોઠોં માટે સુંદર લાલી રે,
તેં તો નથણી પહેરાવી સુહાગણ બનાવી રે,
મેં તો માંગી હાથ માટે રંગીલી બંગડીઓ રે,
તેં તો ચૂડલો પહેરાવી સુહાગણ બનાવી રે,
મેં તો માંગ્યા પગ માટે ખનકતાં પાયલ રે,
તેં તો વેઢ પહેરાવી સુહાગણ બનાવી રે,
મેં તો માંગી લહેરાતી એક નવલખ ચૂંદડી રે,
તેં તો ઘરચોળું પહેરાવી સુહાગણ બનાવી રે,
તારો ખૂબ ખૂબ આભાર મારી માવડી રે,
તારો ગરબો ઘમ્મર ઘમ્મર ઘૂમતો રે.
