સફર
સફર


સૂર્યનાં કિરણો
ઠંડાગાર સરોવરમાં ડૂબકી મારે
સાત રંગોનું ઉર્ધ્વગમન થાય
કાળો રંગ છેતરે છે
આંખો પર બાંધેલી પટ્ટીને
સરોવરમાં હોડી સઢ વગર
શ્વાસનો વેપાર કરે
ઉછળકૂદ કરે
આડી અવળી થયા કરે
તરંગોને વીંધીને વિજય પતાકા લહેરાવે
પંખીની ચાંચમાં તણખલું !
માળો બાંધશે કે તરાપો ?
કલાગીરી હશે
એની પોતાની
દરજીડો જેમ માળો સીવે એમ આ પણ તરાપો બાંધશે
ને ભાડે આપશે જરૂર હશે એને
ખંડેર થયેલા નગરને ચારેબાજુથી સન્નાટો ઘેરે છે
પથ્થરના કાને અથડાયને પાછો ફરતો હવાની લહેરનો ધકકો
ગાઉં ગાઉં સુધી પાછો ફરે છે
બેહોશ પડેલી દિવાલો
બોલાવે છે
કોઈ એને માથે હાથ ફેરવે, વ્હાલ કરે
એની વાત સાંભળે
ને એને છેક સુધી વળાવી આવે
પટ્ટી, સઢ, તરાપો, દીવાલો હજુય બોલે છે
એના જ શબ્દો પડઘાયા કરે છે
કોઈ સાંભળવા જશે ?
બહેરો જોખમના લે.